Ind vs Aus 2025 : હવે થશે કાંટાની ટક્કર ! ભારતીય ક્રિકેટના ‘2 અનમોલ રતન’ પાક્કાપાયે કમબેક કરવા તૈયાર, કાંગારૂઓ સામે મેદાનમાં ઉતરશે
ભારતીય ક્રિકેટના '2 અનમોલ રતન' એટલે કે, રોહિત શર્મા અને વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કમબેક કરવા તૈયાર છે. હવે તેઓ ઓસ્ટ્રેલિયામાં કઈ રીતે કમબેક કરે છે તેના પર સૌની નજર રહેશે.

ભારતીય ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલી અને રોહિત શર્મા ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવા માટે તૈયાર છે. બંને ધુરંધરો કાંગારૂ સામેની ODI સિરીઝનો ભાગ રહેશે. જણાવી દઈએ કે, ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી બંને સ્ટાર બેટ્સમેન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફરી રહ્યા છે.
ચાહકો જોઈ રહ્યા છે ‘રાહ’
ટેસ્ટ સિરીઝના ઉત્સાહ બાદ હવે ક્રિકેટ પ્રેમીઓ ભારતીય ટીમના આગામી ટૂર માટે ઉત્સુક છે. આ સાથે જ રોહિત શર્મા અને વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ક્યારે પાછા ફરશે, તેની રાહ પણ ચાહકો જોઈ રહ્યા છે. જો કે, ભારતીય ક્રિકેટ ચાહકો માટે એક મોટા સમાચાર આવ્યા છે.
રોહિત-કોહલી ક્યારે કરશે ‘કમબેક’?
ભારતીય ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલી અને રોહિત શર્મા ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા સામેની ODI સિરીઝમાં રમવા માટે તૈયાર છે. પહેલી મેચ 19 ઓક્ટોબરે પર્થમાં રમાશે. આ પછી બીજી વનડે 23 ઓક્ટોબરે એડિલેડ અને ત્રીજી વનડે 25 ઓક્ટોબરના રોજ સિડનીમાં રમાશે.
બંને અનુભવી ભારતીય ક્રિકેટરોએ વર્ષ 2024 ના T20 વર્લ્ડ કપ પછી ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. રોહિતે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ પહેલા નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ પછી કોહલીએ પણ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહીને ક્રિકેટ પ્રેમીઓને આંચકો આપ્યો હતો. રોહિત અને વિરાટ તાજેતરમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમતા જોવા મળ્યા હતા.
બંને ક્રિકેટરો પર અનેક સવાલો ઉઠ્યા
જણાવી દઈએ કે, ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન બંને ક્રિકેટરોની ટેસ્ટ કારકિર્દી પર અનેક સવાલો ઉઠ્યા હતા. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન રોહિત અને વિરાટનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. આવી પરિસ્થિતિમાં, હવે તેઓ ઓસ્ટ્રેલિયામાં કઈ રીતે કમબેક કરે છે તેના પર સૌની નજર રહેશે.

