IND vs ENG : ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયા બે ભાગમાં વહેંચાઈ ગઈ ! જાણો શું છે આખો મામલો
ટીમ ઈન્ડિયા આવતા મહિને 5 મેચની ટેસ્ટ શ્રેણી માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે. આ માટે ભારતીય પસંદગીકારો આગામી દિવસોમાં ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી શકે છે. આ પહેલા, BCCIએ IPLને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લીધો છે.

ભારતીય ક્રિકેટ ટીમ 2025માં ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની મહત્વપૂર્ણ શ્રેણી માટે તૈયાર છે, જે 20 જૂનથી શરૂ થશે. આ શ્રેણી 2025-27 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે અને ભારતીય ક્રિકેટ માટે એક નવો અધ્યાય સાબિત થઈ શકે છે. ભારતીય પસંદગીકારોએ હજુ સુધી આ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી કરી નથી, પરંતુ BCCIએ IPLને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમના ઈંગ્લેન્ડ ટ્રાવેલની બધી તૈયારીઓ પૂરી કરી દીધી છે.
ખેલાડીઓને બે ભાગમાં ઈંગ્લેન્ડ જશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ પ્રવાસ માટે ખેલાડીઓને બે બેચમાં ઈંગ્લેન્ડ મોકલવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમનો ઈંગ્લેન્ડ પ્રવાસ જૂનથી ઓગસ્ટ 2025 સુધી ચાલશે, જેમાં પાંચ ટેસ્ટ મેચ રમાશે. આ પ્રવાસ IPL 2025 પછી શરૂ થઈ રહ્યો છે, જે 3 જૂને તેના સમાપન તરફ આગળ વધી રહ્યો છે.
IPLને ધ્યાનમાં રાખી લીધો નિર્ણય
IPL પહેલા 25 મેના રોજ સમાપ્ત થવાનું હતું, પરંતુ ભારત-પાકિસ્તાન સરહદ પર તણાવને કારણે, ટુર્નામેન્ટ એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી હતી, જેના કારણે ફાઈનલ હવે 3 જૂને યોજાશે. આ વ્યસ્ત શેડ્યૂલને ધ્યાનમાં રાખીને, BCCIએ ખેલાડીઓને બે બેચમાં મોકલવાનો નિર્ણય લીધો છે.
ગંભીર અને કેટલાક ખેલાડીઓ 6 જૂને ઈંગ્લેન્ડ જશે
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને ટેસ્ટ ખેલાડીઓની પહેલી બેચ 6 જૂને ઈંગ્લેન્ડ જવા રવાના થઈ શકે છે. ગંભીરનો મોટાભાગનો સપોર્ટ સ્ટાફ હાલમાં દેશમાં નથી અને તેઓ સીધા ઈંગ્લેન્ડમાં ટીમ સાથે જોડાય તેવી શક્યતા છે. આ ઉપરાંત, જે ખેલાડીઓ IPL 2025ના પ્લેઓફમાં પહોંચી શકશે નહીં તેઓ આ બેચનો ભાગ હશે. આ પછી, બાકીના ખેલાડીઓ IPL 2025ના અંત પછી ઉડાન ભરશે.
ઈન્ડિયા A ટીમ પણ ઈંગ્લેન્ડ જશે
આ પ્રવાસની તૈયારી માટે BCCIએ ઈન્ડિયા A ટીમને ઈંગ્લેન્ડ મોકલવાની યોજના બનાવી છે. ઈન્ડિયા A ટીમ ઈંગ્લેન્ડ લાયન્સ સામે બે બિનસત્તાવાર ચાર દિવસીય મેચ રમશે, જે 30 મેથી કેન્ટરબરીમાં અને 6 જૂનથી નોર્થમ્પ્ટનમાં શરૂ થશે. આ પછી, 13-16 જૂનના રોજ ભારત A અને સિનિયર ભારતીય ટીમ વચ્ચે પ્રેક્ટિસ મેચ રમાશે.
જલ્દી થશે ઈન્ડિયા A ટીમની જાહેરાત
આ અઠવાડિયાની શરૂઆતમાં ઈન્ડિયા A ટીમની જાહેરાત થવાની ધારણા હતી પરંતુ નવા IPL શેડ્યૂલને કારણે અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિને યોજનાઓ બદલવાની ફરજ પડી છે. આવી સ્થિતિમાં, ભારત A ટીમ ક્યારે ઉડાન ભરશે તે અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે.
આ પણ વાંચો: IPL 2025 : ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી વિરાટ કોહલી બનશે કેપ્ટન?