Meg Lanning: શિક્ષકની સલાહે જીવન બદલી દીધુ, રિકી પોન્ટીંગને જોઇ શીખી બેટીંગ હવે તેનાથી પણ બે ડગલા આગળ વધી ગઇ
South Africa Women vs Australia Women: કેપ્ટન મેગ લેનિંગે અણનમ 135 રન ફટકારીને દક્ષિણ આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયાને મોટી જીત અપાવી હતી, આ ટીમે સતત છઠ્ઠી જીત મેળવી
મહિલા વિશ્વ કપ 2022 (Icc Women World Cup 2022) ની 21મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાની મજબૂત ટીમ (South Africa Women vs Australia Women) ને એકતરફી રીતે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 50 ઓવરમાં 5 વિકેટે 271 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ મોટો ટાર્ગેટ 45.2 ઓવરમાં 5 વિકેટે હાંસલ કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયા આ વર્લ્ડ કપમાં એક પણ મેચ હારી નથી અને તમામ 6 મેચ જીતી છે. ઓસ્ટ્રેલિયાની આ મોટી જીતમાં કેપ્ટન મેગ લેનિંગનું મોટું યોગદાન હતું. લેનિંગે (Meg Lanning) દક્ષિણ આફ્રિકાને 130 બોલમાં અણનમ 135 રન બનાવ્યા હતા. આ સાથે લેનિંગે એવું સ્થાન પણ હાંસલ કર્યું છે જે કોઈ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર કરી શક્યો નથી.
મેગ લેનિંગ એકમાત્ર ઓસ્ટ્રેલિયન ખેલાડી છે જેણે ODI ક્રિકેટમાં પીછો કરતી વખતે 10 સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયાનો કોઈ પુરુષ કે મહિલા ક્રિકેટર આ કારનામું કરી શક્યો નથી. ઑસ્ટ્રેલિયા માટે, એડમ ગિલક્રિસ્ટ અને રિકી પોન્ટિંગે ODI ક્રિકેટમાં પીછો કરતી વખતે 8-8 સદી ફટકારી છે. માર્ક વોએ વનડેમાં ચેઝ કરતી વખતે 7 સદી ફટકારી છે. પરંતુ મેગ લેનિંગ આ તમામ દિગ્ગજોથી આગળ છે.
મેગ લેનિંગ પોન્ટિંગની ફેન
મેગ લેનિંગ તેની આક્રમક બેટિંગ માટે જાણીતી છે. ODI ક્રિકેટમાં તેની બેટિંગ એવરેજ 53 થી વધુ છે. તેમજ તેનો સ્ટ્રાઈક રેટ પણ 90 થી વધુ છે. રિકી પોન્ટિંગની છબી લેનિંગમાં જોવા મળે છે, જે પોતે ઓસ્ટ્રેલિયાના મહાન કેપ્ટનોમાંના એક રહી ચૂક્યા છે અને તેમની જેમ લેનિંગ પણ ત્રીજા નંબર પર બેટિંગ કરવા ઉતરે છે. તમને જણાવી દઈએ કે જ્યારથી લેનિંગે ક્રિકેટ શીખવાનું શરૂ કર્યું ત્યારથી તે પોન્ટિંગની ફેન હતી. અને હવે આ દિગ્ગજ ખેલાડીએ તેની મૂર્તિ પાછળ છોડી દીધી છે. લેનિંગે પીછો કરતી વખતે પોન્ટિંગ કરતાં બે સદી વધુ ફટકારી છે.
શિક્ષકની સલાહથી લેનિંગનું જીવન બદલાઈ ગયું
મેગ લેનિંગનો જન્મ 25 માર્ચ, 1992ના રોજ સિંગાપોરમાં થયો હતો. પિતા એક બેંકર હતા અને બાદમાં તેમનો પરિવાર સિંગાપોરથી સિડનીના દરિયાકાંઠાના વિસ્તાર થોર્નલીમાં સ્થાયી થયો હતો. લેનિંગે 10 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું અને તેના શિક્ષકની સલાહ પર તેણે પ્રાદેશિક ટીમમાં રમવાનું શરૂ કર્યું. ત્યારબાદ તેણી પ્રાથમિક શાળા કક્ષાએ ન્યુ સાઉથ વેલ્સ માટે રમી, જેમાં તેણીની સાથે એલીસ પેરી હતી.
2010માં, લેનિંગે ન્યૂઝીલેન્ડ સામેની T20 મેચમાં ડેબ્યૂ કર્યું હતું, જેમાં તે માત્ર 10 રન જ બનાવી શકી હતી. 2011માં, લેનિંગે તેની ODI ડેબ્યૂ કરી અને ઈંગ્લેન્ડ સામેની પ્રથમ મેચમાં માત્ર 20 રન બનાવ્યા, પરંતુ બે દિવસ પછી તેણે 118 બોલમાં અણનમ 103 રન બનાવીને પોતાની પ્રતિભા સાબિત કરી. લેનિંગ ઓસ્ટ્રેલિયા માટે આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી છે અને તેણે રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડ્યો છે.