અમદાવાદમાં ખાણી-પીણીના શોખીનો માટે મોટા સમાચાર: હોટલ-રેસ્ટોરન્ટમાં ‘પનીર’ અસલી છે કે નકલી? હવે બહાર જ લગાવવા પડશે પોસ્ટર!
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે શહેરના ફૂડ સર્વિસ પ્રોવાઈડરો વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે. હવેથી દરેક રેસ્ટોરન્ટ અને હોટલે પોતે કયા પનીરનો ઉપયોગ કરે છે તેની માહિતી ગ્રાહકો વાંચી શકે તે રીતે ડિસ્પ્લે કરવી પડશે. નિયમનું ઉલ્લંઘન કરનાર સામે મ્યુનિસિપલ તંત્ર લાલ આંખ કરશે.
શહેરમાં હોટલ અને રેસ્ટોરન્ટમાં પીરસાતી પનીરની વાનગીઓમાં અસલી દૂધનું પનીર વપરાય છે કે વનસ્પતિ તેલમાંથી બનેલું ‘એનાલોગ પનીર’, તે અંગે હવે ગ્રાહકોને અંધારામાં રાખી શકાશે નહીં. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના હેલ્થ વિભાગે શહેરના ૧૫,૦૦૦ થી વધુ ફૂડ એકમોને ઈ-મેલ દ્વારા કડક સૂચના આપીને ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે.
નવા નિયમ મુજબ, તમામ હોટલ-રેસ્ટોરન્ટ સંચાલકોએ એકમોની બહાર અથવા ગ્રાહકો સ્પષ્ટ વાંચી શકે તે રીતે મોટા અક્ષરે પનીર અંગેની માહિતી દર્શાવતા બેનર કે પોસ્ટર લગાવવા પડશે. ઘણીવાર સસ્તું પડતું એનાલોગ પનીર ગ્રાહકોને અસલી પનીર કહીને પીરસી દેવામાં આવતું હોય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. હવે સંચાલકોએ સ્પષ્ટ કરવું પડશે કે તેઓ શુદ્ધ ‘મિલ્ક પનીર’ વાપરે છે કે પછી ‘એનાલોગ પનીર’.
આરોગ્ય વિભાગે મેનૂ કાર્ડમાં પણ આ માહિતી ફરજિયાત દર્શાવવા આદેશ કર્યો છે. જો કોઈ પણ ફૂડ એકમ આ સૂચનાનું પાલન કરવામાં નિષ્ફળ જશે અથવા ગ્રાહકોને ખોટી માહિતી આપતા ઝડપાશે, તો આગામી દિવસોમાં AMC દ્વારા દંડ અને સીલિંગ સહિતની કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગ્રાહકોના હિતમાં લેવાયેલો આ નિર્ણય શહેરની ફૂડ સેફ્ટીમાં મોટો બદલાવ લાવશે.
(ઈનપુટ ક્રેડિટ: જિગ્નેશ પટેલ)
ભારતમાં ફૂલ્યો-ફાલ્યો ‘મૌન્જારો બ્રાઈડ્સ’નો ખતરનાક ક્રેઝ: લગ્ન પહેલા ‘સ્લિમ’ દેખાવા યુવતીઓ લઈ રહી છે વજન ઘટાડવાના ઇન્જેક્શન, જાણો અસલી હકીકત
8 કિમી દૂર બુથ ખસેડીને અધિકારીઓએ શું સાબિત કર્યું?
પત્રિકા સાથે ચવાણું ઘર-ઘર સુધી પહોંચાડ્યું, મતદારોને રીઝવવાનો પ્રયાસ
જુનાગઢ: ઝાંઝરડા ગામના ખેડૂતો ટીપી સ્કીમ-5 સામે આકરા પાણીએ
સુરતના સરોલીમાં વિધર્મી હેવાને 3 વર્ષની હસતી રમતી બાળકીને પીંખી નાખી
