IND vs SL: સૂર્યા કેપ્ટન, પંડયાની ગઈ કપ્તાની, જાણો ટીમ ઈન્ડિયાની પસંદગી વિશે મહત્વની બાબતો
ટીમ ઈન્ડિયાનો શ્રીલંકા પ્રવાસ 27 જુલાઈથી શરૂ થશે. આ માટે BCCIએ ભારતીય ટીમની જાહેરાત કરી છે. આ પ્રવાસમાં ઘણા નવા ચહેરા જોવા મળશે તો કેટલાક ખેલાડીઓ વાપસી પણ કરશે. નવા કોચે મેનેજમેન્ટ સાથે મળી ટીમમાં મોટા ફેરફાર કર્યા છે.
શ્રીલંકાનો પ્રવાસ 27 જુલાઈથી શરૂ થશે, જ્યાં પ્રથમ 3 મેચની T20 શ્રેણી રમાશે. બીજી T20 28મી જુલાઈએ અને ત્રીજી 30મી જુલાઈએ રમાશે. આ પ્રવાસ માટે ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે અને BCCIએ ટીમની જાહેરાત કરી છે. BCCIની આ જાહેરાતમાં ઘણા મોટા ફેરફાર જોવા મળ્યા છે. આ પ્રવાસમાં ઘણા નવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. સાથે જ BCCIએ કેપ્ટનશિપની સમસ્યાને હલ કરવાનો પ્રયાસ કર્યો છે.
શ્રેયસ અય્યર-રિષભ પંતની ODIમાં વાપસી
BCCI દ્વારા જાહેર કરાયેલી ટીમમાં સૌથી મોટી વાત એ છે કે ODI વર્લ્ડ કપથી બોર્ડની નારાજગીનો સામનો કરી રહેલા શ્રેયસ ઐયરની વાપસી થઈ છે. તેને વનડે ટીમમાં તક આપવામાં આવી છે. જીવલેણ અકસ્માતને કારણે બે વર્ષ સુધી ટીમની બહાર રહેલા ઋષભ પંતની વિકેટકીપર તરીકે વાપસી થઈ છે.
રિયાન પરાગને ODI-T20 ટીમમાં સ્થાન મળ્યું
મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને BCCIએ મળીને શ્રીલંકા પ્રવાસ માટે વધુ એક મોટો નિર્ણય લીધો છે. ઘણા દિવસોથી ચર્ચામાં રહેલા રિયાન પરાગને હવે T20 બાદ ODI ટીમમાં જગ્યા આપવામાં આવી છે. તેને બંને શ્રેણી માટે પસંદ કરવામાં આવ્યો છે, જેનો અર્થ છે કે તે શ્રીલંકામાં વનડેમાં પણ ડેબ્યૂ કરી શકે છે.
સૂર્યા કેપ્ટન, હાર્દિકની વાઈસ-કેપ્ટન્સી ગઈ
શ્રીલંકા પ્રવાસ હાર્દિક પંડ્યા માટે સૌથી ખરાબ સમાચાર લઈને આવ્યો છે. વાઈસ કેપ્ટન બન્યા બાદ અને T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ તે T20 ટીમનો સૌથી મોટો દાવેદાર હતો. જો કે હવે તેની પાસેથી આ પોસ્ટ પણ છીનવી લેવામાં આવી છે. પંડ્યા આ પ્રવાસ પર માત્ર એક ખેલાડી તરીકે જશે. સૂર્યકમાર યાદવને T20 ટીમની કપ્તાની સોંપવામાં આવી છે.
શુભમન ગિલ બંને ફોર્મેટમાં વાઈસ કેપ્ટન
BCCIએ ભવિષ્યને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે. ઝિમ્બાબ્વે પ્રવાસ પર કેપ્ટન તરીકે ગયેલા શુભમન ગિલને ODI અને T20 બંને ફોર્મેટમાં વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
મુકેશ-આવેશ બહાર, અર્શદીપ-હર્ષિતને મળી તક
ફાસ્ટ બોલર મુકેશ કુમાર અને અવેશ ખાને ઝિમ્બાબ્વે પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આમ છતાં બંનેને સામેલ કરવામાં આવ્યા નથી. તો બીજી તરફ T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન બાદ અર્શદીપ સિંહને ODI ટીમમાં પણ જગ્યા મળી છે. આ સિવાય હર્ષિત રાણાને પણ વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યકુમાર યાદવ બન્યો T20 કેપ્ટન