IND VS NZ: કેપ્ટન રહાણે કે કોચ દ્રવિડે પિચ ને લઇને ખાસ માંગ રાખી હતી કે કેમ ? કાનપુર ટેસ્ટના પિચ ક્યૂરેટરે કહ્યુ આમ
ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ પહેલા પીચને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી હતી. હવે પિચ ક્યુરેટરે જણાવ્યું છે કે આ પિચ કેવી હશે.
ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચે આજથી પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે. કાનપુર (Kanpur Test) ના કાનપુરના ગ્રીન પાર્ક (Green Park Stadium) માં રમાનારી પ્રથમ ટેસ્ટ મેચની પીચ (Kanpur Pitch) કેવી હશે, તેની પર સૌની નજર ટકી છે. પિચ ક્યુરેટર શિવ કુમારનું કહેવું છે કે આ મેદાનની પિચ પર ઘાસ નથી પરંતુ તે તૂટવાની (વધુ તિરાડો પડવાની) શક્યતાઓ ઘણી ઓછી છે. સાથે એ પણ કહ્યુ કે ટીમ મેનેજમેન્ટે પહેલા અનેક વાર ખાસ પ્રકારે પિચ તૈયાર કરવા માટે સૂચનાઓ આપી હતી. પરંતુ આ વખતે એવુ નથી થયુ.
ક્યૂરેટર શિવ કુમારે એ કહ્યું કે, રાહુલ દ્રવિડ કે કેપ્ટન અજીંકય રહાણેએ પિચને લઈને કોઈ ખાસ માંગ કરી નથી. અગાઉ ઘણી વખત ટીમ મેનેજમેન્ટે કોઈ ખાસ પ્રકારની પિચ બનાવવાનું કહ્યું હતું પરંતુ આ વખતે એવું કંઈ થયું નથી. છેલ્લા બે દાયકાથી ગ્રીન પાર્ક મેદાન પર કામ કરી રહેલા કુમારે કહ્યું, “અમને BCCI તરફથી કોઈ સૂચના મળી નથી, ન તો ટીમ મેનેજમેન્ટ તરફથી કોઈએ મારો સંપર્ક કરીને સ્પિનરોને સંપૂર્ણ રીતે સહાયક પિચ બનાવવાનું કહ્યું હતું. મેં સારી પીચને ધ્યાનમાં રાખીને પીચ તૈયાર કરી છે.
આવી છે પિચ
તેમણે કહ્યું, ‘આ નવેમ્બર મહિનો છે અને આ સમયે વિશ્વના આ હિસ્સામાં પિચમાં થોડો ભેજ હશે. હું તમને ખાતરી આપી શકું છું કે આ પિચ જલ્દી તૂટશે નહીં. 2016માં કાનપુરમાં રમાયેલી ભારત અને ન્યુઝીલેન્ડની ટેસ્ટ મેચ પાંચમા દિવસ સુધી ચાલી હતી, પરંતુ કેટલાક સમયથી મોટાભાગની વિદેશી ટીમો ત્રણ દિવસમાં સ્પિનર-ફ્રેન્ડલી પિચો પર ઘૂંટણિયે પડી રહી છે.
જ્યારે ત્રણ દિવસમાં મેચ સમાપ્ત થવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે કુમારે કહ્યું, આ માટે માત્ર પિચો જ જવાબદાર નથી. T20 ક્રિકેટને કારણે બેટ્સમેન જે રીતે સ્પિનરો રમે છે તે પણ એક કારણ છે. કારણ કે જો પીચ તૂટશે તો કિવી બેટ્સમેનોને સૌથી વધુ નુકસાન થશે કારણ કે તેઓ આવી પીચો પર રમવાની ટેવ ધરાવતા નથી.