T20 World Cup Breaking News: ઇટાલીને લાગ્યો ‘મોટો ઝટકો’! 42 વર્ષીય કેપ્ટન વેન મેડસનનો ખભો ઉતરી ગયો, વર્લ્ડ કપની વચ્ચે જ ટીમ મુશ્કેલીમાં
પોતાની ડેબ્યૂ સિઝનની પ્રથમ મેચમાં જ ઇટાલીના કેપ્ટન ઇજાગ્રસ્ત થઈને મેદાનની બહાર જતાં ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. વિશ્વભરની લીગમાં રમવાનો અનુભવ ધરાવતા મેડસન ટીમનો મજબૂત સ્તંભ છે પરંતુ હવે તેમની ઈજાને કારણે ઇટાલીની બેટિંગ નબળી પડવાની ભીતિ છે.

ઇટાલી માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. તેમણે T20 વર્લ્ડ કપ 2026 ની પોતાની પહેલી જ મેચમાં પોતાના કેપ્ટન વેઇન મેડસેનને ગુમાવી દીધો છે. સ્કોટલેન્ડ સામેની મેચમાં ઇટાલિયન કેપ્ટનને ગંભીર ઈજા થઈ છે. ફિલ્ડિંગ દરમિયાન તેમના ખભામાં ઈજા થઈ હતી.
ઇયાન બિશપે કર્યો ખુલાસો
ઇટાલીના 42 વર્ષીય કેપ્ટન વેન મેડસનની ઈજા અંગે માહિતી આપતા ઇયાન બિશપે જણાવ્યું હતું કે, તેમનો ખભો ‘ડિસ્લોકેટ’ થયો છે, જેને સામાન્ય ભાષામાં ખભો ઉતરી જવો પણ કહેવામાં આવે છે. મેડસન ઈજાગ્રસ્ત થવાથી ઇટાલીના બેટિંગ લાઇન અપને મોટો ઝટકો લાગ્યો છે. તેઓ પોતાની ટીમના એક ખૂબ જ અનુભવી બેટ્સમેન છે, જેમને વિશ્વભરની T20 લીગમાં રમવાનો બહોળો અનુભવ છે.
સ્કોટલેન્ડે ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી
હાલમાં T20 વર્લ્ડ કપની આ મેચમાં સ્કોટલેન્ડના બેટ્સમેનોએ મેદાન પર ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી હતી. સ્કોટલેન્ડે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 207 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો.
આ સ્કોરની પાછળ ઓપનર જ્યોર્જ મુન્સેનું સૌથી મોટું યોગદાન રહ્યું, જેમણે માત્ર 54 બોલમાં 13 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 84 રનની આક્રમક ઇનિંગ રમી હતી. તેમને માઈકલ જોન્સ (37 રન) નો સારો સાથ મળ્યો. મધ્યમ ક્રમમાં બ્રાન્ડોન મેકમુલને અણનમ 41 રન (18 બોલ) અને માઈકલ લીસ્કે માત્ર 5 બોલમાં અણનમ 22 રન ફટકારીને સ્કોરને 200ને પાર પહોંચાડ્યો હતો. ખાસ કરીને લીસ્કનો સ્ટ્રાઈક રેટ 440.00 નો રહ્યો હતો.
ઇટાલીના બોલરો ‘ફેઈલ’
ઇટાલીની બોલિંગની વાત કરીએ તો, તેમના બોલરો સ્કોટલેન્ડના બેટ્સમેનોને રોકવામાં નિષ્ફળ સાબિત થયા હતા. ઇટાલી તરફથી અલી હસન, ગ્રાન્ટ સ્ટુઅર્ટ, થોમસ ડ્રાકા અને જેજે સ્મટ્સે 1-1 વિકેટ ઝડપી હતી. અલી હસન સૌથી કંજૂસ બોલર રહ્યો, જેણે 4 ઓવરમાં માત્ર 21 રન આપ્યા હતા. જો કે, ગ્રાન્ટ સ્ટુઅર્ટ (44 રન) અને થોમસ ડ્રાકા (2 ઓવરમાં 37 રન) ઘણા મોંઘા સાબિત થયા હતા. સ્કોટલેન્ડનો રન રેટ 10.35 નો રહ્યો હતો. આ દર્શાવે છે કે, ઇટાલીના બોલરો પર બેટ્સમેનોએ પૂરેપૂરું દબાણ જાળવી રાખ્યું હતું.
