સુરતમાં સ્માર્ટ મીટર મુદ્દે ફરી વિવાદ, અડાજણના શિવ-શક્તિ એપાર્ટમેન્ટમાં DGVCL સામે ઉગ્ર વિરોધ, જુઓ Video
સુરતના અડાજણ વિસ્તારમાં સ્માર્ટ વીજ મીટર વિરોધ ફરી ઉગ્ર બન્યો છે. DGVCL કર્મચારીઓ દ્વારા મંજૂરી વગર સ્માર્ટ મીટર લગાવવાના પ્રયાસ સામે શિવ-શક્તિ એપાર્ટમેન્ટના રહીશોએ ભારે વિરોધ કર્યો.
સુરત શહેરમાં સ્માર્ટ વીજ મીટર લગાડવાના મુદ્દે ભૂતકાળમાં ભારે વિરોધનો વંટોળ ઉઠ્યો હતો. આ મુદ્દો શાંત પડ્યો હોવાનું લાગતું હતું, પરંતુ ફરી એકવાર અડાજણ વિસ્તારમાં આવેલા હની પાર્ક નજીકના શિવ-શક્તિ એપાર્ટમેન્ટમાં સ્માર્ટ મીટર સામે ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે.
શિવ-શક્તિ એપાર્ટમેન્ટમાં DGVCLના કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવવા માટે પહોંચ્યા હતા. રહીશોએ આરોપ લગાવ્યો હતો કે તેમની મંજૂરી લીધા વગર જૂના મીટર કાઢીને નવા સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. આ બાબતે ગુસ્સે ભરાયેલા રહીશોએ કર્મચારીઓને મીટર લગાવવાની કામગીરી અટકાવી હતી.
સ્થાનિક રહેવાસીઓની એક જ માંગ હતી કે જ્યાં જૂના મીટર કાઢીને નવા મીટર લગાવવામાં આવ્યા છે, ત્યાં ફરીથી જૂના મીટર જ લગાવવામાં આવે. રહેવાસીઓનું કહેવું છે કે સ્માર્ટ મીટર અંગે પૂરતી માહિતી આપવામાં આવી નથી અને કોઈ સ્પષ્ટ સંમતિ લેવામાં આવી નથી.
ઉગ્ર વિરોધ વચ્ચે DGVCLના કર્મચારીઓ પણ રોષે ભરાયા હતા. તેમનો દાવો હતો કે વીજ મીટરની માલિકી DGVCLની છે અને તેમને મીટર બદલવાનો અધિકાર છે. તેમ છતાં, મીટર બદલવાનું કારણ શું છે તે અંગે પૂછાયેલા પ્રશ્નોનો તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા.
સ્માર્ટ મીટર મુદ્દે ફરી એકવાર ઊભો થયેલો વિવાદ સ્થાનિકોમાં ચિંતા અને અસમંજસ ઊભી કરી રહ્યો છે. રહેવાસીઓ સ્પષ્ટતા અને પારદર્શિતાની માંગ કરી રહ્યા છે, જ્યારે વિજ કંપની પોતાની કાર્યવાહી યોગ્ય હોવાનું કહી રહી છે.
તમને સ્પર્શતી ગુજરાતના બજેટની 20 મોટી જાહેરાતનો વીડિયો
