રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામેની ઈનીંગ વડે નોંધાવ્યા વિક્રમ, આમ કરનારો એકમાત્ર બેટર
પહેલા ઓસ્ટ્રેલિયાના ધૂળ ચટાડી અને હવે ઈંગ્લેન્ડની ટીમને પછાડ્યું છે. બંને ટીમો સામે સુકાની રોહિત શર્માએ દમદાર ઈનીંગ રમીને બંને ટીમોના બોલર્સને પરેશાન કરી દીધા હતા. સાથે જ બંને ટીમના સપનાઓને પણ રોળી નાંખ્યા હતા. આ સાથે જ રોહિત શર્માએ અનેક વિક્રમ પણ પોતાને નામ કરી લીધા છે.
T20 વિશ્વકપ 2024માં રોહિત શર્મા જબરદસ્ત રંગમાં જોવા મળી રહ્યો છે. પહેલા ઓસ્ટ્રેલિયાના ધૂળ ચટાડી અને હવે ઈંગ્લેન્ડની ટીમને પછાડ્યું છે. બંને ટીમો સામે સુકાની રોહિત શર્માએ દમદાર ઈનીંગ રમીને બંને ટીમોના બોલર્સને પરેશાન કરી દીધા હતા. સાથે જ બંને ટીમના સપનાઓને પણ રોળી નાંખ્યા હતા. આ સાથે જ રોહિત શર્માએ અનેક વિક્રમ પણ પોતાને નામ કરી લીધા છે.
રોહિત શર્માને ફોર્મને લઈ અનેક લોકો સવાલો ઉઠાવી રહ્યા હતા. તેના ફોર્મની ચર્ચાઓ પણ થતી રહેતી હતી. જોકે આ તમામની બોલતી બંધ હિટમેને પોતાની બેટિંગ વડે કરી લીધી છે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામેની મેચમાં કરેલી તોફાની બેટિંગે માહોલ બનાવી દીધો છે. સેમીફાઈનલ મેચમાં પણ અડધી સદી નોંધાવી હતી અને ભારતીય ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધુ હતું.
આમ કરનારો પ્રથમ
હિટમેને ઈંગ્લેન્ડ સામે સેમીફાઈનલ મેચમાં બે શાનદાર છગ્ગા જમાવ્યા હતા. આ સાથે જ હવે રોહિત શર્માએ T20 વિશ્વકપમાં 50 છગ્ગા પૂરા કરી લીધા છે. આમ કરનારો તે પ્રથમ ભારતીય બેટર બન્યો છે. રોહિત બાદ બીજા સ્થાને વિરાટ કોહલી અને યુવરાજ સિંહ છે, તેમણે 33 સિક્સર ફટકારી છે.
આટલું જ નહીં રોહિત શર્મા આ સાથે હવે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 50 કે તેથી વધારે છગ્ગા ફટકારી ચૂક્યો છે. રોહિત શર્માએ આ પહેલા વનડે વિશ્વકપ અને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં પણ 50-50 છગ્ગા નોંધાવ્યા છે.
પ્રથમ ભારતીય કેપ્ટન પણ બન્યો છે કે, જેણે T20 વિશ્વકપની નોકઆઉટ મેચમાં અડધી સદી નોંધાવી છે. ઈંગ્લેન્ડ સામે અડધી સદી નોંધાવવા સાથે જ તે આમ કરનારો પ્રથમ ભારતીય સુકાની બન્યો છે. જ્યારે ICC નોકઆઉટમાં સૌથી વધારે રન નોંધાવનારા બેટરમાં બીજા સ્થાન પર રોહિત શર્મા પહોંચ્યો છે. તેણે 771 રન નોંધાવ્યા છે. જ્યારે વિરાટ કોહલી આ મામલે સૌથી આગળ 863 રન સાથે છે.
સૌરવ-લારાની બરાબરી કરી
ભારતીય ટીમ ત્રીજીવાર ICC ની ટૂર્નામેન્ટની ફાઈનલમાં રોહિત શર્માના સુકાન હેઠળ પહોંચી છે. અગાઉ ભારતીય સુકાની સૌરવ ગાંગુલી અને વેસ્ટ ઈન્ડિઝનો પૂર્વ કેપ્ટન બ્રાયન લારા આમ કરવામાં સફળ રહ્યો હતો. રિકી પોન્ટીંગ અને એમએસ ધોની રોહિત શર્માથી આગળ છે, આ બંને પૂર્વ કેપ્ટન ટીમને 4-4 વાર આઈસીસી ટૂર્નામેન્ટની ફાઈનલમાં પહોંચાડવાની સફળતા મેળવી છે.