IND vs ENG : ગૌતમ ગંભીરના જૂના સાથીએ ઈંગ્લેન્ડમાં જીતવાનો આપ્યો મંત્ર, આ બોલરને ટ્રમ્પ કાર્ડ ગણાવ્યો
ટીમ ઈન્ડિયા 20 જૂનથી ઈંગ્લેન્ડમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ વખતે શુભમન ગિલના નેતૃત્વમાં યુવા ભારતીય ટીમ ઈતિહાસ રચવા માટે મેદાનમાં ઉતરશે. ઈંગ્લેન્ડમાં જીત મેળવવા માટે બોલરોએ મહત્વપૂર્ણ યોગદાન આપવું પડશે.

શુભમન ગિલના નેતૃત્વ હેઠળની ટીમ ઈન્ડિયા 2007ના ઈતિહાસને પુનરાવર્તિત કરવા માટે ઉત્સુક છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લે 2007માં રાહુલ દ્રવિડની કેપ્ટનશીપમાં ઈંગ્લેન્ડમાં શ્રેણી જીતી હતી. ત્યારબાદ, તે અત્યાર સુધી કોઈ શ્રેણી જીતી શકી નથી. આ વખતે ટીમ ઈન્ડિયા વિરાટ કોહલી અને રોહિત શર્મા વિના મેદાનમાં ઉતરશે.
પૂર્વ બોલિંગ કોચે આપ્યો જીતની મંત્ર
આવી સ્થિતિમાં, યુવા ભારતીય ટીમની ઈંગ્લેન્ડમાં કઠિન કસોટી થશે. આ દરમિયાન, ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ બોલિંગ કોચ અને ગૌતમ ગંભીરના જૂના સાથીએ ઈંગ્લેન્ડમાં જીત માટે કેટલીક ટિપ્સ આપી છે. તેમણે પ્લેઈંગ ઈલેવનમાં એક બોલરને સામેલ કરવાની વાત કરી છે, જે ઈંગ્લેન્ડના બેટ્સમેનોને ખૂબ મુશ્કેલીમાં મૂકી શકે છે.
પ્લેઈંગ-11 માં 5 બોલરોનો સમાવેશની સલાહ
એક ઈન્ટરવ્યુ દરમિયાન, ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ બોલિંગ કોચ ભરત અરુણે ટેસ્ટ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં 5 બોલરોનો સમાવેશ કરવાની હિમાયત કરી હતી. તેમણે કહ્યું કે ઈંગ્લેન્ડ સામે 5 બોલરોને રમવાથી ખૂબ ફાયદો થશે. તેમણે કહ્યું કે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજની જોડી ઈંગ્લેન્ડની ધરતી પર ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે, પરંતુ કુલદીપ યાદવ ટીમ માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે.
કુલદીપ યાદવ ટ્રમ્પ કાર્ડ સાબિત થશે
ભૂતપૂર્વ બોલિંગ કોચે કહ્યું કે જો કુલદીપને પહેલી ઈનિંગમાં પિચમાંથી કોઈ મદદ ન મળે, તો પણ તે બીજી ઇનિંગમાં ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે, કારણ કે કુલદીપ યાદવ જ્યાં વિકેટ પર થોડો ટર્ન હોય ત્યાં ખૂબ જ સારી બોલિંગ કરી શકે છે. કુલદીપ યાદવે અત્યાર સુધીમાં 13 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 56 વિકેટ લીધી છે.
અર્શદીપ સિંહને પણ તક આપો
ભરત અરુણે ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ ઉપરાંત, અર્શદીપ સિંહને ત્રીજા બોલર માટે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવો જોઈએ, કારણ કે તે ડાબોડી બોલર છે અને તે ઈંગ્લેન્ડમાં ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. તેમણે કહ્યું કે અર્શદીપમાં સ્વિંગ કરવાની ક્ષમતા છે. આવી સ્થિતિમાં, તે ઈંગ્લેન્ડના બેટ્સમેન માટે સમસ્યાઓ ઊભી કરી શકે છે. અર્શદીપ સિંહને હજુ સુધી ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક મળી નથી. તે અત્યાર સુધી સફેદ બોલ ક્રિકેટમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યો છે.
આ પણ વાંચો: 6,6,6,6,6… એક જ ઓવરમાં પાંચ છગ્ગાનો વરસાદ, આ બેટ્સમેને મચાવી તબાહી