ગુજ્જુ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અમદાવાદના રસ્તા પર ગર્લફ્રેન્ડ સાથે લોંગ ડ્રાઈવ પર નીકળ્યો, જુઓ Video
ભારતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામેની T20 સિરીઝ 3-1થી જીતી ઇતિહાસ રચ્યો. આ આઠમી સતત દ્વિપક્ષીય સિરીઝ જીત હતી. હાર્દિક પંડ્યા મેચ બાદ પોતાની ગર્લફ્રેન્ડ સાથે લોંગ ડ્રાઈવ પર હોવાનો વીડિયો સામે આવ્યો.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19 ડિસેમ્બર, શુક્રવારના રોજ રમાયેલી પાંચ મેચની T20 સિરીઝની અંતિમ મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 30 રનથી પરાજય આપી સિરીઝ 3-1થી જીતી લીધી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ સતત આઠમી દ્વિપક્ષીય T20 સિરીઝ પોતાના નામે કરી, જે ટીમ માટે એક મોટી સિદ્ધિ માનવામાં આવે છે.
મેચ બાદ ભારતીય ટીમ જ્યારે અમદાવાદની ITC નર્મદા હોટેલ પર પરત ફરી, ત્યારે જીતની ખુશીમાં ખાસ ઉજવણી યોજાઈ હતી. હોટેલના શેફ દ્વારા ટીમ માટે ખાસ તૈયાર કરેલી કેક કાપીને તમામ ખેલાડીઓએ વિજયની ઉજવણી કરી. આ સેલિબ્રેશનમાં BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુકલા પણ હાજર રહ્યા હતા.
આ સમગ્ર મેચ દરમિયાન ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ખાસ ચર્ચામાં રહ્યા હતા. મેચ પૂરી થયા બાદ હાર્દિક પોતાની ગર્લફ્રેન્ડ સાથે રાત્રે અમદાવાદમાં લોંગ ડ્રાઈવ પર નીકળ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તે પોતે કાર ચલાવતા જોવા મળે છે.
મેચ દરમિયાન એક ઘટના પણ સૌનું ધ્યાન ખેંચી ગઈ હતી. હાર્દિકે મારેલા એક સિક્સરનો બોલ કેમેરા ઓપરેટરને વાગ્યો હતો. ઇનિંગ્સ પૂર્ણ થયા બાદ હાર્દિક સ્વયં કેમેરા ઓપરેટર પાસે પહોંચ્યો, તેની તબિયત વિશે પૂછપરછ કરી અને વ્યક્તિગત રીતે માફી માગી. હાર્દિકના આ માનવીય વર્તનને ક્રિકેટ ચાહકો તરફથી ભરપૂર પ્રશંસા મળી રહી છે.
અમદાવાદમાં રમાયેલી આ નિર્ણાયક મેચને લઈ શહેરમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બપોરથી જ ટીમ ઈન્ડિયાના ચાહકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ રવાના થઈ ગયા હતા. મેટ્રો, બસ, રિક્ષા, ટેક્સી અને ખાનગી વાહનો મારફતે મોટી સંખ્યામાં લોકો સ્ટેડિયમ પહોંચ્યા હતા.
જો કે, સુરક્ષા વ્યવસ્થાના કારણે મોદી સ્ટેડિયમના ગેટ નંબર 1થી 100 ફૂટ રોડ સુધી બંને બાજુ પોલીસ દ્વારા બેરિકેટિંગ કરવામાં આવતા લોકોની અવરજવરમાં ભારે મુશ્કેલી ઊભી થઈ હતી. ટ્રાફિક જામી જતા અનેક ચાહકોને સ્ટેડિયમ પહોંચવામાં વિલંબનો સામનો કરવો પડ્યો હતો.
અમ્પાયર ઘાયલ, કેમેરામેન પણ ઘાયલ, અમદાવાદમાં T20 મેચ દરમિયાન બનેલી ઘટનાના જુઓ વીડિયો
