રવિન્દ્ર જાડેજાએ પુત્રીનો પાંચમો જન્મદિવસ બનાવ્યો ખાસ, 101 દિકરીઓના પોસ્ટ ખાતા ખોલાવ્યા, PM Modi ને આપ્યો શ્રેય
રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ વર્ષ 2016 માં લગ્ન કર્યા હતા. બીજા જ વર્ષે, તેઓ એક પુત્રીના પિતા બન્યા, જેનું નામ તેમણે નિધ્યાના જાડેજા (Nidhyana Jadeja) રાખ્યું.
ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) આ દિવસોમાં ક્રિકેટના મેદાનથી દૂર છે. જાડેજાને આ વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. જો કે ટીમની સતત હારના કારણે તેણે કેપ્ટનશીપ છોડી દીધી હતી. આ પછી તે ઈજાના કારણે પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થઈ ગયો હતો. જાડેજા હાલમાં પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. બુધવારે તેમની પુત્રી નિધ્યાના જાડેજા (Nidhyana Jadeja) નો પાંચમો જન્મદિવસ હતો. આવી સ્થિતિમાં, તેમની પુત્રીના જીવનની આ ખાસ ક્ષણ પર, તેમણે તેમની પત્ની સાથે એક નવી પહેલ શરૂ કરી, જે કેટલીક દીકરીઓના જીવનમાં પરિવર્તન લાવશે. જાડેજાએ વર્ષ 2015 માં રીવાબા (Rivaba Jadeja) સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2017માં બંને પુત્રીના માતા-પિતા બન્યા હતા. તેમની પુત્રીનો જન્મ વર્ષ 2017માં થયો હતો.
જાડેજાએ દીકરીના જન્મદિવસને ખાસ બનાવ્યો હતો
જાડેજાએ લીધેલા પગલા હેઠળ તેમણે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ 101 છોકરીઓના પોસ્ટ ખાતા ખોલાવ્યા છે અને દરેકમાં 11 હજાર રૂપિયા જમા કરાવ્યા છે.
આ અંગે માહિતી આપતા તેણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘આજે એટલે કે 8 જૂને મારી પુત્રી નિધ્યાના જાડેજાનો પાંચમો જન્મદિવસ છે. આ પ્રસંગે મારી પત્ની રીવાબા જાડેજાએ સમજ માટે એક મહાન કાર્ય કરવાનું નક્કી કર્યું છે. તેણે જામનગરની પોસ્ટ ઓફિસમાં 101 સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલાવ્યા છે. અમારી પુત્રીના જન્મદિવસ પર આ કાર્ય કરીને અમને આનંદ થાય છે. અમને તેની પ્રેરણા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીજી પાસેથી મળી છે જેમણે પોતાના કાર્યકાળના 8 વર્ષ પૂરા કર્યા છે. હું રાજ્યના સંચાર મંત્રી દેવુસિંહ જી ચૌહાણનો પણ આભાર માનું છું જેમણે આ પગલામાં અમારું સંપૂર્ણ સમર્થન કર્યું. અમે આશા રાખીએ છીએ કે આવા સમર્થન સાથે અમે આ પ્રકારની સમાજ સેવા કરતા રહીશું.” જ્યારે જાડેજાની પત્નીએ કાર્યક્રમની તસવીરો શેર કરી જેમાં તે છોકરીઓ સાથે જોવા મળી હતી.
— Ravindrasinh jadeja (@imjadeja) June 8, 2022
રાજ્ય કક્ષાના કેન્દ્રીય સંચાર પ્રધાન દેવુસિંહ ચૌહાણે પણ વિડીયો સંદેશ વડે આભાર માન્યો હતો અને આ કાર્યબદલ અભિનંદન આપ્યા હતા. જે વિડીયોને રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
Thanks a lot sir 🙏🏻really appreciate @devusinh pic.twitter.com/xCpIOtQHn6
— Ravindrasinh jadeja (@imjadeja) June 8, 2022
સુકન્યા સમૃદ્ધિ યોજના શું છે
સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) એક નાની ડિપોઝિટ યોજના છે જે કન્યા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ 10 વર્ષ કે તેથી ઓછી ઉંમરની બાળકીના માતા-પિતા ખાતું ખોલાવી શકે છે. સરકારની આ યોજનામાં સારું વળતર મેળવવાની તક છે, સાથે જ ટેક્સની બચત પણ છે. આ ખાતું ઓછામાં ઓછી 250 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરીને ખોલાવી શકાય છે. આ એકાઉન્ટ છોકરીના શિક્ષણ અને આગળના ખર્ચમાં મદદ કરે છે. આમાં, એક પુત્રીના નામ પર ફક્ત એક જ ખાતું ખોલી શકાય છે. જો બે દીકરીઓ હોય તો તેમના નામે અલગ એકાઉન્ટ ખોલાવવાનું રહેશે.