Royal Challengers Bangalore, IPL 2022: આ સિઝનમાં RCB સપનુ કરી શકશે સાકાર? જાણો કેવી હશે Playing 11?
આ વખતે RCB ની ટીમમાં એબી ડી વિલિયર્સ જેવો કોઈ સુપરસ્ટાર બેટ્સમેન નથી, જ્યારે યુઝવેન્દ્ર ચહલ જેવો કોઈ મેચ વિનર બોલર નથી. તેમ છતાં ટીમ સારી દેખાઈ રહી છે.
નવી ટીમની સાથે, નવા કેપ્ટન સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ની IPL 2022 માં આ વખતે ખાસ નજર રહેશે. વિરાટ કોહલી (Virat Kohli) લાંબા સમય સુધી કેપ્ટન હોવા છતાં ટીમ ટાઈટલ જીતી શકી નથી અને હવે નવા કેપ્ટન અને નવા વિચાર સાથે ટીમ મેદાનમાં ઉતરવા જઈ રહી છે. દરેક ટીમની જેમ બેંગ્લોરની ટીમમાં પણ મેગા ઓક્શન બાદ મોટા ફેરફારો થયા છે અને કેટલાક મોટા દેશી અને વિદેશી નામો ટીમ સાથે જોડાયેલા છે. આવી સ્થિતિમાં ફાફ ડુ પ્લેસિસ (Faf Du Plessis) ની કેપ્ટનશીપવાળી ટીમ માટે IPLમાં શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન (RCB Playing 11 Prediction) કઈ હશે તેના પર ચર્ચા થઈ રહી છે.
RCBએ ગત સિઝનથી તેમના સૌથી પ્રભાવશાળી બેટ્સમેનની ખોટ અનુભવી છે, એબી ડી વિલિયર્સ, જેણે નિવૃત્તિ લીધી હતી. આ દરમિયાન ટીમના અન્ય એક મોટા મેચ વિનર લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલનો લાંબો સહયોગ ટીમ સાથે સમાપ્ત થઈ ગયો. ટીમે દેવદત્ત પડિક્કલ જેવા યુવા ઓપનરને હાથમાંથી બહાર જવા દીધો. આવી સ્થિતિમાં, ટીમના કેટલાક મુખ્ય હિસ્સાઓને ભરવાનું સરળ નથી. ટીમને માટે હરાજી ખરાબ ન હતી, પરંતુ બહુ સારી પણ ન હતી. ટીમમાં હજુ પણ ભારતના સ્થાનિક બેટ્સમેન તરીકે મજબૂત નામ નથી. જોકે, માત્ર બે નામોને બાદ કરતાં પ્લેઈંગ ઈલેવનના બાકીના 9 નામોની પસંદગી ખૂબ જ સરળ છે.
બેટિંગ જોરદાર છે, પરંતુ કેટલાક સવાલો છે
ટીમની બેટિંગ તાકાત ફરી એકવાર વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલ પર રહેશે. ડી વિલિયર્સની વિદાયને કારણે આ તાકાત થોડી ઓછી થતી જોવા મળી હતી, જેને ડુપ્લેસી ઘણી હદ સુધી પૂરી કરે છે. ડુ પ્લેસીસ ઓપનિંગ કરશે, પરંતુ સવાલ એ છે કે કોહલી તેનો સાથ આપશે કે અન્ય કોઈ. RCB એ દિલ્હી ક્રિકેટ ટીમના વિકેટ કીપર બેટ્સમેન અનુજ રાવતને ખરીદ્યો હતો અને આવી સ્થિતિમાં તે ઓપનિંગમાં ઉતરી શકે છે. આવી સ્થિતિમાં કોહલી ત્રીજા નંબર પર આવીને ટીમના મિડલ ઓર્ડરને મજબૂત કરશે. તેના સિવાય દિનેશ કાર્તિક ફિનિશરની ભૂમિકામાં હશે.
પાંચમાં નંબરના બેટ્સમેન પર પણ સવાલ છે. બેંગ્લોરમાં સુયશ પ્રભુદેસાઈ અને મહિપાલ લોમરોડ જેવા ડોમેસ્ટિક ક્રિકેટમાં નામ ધરાવે છે, જેમાં સુયશ હજુ સુધી આઈપીએલમાં જોવા મળ્યો નથી. જોકે, તે ખૂબ જ આક્રમક બેટ્સમેન છે. તેમ છતાં, શરૂઆતમાં, મહિપાલને તક મળી શકે છે, જે ડાબા હાથની બેટિંગને કારણે એક અલગ પાસું લઇને આવે છે.
ઓલરાઉન્ડરોની ટોળી
ઓલરાઉન્ડરોના કિસ્સામાં, મેક્સવેલ અને લોમરોડ સિવાય, શ્રીલંકાના સ્પિનરો વાનિન્દુ હસારંગા, હર્ષલ પટેલ અને શાહબાઝ અહેમદનો વિકલ્પ છે, જે તમામ પ્લેઇંગ ઇલેવનમાં નિયમિતપણે રમતા જોવા મળશે. જો કોઈ વિદેશી ખેલાડીને હટાવવામાં આવે તો ઈંગ્લેન્ડના મીડિયમ પેસર-ઓલરાઉન્ડર ડેવિડ વિલીને જગ્યા મળવાનુ નિશ્વિત છે.
ફાસ્ટ બોલિંગમાં ખૂબ દમ
ટીમ પાસે શાનદાર બોલિંગ આક્રમણ છે. ખાસ કરીને ફાસ્ટ બોલિંગમાં મોહમ્મદ સિરાજ, જોશ હેઝલવુડ અને હર્ષલ પટેલની ત્રિપુટી ધમાલ કરવાની ક્ષમતા ધરાવે છે. છેલ્લી સિઝનમાં ત્રણેયનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું હતું. બીજી તરફ હસારંગા અને શાહબાઝ અહેમદની સ્પિન માટે સૌથી મોટી પરીક્ષા હશે, કારણ કે આ વખતે ચહલ નથી, જે હંમેશા વિકેટ લેતો હતો. મેક્સવેલ અને લોમરોડની સ્પિન પણ તેમને સપોર્ટ કરવા માટે ઉપલબ્ધ રહેશે.
RCB સંભવિત પ્લેઇંગ XI
ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), અનુજ રાવત, વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોડ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), વાનિન્દુ હસારંગા, શાહબાઝ અહેમદ, હર્ષલ પટેલ, જોશ હેઝલવુડ, મોહમ્મદ સિરાજ