T20 WC Breaking News : ભારતે આજે T20 વર્લ્ડ કપ જીતવો હોય તો, ટીમમાં આ 2 ફેરફાર કરવા પડશેઃ સુનિલ ગાવસ્કર
ટી20 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ સુધી પહોંચી ચૂકેલ ભારતીય ક્રિકેટ ટીમમાં આજે 2 ફેરફારની આવશ્યકતા હોવાનું ભારતના દિગ્ગજ ક્રિકેટર સુનિલ ગાવસ્કરનું કહેવું છે. ટીમ ઈન્ડિયાના બન્ને ખેલાડીઓ, તેમના નબળા પર્ફોમન્સને કારણે સેમિ ફાઈનલ સહીતની છેલ્લી ત્રણ મેચમાં બાકીના ખેલાડીઓ પર બોજ બની રહ્યાં હોય તેવુ લાગી રહ્યું છે.

આજે 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાશે. આ મેચમાં, ભારતીય ટીમમાં બે ફેરફાર જરૂરી હોવાનું ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કર માને છે. સમગ્ર વિશ્વકપ દરમિયાન ખરાબ ફોર્મમાં રહેલા અભિષેક શર્માને T20 વર્લ્ડ કપ 2026 ફાઇનલમાંથી પડતો મુકવા સુનિલ ગાવસ્કરે જણાવ્યું છે. T20 વર્લ્ડ કપ પહેલા ધૂઆધાર બેંટિગથી વિરોધી ટીમના છગ્ગા છોડાવનાર ટીમ ઇન્ડિયાના યુવા ઓપનર અભિષેક શર્માનું બેટ આખા વર્લ્ડ કપ દરમિયાન શાંત રહ્યું છે.
સ્ટાર ઓપનર અભિષેક શર્મા માટે T20 વર્લ્ડ કપ 2026 એક ખરાબ દેખાવ વાળો રહ્યો છે. અભિષેક શર્માએ T20 વર્લ્ડ કપની સાત મેચમાં 12.71 ની નિરાશાજનક સરેરાશથી માત્ર 89 રન બનાવ્યા છે. તેણે ઝિમ્બાબ્વે સામે ફક્ત એક ફિફ્ટી ફટકારી હતી. ફાઇનલ મેચ પહેલા અભિષેકનું ફોર્મ ચિંતાનો વિષય છે. હવે, દિગ્ગજ ગાવસ્કરે તેને ફાઇનલ મેચમાંથી બહાર કરવાની વાત કરી છે.
સુનીલ ગાવસ્કરે પોતાના નિવેદનમાં શું કહ્યું?
ઈન્ડિયા ટૂડેના અહેવાલ અનુસાર સુનીલ ગાવસ્કરે કહ્યું, ” ટીમ ઈન્ડિયા માટે આ ખૂબ જ મુશ્કેલ નિર્ણય છે. અભિષેક શર્મા ICC T20 રેન્કિંગમાં નંબર 1 બેટ્સમેન છે. પરંતુ તે પોતાની આઉટ થવાની પેટર્નને સમજી શકતો નથી. અભિષેક શર્મા વારંવાર એક જ પ્રકારે અને એ જ જગ્યાએ આઉટ થઈ રહ્યો છે, જ્યાં તેની પાસે હાથ ખોલવાની જગ્યા નથી. વિરોધી ટીમના બોલરો અભિષેક શર્માની નબળાઈ જાણી ચૂક્યા છે, તેઓ તે ક્ષેત્રને જ નિશાન બનાવીને બોલિગ કરે છે અને અભિષેક શર્માને અગાઉની માફક ભૂલો કરવા માટે દબાણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મારી ચિંતા એ છે કે તે કાં તો એડજસ્ટ થઈ શકતો નથી અથવા તે પોતાનો અભિગમ બદલી શકતો નથી.”
તેમણે વધુમાં કહ્યું, “હું ઇશાન કિશનને સંજુ સેમસન સાથે ભારતીય ઇનિંગની શરૂઆત કરતા જોવા માંગુ છું, અને હું રિંકુ સિંહને પણ પ્લેઇંગ ઇલેવનમાં ઇચ્છું છું. રિંકુ પાસે એ તાકાત છે. તમે કદાચ તેના શરીર પર તેનો ગોડ પ્લાન ટેટૂ જોયો હશે, અને ક્યારેક તેના જેવા ખેલાડીઓ માટે વસ્તુઓ કામ કરે છે.”
સુનીલ ગાવસ્કર વરુણને કુલદીપ યાદવ સાથે બદલવા માંગે છે
સુનીલ ગાવસ્કર માને છે કે, ચાઇનામેન બોલર કુલદીપ યાદવને વરુણ ચક્રવર્તીને બદલે ફાઇનલમાં પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવો જોઈએ. વરુણ પણ છેલ્લી કેટલીક મેચમાં ખૂબ ધોવાયો છે. વિરોધી ટીમે તેની બોલિગ જાણી ચૂક્યા છે. પરિણામે તે વધારે ઝુડાઈ રહ્યો છે. પરિણામે ભારતે ધાર્યા ટાર્ગેટમાં વિરોધી ટીમને આઉટ કરવા અથવા તો અટકાવવામાં સફળ થઈ નથી.