IND vs NZ: રાંચીમાં કોને મળશે મોકો, કોણ કરશે ઓપનીંગ પૃથ્વી શો કે શુભમન ગિલ? હાર્દિક પંડ્યાએ કર્યુ સ્પષ્ટ
ભારતીય ટીમમાં પરત ફરવા માટે પૃથ્વી શોએ દોઢ વર્ષ રાહ જોઈ છે. આ દરમિયાન તેણે ઘરેલુ ક્રિકેટમાં ખુદને સાબિત કર્યો છે. હવે ટી20 સિરીઝની સ્ક્વોડમાં સામેલ કરાયો છે, પરંતુ મોકો મળશે કે કેમ એ સવાલ છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચોની ટી20 સિરીઝ રમાનારી છે. સિરીઝની પ્રથમ મેચ રાંચીમાં શુક્રાવારે રમાનારી છે. રાંચીના મેદાનમાં જ્યારે બંને ટીમો મેદાનમાં ઉતરશે ત્યારે ભારતીય ટીમનુ ઓપનીંગ કોણ કરશે તે સૌથી મોટો સવાલ છે. કારણ કે હવે ઓપનર પૃથ્વી શોને ભારતીય સ્ક્વોડમાં સામેલ કરવામાં આવ્યો છે. પૃથ્વી શો પણ ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે. ઈશાન કિશન સામેલ છે. હવે આવી સ્થિતીમાં ઓપનીંગ જોડીને લઈ સવાલ થાય એ સ્વાભાવિક છે. મેચના એક દિવસ પહેલા ભારતીય ટીમનુ સુકાન ટી20 સિરીઝમાં સંભાળનારા હાર્દિક પંડ્યાએ આ સવાલનો જવાબ આપી દીધો છે.
હાર્દિક પંડ્યા ન્યુઝીલેન્ડ સામેની ટી20 સિરીઝમાં ભારતનુ સુકાન સંભાળશે. સિનિયર ખેલાડીઓના આરામ આપવામાં આવ્યો છે. ઘરેલુ ક્રિકેટમાં ધમાલ મચાવ્યા બાદ ટીમ ઈન્ડિયામાં પૃથ્વી શોને વાપસી કરવાનો મોકો મળ્યો છે. પસંદગી સમિતિની યાદીમાં લાંબા સમય બાદ તેનુ નામ સાંભળવા મળ્યુ છે. હવે પૃથ્વી શોને ઓપનિંગ કરવાનો મોકો મળશે કે પછી ઈશાન અને ગિલની જોડી જ ઓપનિંગ કરશે એ વાતની સપષ્ટતા ગુરુવારેજ હાર્દિકે કરી દીધી હતી.
શો માટે હજુ રાહ જોવી પડી શકે છે
પૃથ્વી શોએ ખૂબ લાંબો સમય રાહ જોઈ છે. તેની આ રાહ વધુ લંબાઈ શકે છે. સિરીઝમાં સુકાન સંભાળનારા હાર્દિક પંડ્યાએ મેચ પહેલા જ એ વાતના સંકેતો આપી દીધા છે. શોને ઓપનીંગની જવાબદારી સોંપવામાં આવી રહી નથી. આમ શો માટે અંતિમ ઈલેવનમાં સ્થાન મળવાની આશાઓ ધૂંધળી બની ગઈ છે. આ પહેલા એમ માનવામાં આવી રહ્યુ હતુ કે, ભારતીય સ્ક્વોડમાં સ્થાન મળ્યા બાદ તેને અંતિમ ઈલેવનમાં સ્થાન મળી શકે છે.
હાર્દિક પંડ્યાએ મેચના આગળના દિવસે કહ્યુ હતુ કે ટીમ ઈન્ડિયા માટે ઓપનીંગ જોડીના રુપમાં ઈશાન કિશન અને શુભમન ગિલ જોવા મળશે. હાર્દિક પંડ્યાએ કહ્યુ હતુ કે, ગિલ ટીમ ઈન્ડિયાનો પહેલાથી જ સભ્ય છે અને તે સારુ કરી રહ્યો છે. જેને લઈ તે ગિલ અને ઈશાનની જોડી સાથે મેદાને ઉતરશે.
ગિલ-ઈશાનની જોડી જામી નથી
આમ તો હાલમાં ગિલે ધમાલ મચાવી મુકી છે. પરંતુ જ્યારે જોડીના રુપમાં વાત કરવામાં આવે તો, ઓપનીંગ જોડીની ભાગીદારી કેવી રહી એ મહત્વની વાત છે. જોડીએ કેવી શરુઆત અપાવી એ વાત મહત્વની છે. ગિલ અને ઈશાનની જોડી આ સવાલોના જવાબમાં વાસ્તવિક રીતે જોવામાં આવે તો ખાસ કરી શકી નથી.
શ્રીલંકા સામેની ટ20 સિરીઝમાં બંને એ ભારતીય ટીમના માટે શરુઆત કરી હતી. જેમાં ઈશાન તરફથી પ્રદર્શન ખાસ રહ્યુ નહોતુ. તે સારી શરુઆત અપાવી શક્યો નહોતો. 3 મેચોનુ તેનુ યોગદાન જોવામાં આવે તો 37, 2 અને 1 રનનુ રહ્યુ હતુ. જ્યારે ગિલે ટી20માં 7, 5 અને 46 રન નોંધાવ્યા હતા. જોકે વનડે સિરીઝમાં તેણે કમાલની ઈનીંગ રમી દર્શાવી છે, તેનુ ગિલને આ ઈનામ છે. આમ સારી શરુઆત અપાવે તેવી આશા ઓપનર જોડી પાસેથી રાખવામાં આવી રહી છે.