Concussion Substitute: કન્કશન સબસ્ટિટ્યુટ નિયમ શું છે, જેના કારણે ઈંગ્લેન્ડ હારી ગયું?
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટી20 મેચ દરમિયાન હર્ષિત રાણા કન્કશન સબસ્ટિટયુટ તરીકે મેદાનમાં ઉતર્યો હતો. પરંતુ કનકશન સબસ્ટીટ્યુટનો નિયમ આખરે શું છે અને કેવી રીતે કામ કરે છે? ક્રિકેટમાં તેની જરુર કેમ પડી અને ક્યારે આ નિયમ લાગું થયો છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પુણેમાં રમાયેલી ચોથી ટી20 મેચમાં હર્ષિત રાણા ચર્ચામાં રહ્યો છે.જેનું કારણ હર્ષિત રાણાનું પ્રદર્શન રહ્યું છે. જેમણે ઈંગ્લેન્ડની 3 વિકેટ લઈ ટીમ ઈન્ડિયાને જીતાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે પરંતુ હર્ષિત રાણા આ મેચનો ભાગ ન હતો, તેમણે આ મેચ વચ્ચે શિવમ દુબેના કન્કશન સબસ્ટિટ્યુટ તરીકે ટીમમાં સ્થાન મળ્યું હતુ. અને તેમણે શાનદાર પ્રદર્શન કર્યું હતુ. પરંતુ હવે લોકો જાણવા માંગે છે કે, આ કન્કશન શું હોય છે અને ક્રિકેટમાં આ નિયમ કેવી રીતે લાગુ થાય છે? આ નિયમ ક્યારથી લાગું થયો અને ટીમ ઈન્ડિયાને કેવી રીતે ફાયદો મળશે?
કનકશન શું છે?
આને સમજવા માટે ભારત-ઈંગ્લેન્ડની મેચનું ઉદાહરણ લઈ શકીએ છીએ.ભારતની ઈનિગ્સની છેલ્લી ઓવરમાં ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમી ઓવર્ટનનો બોલ શિવમ દુબના હેલમેટમાં લાગ્યો હતો. હેલમેટમાં બોલ લાગતા ટીમ ઈન્ડિયાના ફિઝિયો મેદાન પર આવ્યો અને તેમણે દુબેની તપાસ કરી હતી.તેમણે કહ્યું દુબે ફિટ છે અને આગળ રમી શકે છે. ઈનિગ્સમાં માત્ર 2 બોલ બાકી હતા અને દુબે રમવાનું ચાલું રાખ્યું, પરંતુ જ્યારે ટીમ ઈન્ડિયાની ફીલ્ડિંગ શરુ થઈ તો મેદાન પર દુબેના સ્થાને હર્ષિત રાણા સબ્સ્ટીટયુટ તરીકે આવ્યો અને ત્યારબાદ બીસીસીઆઈએ અપટેડ આપ્યું કે, હર્ષિત રાણા કન્કશન સબ્સ્ટીટ્યુટ મેચનો ભાગ છે.
View this post on Instagram
હવે આપણે જાણીએ કે, કન્કશન શું છે. સામાન્ય રીતે માથા પર લાગનારી આવી ઈજાને કન્કશન કહેવામાં આવે છે. જેની અસર મગજ પર પડી શકે છે.આ અસર સીધી માથા કે ચેહરા અને ગરદનના આસપાસના ભાગમાં પણ થઈ શકે છે. એટલે કે, કોઈપણ ઈજા જેના કારણે વ્યક્તિને જોવામાં, સમજવામાં અને સાંભળવામાં તકલીફ પડે છે તેને કન્કશન કહેવાય છે. રમતગમતની દુનિયામાં, ખાસ કરીને ફૂટબોલ, રગ્બી અને ક્રિકેટ જેવી રમતોમાં આ ખૂબ જ સામાન્ય છે.
ક્રિકેટમાં ક્યારે લાગુ થયો આ નિયમ ?
ક્રિકેટમાં આપણે જોઈએ તો કેટલીક વખત બોલ બેટ્સમેન કે ફિલ્ડરના માથા પર લાગે છે, કે પછી કોઈ પણ ખેલાડી આમને સામને ટકરાય છે. તેમજ ડાઈવ લગાવવા પર પણ કોઈ ખેલાડીના માથા પર ઈજા થઈ શકે છે. પહેલા ક્રિકેટમાં કન્કશનને વધારે મહત્વ આપતું નહતુ પરંતુ 2013માં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ફિલ હ્યુજીસનું બોલ વાગવાથી મૃત્યુ થયા બાદ, આ અંગે ગંભીરતાથી વિચારણા કરવામાં આવી અને આખરે 2019માં ICC એ આ નિયમ લાગુ કર્યો.
શું કહે છે ક્રિકેટનો કન્કશન સબસ્ટિટ્યુટ નિયમ?
હવે તમને આ નિયમ વિશે જણાવીશું. 1 જુલાઈ 2019થી લાગુ કરાયેલા કન્કશન સબસ્ટિટ્યુટ નિયમમાં, ICC એ સ્પષ્ટ કર્યું હતું કે જો કોઈ ખેલાડી રમત દરમિયાન માથા પર બોલ વાગે છે અથવા અન્ય કોઈ રીતે ઘાયલ થાય છે, તો તબીબી ટીમ તાત્કાલિક તેની તપાસ કરશે અને જણાવશે કે શું ખેલાડી રમવાનું ચાલુ રાખવા માટે ફિટ છે. પછી ભલે તે રમવાની સ્થિતિમાં હોય કે ન હોય. જો કોઈ ખેલાડીને કોઈપણ પ્રકારનું ચક્કર આવે કે, દુખાવો થાય, તો તેને તાત્કાલિક મેદાનની બહાર લઈ જવાનો રહેશે. બેટ્સમેન વિશે વાત કરીએ તો, ફિઝિયોએ માત્ર ખેલાડીની તપાસ જ નહીં, પણ તેનું હેલ્મેટ પણ બદલવું પડે છે, ભલે હેલ્મેટ સારી સ્થિતિમાં હોય.
સૌથી મહત્વપૂર્ણ શરત
કન્કશનના કિસ્સામાં, લક્ષણો ખરેખર તરત જ દેખાતા નથી, પરંતુ કેટલીકવાર તે થોડી મિનિટો અથવા કલાકો પછી પણ દેખાય છે. આવી સ્થિતિમાં, જો કોઈ ખેલાડીમાં કન્કશનના આ લક્ષણો દેખાય છે, તો તે ટીમ મેચ રેફરીને તે ખેલાડીને સબ્સ્ટીટ્યુટ કરી શકે છે. હવે અહીં ICC દ્વારા મૂકવામાં આવેલી સૌથી મહત્વપૂર્ણ શરત એ છે કે સબસ્ટીટ્યુટ ખેલાડી ‘લાઇક ફોર લાઇક’ હોવો જોઈએ, એટલે કે, ઇજાગ્રસ્ત ખેલાડી જેવો જ ખેલાડી સામેલ હોવો જોઈએ. બેટ્સમેનની જગ્યાએ બેટ્સમેન આવી શકે છે, બોલરની જગ્યાએ બોલર આવી શકે છે અને ઓલરાઉન્ડરની જગ્યાએ ઓલરાઉન્ડર આવી શકે છે.
જો કોઈ ટીમ પાસે ‘લાઈક ફોર લાઈક’ રિપ્લેસમેન્ટ ન હોય તો રેફરી નક્કી કરી શકે છે કે કયા ખેલાડીને ટીમમાં સામેલ કરવાની મંજૂરી આપી શકાય. 2019 થી, ઘણા ખેલાડીઓ કન્કશન સબસ્ટીટ્યુટના વિકલ્પ તરીકે મેદાનમાં ઉતર્યા છે.