Paris Olympics 2024: પાકિસ્તાન 32 વર્ષમાં જે ન કરી શક્યું, તે મનુ ભાકરે 6 દિવસમાં બે વાર કરી બતાવ્યું
પેરિસ ઓલિમ્પિક 2024માં 22 વર્ષીય ભારતીય શૂટર મનુ ભાકરનું ઐતિહાસિક પ્રદર્શન જોવા મળ્યું હતું. તેણીએ 6 દિવસમાં 3 અલગ-અલગ ઈવેન્ટ્સ રમી અને ઓલિમ્પિક એડિશનમાં બે કે તેથી વધુ મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની. ભારતના પાડોશી દેશ પાકિસ્તાન જે 32 વર્ષમાં ન કરી શક્યું, તે મનુએ છ દિવસમાં કરી બતાવ્યું છે.
પેરિસ ઓલિમ્પિક્સ 2024 ભારતીય શૂટર મનુ ભાકર માટે સપનાથી ઓછું નથી. 6 દિવસમાં શૂટર મનુ ભાકરનું ઐતિહાસિક પ્રદર્શન જોવા મળ્યું હતું. આ વખતે મનુએ ભારતને તેનો પહેલો ઓલિમ્પિક મેડલ પણ અપાવ્યો અને આ પછી પણ તે અટકી નહીં. તેણે 10 મીટર એર પિસ્તોલની મિક્સ ટીમ ઈવેન્ટમાં તેના સાથી સરબજોત સિંહ સાથે બીજો મેડલ જીત્યો. આ બંને પ્રસંગે ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જોકે તે મહિલાઓની શૂટિંગ 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં ચોથા સ્થાને રહી હતી.
મનુ ભાકરનું 6 દિવસમાં ઐતિહાસિક પ્રદર્શન
મનુ ભાકરે બીજી વખત ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. અગાઉ, તેણીએ 2020 ઓલિમ્પિકમાં પણ ભાગ લીધો હતો, જ્યારે તે પિસ્તોલની ખામીને કારણે મેડલ જીતવાનું ચૂકી ગઈ હતી. પરંતુ આ વખતે તેણે તમામ હિસાબ પતાવી દીધો છે. મનુએ 28 જુલાઈએ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં તેનો પહેલો મેડલ જીત્યો હતો. આ પછી, 30 જુલાઈએ તેણે 10 મીટર એર પિસ્તોલની મિક્સ ટીમ ઈવેન્ટમાં દેશનું ગૌરવ અપાવ્યું. હવે તે 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં મેડલ જીતવાથી એક પગલું દૂર રહી હતી.
પાકિસ્તાન 32 વર્ષથી ઓલિમ્પિક મેડલ જીત્યું નથી
તમને જણાવી દઈએ કે, પાકિસ્તાન 1948થી ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યું છે. તેણે 1956 ઓલિમ્પિકમાં તેનો પ્રથમ ઓલિમ્પિક મેડલ મેળવ્યો હતો અને તેના ખાતામાં કુલ 10 મેડલ છે. પરંતુ પાકિસ્તાને છેલ્લે 1992માં ઓલિમ્પિકમાં મેડલ જીત્યો હતો. એટલે કે પાકિસ્તાન છેલ્લા 32 વર્ષથી ઓલિમ્પિક મેડલ માટે તડપતું હતું, પરંતુ ભારતની દીકરી મનુ ભાકરે માત્ર 6 દિવસમાં 2 મેડલ જીતીને સમગ્ર દેશને ખુશીનો મોકો આપ્યો હતો.
નાની ઉંમરે મોટા પરાક્રમ
હરિયાણાના ઝજ્જરના નાના ગામ ગોરિયાની વતની મનુ ભાકરે તેની કારકિર્દી દરમિયાન ઘણી રમતો રમી હતી. મનુ કરાટે, થાંગ તા અને તાંતામાં નેશનલ મેડલ વિજેતા છે. તાંતામાં તે 3 વખત નેશનલ ચેમ્પિયન રહી છે. સ્કેટિંગમાં સ્ટેટ મેડલ મેળવ્યો છે. શૂટિંગ પહેલા તેણે બોક્સિંગમાં પણ મેડલ જીત્યો હતો. પરંતુ ઈજાના કારણે તેણે બોક્સિંગ છોડી દેવી પડી હતી. તમને જણાવી દઈએ કે, મનુ ભાકરે 16 વર્ષની ઉંમરમાં 2018 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય તેણે ISSF વર્લ્ડ કપમાં 2 ગોલ્ડ મેડલ પણ જીત્યા છે.
આ પણ વાંચો: Paris Olympics 2024: ભારતીય હોકી ટીમનો ઐતિહાસિક વિજય, 52 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું