Breaking News : IPL ચેમ્પિયન બનેલ ટીમના માલિક તેમની ફ્રેન્ચાઇઝી વેચવા માંગે છે ! એક ઉદ્યોગપતિએ કર્યો ચોંકાવનારો ખુલાસો
થોડા સમય પહેલા, વર્તમાન ચેમ્પિયન RCB ની માલિકી ધરાવતી કંપની, Diageo ગ્રુપે સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે તે ફ્રેન્ચાઇઝી વેચવાની પ્રક્રિયા શરૂ કરી રહી છે. હવે, યાદીમાં વધુ એક નામ જોડાઈ ગયું છે. અગ્રણી ઉદ્યોગપતિએ દાવો કર્યો છે કે, RCB સિવાયની IPL ચેમ્પિયન બનેલ અન્ય ટીમના માલિક તેમની ફ્રેન્ચાઇઝી વેચવા માંગે છે.

નવી IPL સીઝનને લઈને પહેલેથી જ ચર્ચા ચાલી રહી છે. ખેલાડીઓની રીટેન્શનને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે, આગામી થોડા દિવસોમાં ખેલાડીઓની હરાજી થશે. જોકે, સૌથી મોટી ચર્ચા વર્તમાન IPL ચેમ્પિયન, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના વેચાણને લઈને છે. RCB ચલાવતી કંપનીએ તેની ફ્રેન્ચાઇઝી વેચવાની પ્રક્રિયા શરૂ કરી છે અને ખરીદદાર શોધી રહી છે. હવે, બેંગ્લોર પછી, બીજી અન્ય એક ટીમ પણ વેચાણ માટે તૈયાર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
હર્ષ ગોયન્કાનો મોટો દાવો
વર્તમાન IPL ચેમ્પિયન અને લીગની પ્રથમ ચેમ્પિયન ફ્રેન્ચાઇઝીના વેચાણના અહેવાલો સામે આવ્યા છે. જ્યારે RCB ના વેચાણની જાહેરાત તેના માલિક, ડિયાજિયો ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી, ત્યારે રાજસ્થાન રોયલ્સ (RR) માટેનો દાવો એક અગ્રણી ઉદ્યોગપતિ તરફથી આવ્યો હતો. CEAT ટાયર મેન્યુફેક્ચરિંગ કંપનીના માલિક હર્ષ ગોયેન્કાએ, સોશિયલ મીડિયા પોસ્ટમાં કરેલા સનસનાટીભર્યા દાવાથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે.
હર્ષ ગોયેન્કાએ, જે વારંવાર સોશિયલ મીડિયા પર વ્યવસાયથી લઈને રાજકારણ અને ક્રિકેટ સુધીના લોકોને રસ પડે તેવા વિવિધ વિષયો પર પોસ્ટ કકતા આવ્યા છે, તેમણે ગુરુવાર, 27 નવેમ્બરની સાંજે કરેલ એક પોસ્ટથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. ગોયેન્કાએ પોતાના સોશિયલ મીડિયા ‘X’ એકાઉન્ટ પર લખ્યું, “હું સાંભળી રહ્યો છું કે ફક્ત એક નહીં, પરંતુ બે IPL ટીમો વેચાણ માટે તૈયાર છે – RCB અને RR. તે સ્પષ્ટ છે કે લોકો સારી કિંમત મેળવવા માટે ઉત્સુક છે. તેથી, બે ટીમો ઉપલબ્ધ છે અને ચાર કે પાંચ સંભવિત ખરીદદારો છે. કોણ સફળ થશે – શું તે પુણે, અમદાવાદ, મુંબઈ, બેંગલુરુ કે યુએસએમાંથી હશે ?”
I hear, not one, but two IPL teams are now up for sale- RCB and RR. It seems clear that people want to cash in the rich valuations today. So two teams for sale and 4/5 possible buyers! Who will be the successful buyers- will it be from Pune, Ahmedabad, Mumbai, Bengaluru or USA?
— Harsh Goenka (@hvgoenka) November 27, 2025
રાજસ્થાન રોયલ્સનો માલિક કોણ છે?
જોકે, ગોયેન્કાની પોસ્ટથી સ્પષ્ટ નથી કે, રોયલ્સના માલિકો આખી ફ્રેન્ચાઇઝી વેચવાનો ઇરાદો ધરાવે છે કે તેનો માત્ર એક ભાગ. રાજસ્થાન રોયલ્સ હાલમાં રોયલ મલ્ટિસ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડની માલિકીની છે, જેમાં ભારતીય મૂળના બ્રિટિશ ઉદ્યોગપતિ મનોજ બડાલે સૌથી મોટો હિસ્સો ધરાવે છે. તેમના ઉપરાંત, જાણીતી અમેરિકન રોકાણ કંપની રેડબર્ડ કેપિટલ પણ હિસ્સો ધરાવે છે. જો કે, હાલમાં, રાજસ્થાન રોયલ્સ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
શું IPLમાં ભાઈઓ વચ્ચે હરીફાઈ જોવા મળશે?
એક પ્રશ્ન એ છે કે શું ગોએન્કા પોતે આ ફ્રેન્ચાઇઝીમાંથી કોઈ એક ખરીદવાનો ઇરાદો ધરાવે છે. આશરે ₹36,000 કરોડની નેટવર્થ ધરાવતા હર્ષ ગોએન્કા દેશના અગ્રણી ઉદ્યોગપતિઓમાંના એક છે અને RPG ગ્રુપના માલિક છે, જેમાં CEAT ટાયર્સનો પણ સમાવેશ થાય છે. હર્ષ ગોએન્કાનો નાનો ભાઈ, સંજીવ ગોએન્કા, IPLની નવી અને સૌથી મોંઘી ફ્રેન્ચાઇઝી, લખનૌ સુપર જાયન્ટ્સનો માલિક છે. તો, શું આગામી દિવસોમાં IPLમાં બે ભાઈઓ વચ્ચે હરીફાઈ જોવા મળી શકે છે ?
આ પણ વાંચોઃ રાંચીમાં જોવા મળી ‘MahiRat’ દોસ્તી, કોહલી માટે ડ્રાઇવર બન્યો ધોની – જુઓ વીડિયો