PAK vs AUS : બાબર આઝમે ચોથી ઇનિંગમાં ફટકારી સદી, 2 વર્ષ બાદ ફટકારી ટેસ્ટ સદી
Pakistan vs Australia, 2nd Test: કરાચી ટેસ્ટમાં પાકિસ્તાનના સુકાની બાબર આઝમે શાનદાર સદી ફટકારી હતી. રમતના ચોથા દિવસે પાકિસ્તાને 506 રનના લક્ષ્યાંકના જવાબમાં 2 વિકેટે 192 રન બનાવ્યા હતા.
પાકિસ્તાન (Pakistan Cricket) અને ઓસ્ટ્રેલિયા (Cricket Australia) વચ્ચે કરાચીમાં ચાલી રહેલી બીજી ટેસ્ટ ખૂબ જ રોમાંચક સ્થિતિમાં પહોંચી રહી હોય તેવું લાગી રહ્યું છે. રમતના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાએ તેનો બીજો દાવ 2 વિકેટે 97 રને ડિકલેર કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 506 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ તેના જવાબમાં પાકિસ્તાને વળતો જવાબ આપ્યો હતો. ચોથા દિવસની રમતના અંતે પાકિસ્તાને 2 વિકેટના ભોગે 192 રન બનાવ્યા હતા અને સુકાની બાબર આઝમે (Babar Azam) શાનદાર સદી ફટકારી હતી. આ સાથે અબ્દુલ્લા શફીક પણ અડધી સદી ફટકારીને ક્રિઝ પર હાજર છે. હવે પાકિસ્તાન જીતથી 314 રન દૂર છે અને કોઈપણ પરિણામ રમતના પાંચમા દિવસે આવી શકે છે. બીજી ઇનિંગમાં પાકિસ્તાને ઇમામ-ઉલ-હક અને અઝહર અલીની વિકેટ ગુમાવી દીધી હતી.
ચોથા દિવસમાં રમતની વિશેષતા બાબર આઝમની સદી હતી. તેણે રમતના અંત સુધી 197 બોલમાં અણનમ 102 રન બનાવ્યા હતા. બાબર આઝમે ટેસ્ટ ક્રિકેટમાં તેની છઠ્ઠી સદી ફટકારી છે. તો બે વર્ષ બાદ તેણે ટેસ્ટ સદી ફટકારી છે. બાબરે ફેબ્રુઆરી 2020માં છેલ્લી ટેસ્ટ સદી ફટકારી હતી.
બાબર આઝમ-અબ્દુલ્લાહ શફીક સામે કાંગારૂ બોલરો નબળા સાબિત થયા
506 રનનો ટાર્ગેટ કોઈપણ ટીમનો ઉત્સાહ તોડી નાખે છે. ખાસ કરીને જ્યારે ટીમ પ્રથમ દાવમાં 148 રનમાં ઓલઆઉટ થઈ જાય. જોકે બીજી ઈનિંગમાં પાકિસ્તાને જોરદાર સંઘર્ષ બતાવ્યો હતો. ઈમામ-ઉલ-હક માત્ર 1 અને અઝહર અલીએ 6 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. પરંતુ ત્યાર બાદ અબ્દુલ્લા શફીક અને બાબર આઝમે મેચમાં બાજી સંભાળી હતી. બંનેએ શાનદાર ઇનિંગ રમી હતી. પાકિસ્તાનના બીજા દાવમાં પ્રથમ ચોગ્ગો 154 બોલ પછી લાગ્યો હતો.
An EPIC century by @babarazam258 The dressing room celebrates!! #BoysReadyHain l #PAKvAUS pic.twitter.com/27mYsFPbGV
— Pakistan Cricket (@TheRealPCB) March 15, 2022
પાકિસ્તાનના આ બે બેટ્સમેને ખુલીને બેટિંગ કરી ન હતી પણ ઓસ્ટ્રેલિયાની હાલત કફોડી થઈ ગઈ હતી. બંને બેટ્સમેનોએ 361 બોલમાં 171 રનની ભાગીદારી નોંધાવી હતી. બાબરે પહેલા 83 બોલમાં અડધી સદી ફટકારી હતી જ્યારે અબ્દુલ્લા શફીકે અડધી સદી માટે 153 બોલ રમ્યા હતા. બંને બેટ્સમેનોએ સદીની ભાગીદારી માટે 201 બોલ રમ્યા હતા. પાકિસ્તાનને મેચ બચાવવા માટે હજુ આવી ભાગીદારીની જરૂર છે. હવે મેચના પાંચમા દિવસે જો ઓસ્ટ્રેલિયાને વહેલી વિકેટ નહીં મળે તો પાકિસ્તાન કરાચી ટેસ્ટ જીતી શકે છે.
આ પણ વાંચો : ENG W vs IND W : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કાંટે કી ટક્કર