IND vs BAN, 2nd Test, Match Preview: ઢાકામાં જીત મેળવી WTC ફાઈનલનો માર્ગ સરળ કરશે ટીમ ઈન્ડિયા
IND Vs BAN 2nd Test Match: ભારતીય ટીમ માટે ઢાકા ટેસ્ટ મેચ જીતવી જરુરી છે, આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં સ્થાન મેળવવા માટે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મહત્વની છે.
ગુરુવારથી ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ મેચ રમાનારી છે. બાંગ્લાદેશ પ્રવાસની આ અંતિમ મેચ ભારતીય ટીમ રમશે. 2 મેચોની ટેસ્ટ શ્રેણીમાં પ્રથમ મેચ ભારતે 188 રનથી જીતી લઈ 1-0 થી સરસાઈ ભારતે મેળવી છે. હવે ઢાકા ટેસ્ટ જીતીને ક્લીન સ્વીપ કરવા ટીમ ઈન્ડિયા દમ લગાવી દેશે. જોકે ભારતીય ટીમની નજર શ્રેણીમાં 2-0થી જીતવા કરતા વધુ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવા માટે રસ્તો સરળ કરવાનો પ્રયાસ હશે.
ભારતે બાંગ્લાદેશ પ્રવાસની શરુઆત વનડે શ્રેણીથી કરી હતી. જે ભારતે 1-2 થી ગુમાવી દીધી હતી. હવે ભારત ટેસ્ટ શ્રેણી જીતવા પ્રયાસ કરશે. ભારતીય ટીમ માટે આમ પણ પહેલાથી જ ટેસ્ટ શ્રેણીને મહત્વની માનવામાં આવી રહી છે. કારણ કે ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચવાની તક મેળવી શકે છે, આ માટે બાંગ્લાદેશ સામે બંને ટેસ્ટ જીતવી જરુરી છે.
ટીમ ઈન્ડિયામાં ફેરફારની સંભાવના નહીંવત
રોહિત શર્માની ગેરહાજરીમાં ટેસ્ટ ટીમનુ નેતૃત્વ સંભાળી રહેલ કેએલ રાહુલને પ્રેક્ટિશ દરમિયાન બોલ વાગ્યો હોવાની વાત સામે આવી હતી. રોહિત શર્મા હજુ અંગૂઠાની ઈજાથી સંપૂર્ણ સાજો થઈ શક્યો નથી. આવી સ્થિતીમાં હવે ટેસ્ટ ટીમમાં ફેરફાર થવાની સંભાવના નહીંવત જોવા મળી રહી છે. પ્રથમ ટેસ્ટ મેચમાં મોકો મળતા શુભમન ગિલ અને કુલદીપ યાદન બંને પોત પોતાની ક્ષમતાનો પરિચય કરાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. આવી સ્થિતીમાં આ બંનેને પણ બહાર રાખવાની કોઈ શક્યતા નથી. ગિલે ચટગાંવમાં સદી નોંધાવી હતી, જ્યારે કુલદીપે શાનદાર બોલીંગ પ્રદર્શન વડે 5 વિકેટ ઝડપી હતી.
WTC ફાઈનલ રમવાનુ લક્ષ્ય
ભારત હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પહોંચવા દમ લગાવશે. આ માટે ભારતીય ટીમ ફાઈનલ માટેના સ્થાન પર પહોંચવા માટે ઢાકા ટેસ્ટને મહત્વનુ પગથીયું માની વિજય મેળવવા માટે યોજના બનાવશે. હાલમાં ભારતીય ટીમ હાલમાં 55.77 પર્સેન્ટ સાથે ફાઈનલની રેસમાં બીજા સ્થાને છે. દક્ષિણ આફ્રિકાની ટીમ ગાબા ટેસ્ટ હારી ચુકી છે. આવામાં ઓસ્ટ્રેલિયા 76.92 પર્સેન્ટ સાથે ટોચના સ્થાને છે. જ્યારે દક્ષિણ આફ્રિકા ત્રીજા સ્થાને છે. દક્ષિણ આફ્રિકા 54.55 પર્સેન્ટ ધરાવે છે. આમ ભારત હવે બીજા સ્થાન પર બની રહેવા માટે ઢાકા ટેસ્ટને જીતવા માટે પૂરી તાકાત જ નહીં પણ ભેદી ના શકાય એવી રણનિતી પણ અમલમાં મુકશે.
બાંગ્લાદેશની હાલત ભારતીય બોલિંગ આક્રમણ સામે સાવ કંગાળ છે. ભારતે પ્રથમ ટેસ્ટમાં 188 રનથી વિજય મેળવ્યો હતો. બાંગ્લાદેશ માટે મહત્વના ખેલાડી લિટ્ટન દાસ અને મુશફિકુલર રહીમ ખાસ દેખાવ કરી શક્યા નથી. જે ઢાકામાં સફળ થવા પ્રયાસ કરશે. સિરીઝની અંતિમ ટેસ્ટ માટે યજમાન ટીમની સ્ક્વોડમાં ફેરફાર પહેલાથી જ કરવામાં આવ્યો છે.