મહારાષ્ટ્રને આજે મળશે નવા સીએમ, બે ડેપ્યુટી CM લેશે શપથ, PM મોદી પણ રહેશે હાજર
દેવેન્દ્ર ફડણવીસ આજે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. મુંબઈના આઝાદ મેદાનમાં સાંજે સાડા પાંચ વાગ્યે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. આ પહેલા બુધવારે દેવેન્દ્ર ફડણવીસને ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ પછી ફડણવીસે કાર્યકારી સીએમ એકનાથ શિંદે અને અજિત પવાર સાથે મળીને રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન સામે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.

મહારાષ્ટ્રને આજે નવા મુખ્યમંત્રી મળશે. દેવેન્દ્ર ફડણવીસ સાંજે 5:30 વાગ્યે મુંબઈના આઝાદ મેદાનમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. ગયા વખતની જેમ સરકારમાં પણ બે ડેપ્યુટી સીએમ હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને NDA શાસિત રાજ્યોના સીએમ પણ શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેશે.
દેવેન્દ્ર ફડણવીસ બુધવારે મહારાષ્ટ્રમાં ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા હતા. આ પછી ફડણવીસે કાર્યકારી સીએમ એક નાથ શિંદે અને અજિત પવાર સાથે મળીને રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન સામે સરકાર બનાવવાનો દાવો કર્યો. આ દરમિયાન ભાજપ દ્વારા નિરીક્ષક તરીકે મોકલવામાં આવેલા વિજય રૂપાણી અને નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ હાજર રહ્યા હતા.
બે ડેપ્યુટી સીએમ પણ શપથ લેશે
ફડણવીસની સાથે મહારાષ્ટ્ર સરકારમાં બે ડેપ્યુટી સીએમ પણ હશે. આમાંથી એક નામ એનસીપી નેતા અજિત પવારનું હોવાનું માનવામાં આવે છે, જોકે બીજું નામ કોનું હશે તે અત્યારે નક્કી નથી. રાજ્યપાલની સામે સરકાર બનાવવાનો દાવો કર્યા બાદ મહાયુતિના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે કયા મંત્રીઓ મંત્રી તરીકે શપથ લેશે તેની માહિતી આપવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સમાં અજિત પવારે કહ્યું હતું કે કોણ શપથ લે છે કે નહીં તે નક્કી થશે, હું આવતીકાલે શપથ લઈ રહ્યો છું તે નિશ્ચિત છે.
ગૃહ મંત્રાલય ભાજપ પાસે રહેશે
શપથગ્રહણ પહેલા કહેવામાં આવી રહ્યું છે કે, મહાગઠબંધનની ત્રણ પાર્ટીઓ વચ્ચે મંત્રાલયોની વહેંચણી કરવામાં આવી છે. સૂત્રોએ દાવો કર્યો છે કે, ભાજપ મહારાષ્ટ્ર સરકારનું ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખશે. અગાઉ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે કદાચ આ મંત્રાલય શિવસેનાના ખાતામાં જઈ શકે છે.
આઝાદ મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે
મહારાષ્ટ્ર સરકારનો શપથ ગ્રહણ સમારોહ મુંબઈના આઝાદ મેદાનમાં યોજાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અન્ય કેન્દ્રીય મંત્રીઓ અને NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ આવશે. આ સમારોહમાં લગભગ ચાલીસ હજાર લોકો ભાગ લે તેવી અપેક્ષા છે.
ફડણવીસે પોતાના નામમાં માતા-પિતાના નામ ઉમેર્યા
શપથ ગ્રહણ માટેનું આમંત્રણ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. જેમાં દેવેન્દ્ર ફડણવીસના નામની સાથે તેમના માતા અને પિતાના નામ પણ લખવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્ય સચિવ સુજાતા સૈનિક દ્વારા મોકલવામાં આવેલા આ કાર્ડમાં ફડણવીસનું પૂરું નામ દેવેન્દ્ર સરિતા ગંગાધરરાવ ફડણવીસ લખેલું છે. સરિતા તેની માતાનું નામ છે અને ગંગાધર રાવ તેના પિતાનું નામ છે. આ પહેલીવાર છે જ્યારે ફડણવીસે પોતાના નામની આગળ પોતાના માતા-પિતાના નામ જોડ્યા છે. અગાઉ 2014 અને 2019માં સીએમ તરીકે શપથ લેતી વખતે તેમનું નામ માત્ર દેવેન્દ્ર ફડણવીસ લખવામાં આવ્યું હતું.