04 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : U19 World Cup 2026 IND vs AFG : અફઘાનિસ્તાનને હરાવીને ભારત પહોચ્યું ફાઇનલમાં
આજે 04 ફેબ્રુઆરીને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 04 ફેબ્રુઆરીને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
જેલમાં રહેલા સુરેન્દ્રનગરના પૂર્વ જિલ્લા કલેકટરે જામીન માટે કરી અરજી
સુરેન્દ્રનગરમાં કરોડોની જમીન N.A કૌભાંડનો મામલે જેલમાં રહેલા તત્કાલીન જિલ્લા કલેકટર રાજેન્દ્ર પટેલે, સ્પેશિયલ કોર્ટમાં નિયમિત જામીન અરજી કરી છે. થોડા સમય પહેલા તત્કાલીન કલેકટર અને નાયબ મામલતદારની ઇડી દ્વારા કરવામાં આવી હતી ધરપકડ. નિયમિત જામીન અરજી પર આવતીકાલે હાથ ધરાશે સુનાવણી.
-
મુંબઈના ગોરેગાવમાં, ગેસ ભરેલા ફુગ્ગા લિફ્ટમાં ફાટતા યુવક-યુવતી ઈજાગ્રસ્ત
મુંબઈના ગોરેગાવમાં એક વિચિત્ર અકસ્માત થયો છે. લિફ્ટમાં ગેસ ભરેલા ફુગ્ગા ફાટતા યુવક-યુવતી ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને લઈને પોલીસે ફુગ્ગા વેચવા વાળા ઉપર કાર્યવાહી હાથ ધરી છે.
-
-
U19 World Cup 2026 IND vs AFG : અફઘાનિસ્તાનને હરાવીને ભારત પહોચ્યું ફાઇનલમાં
અન્ડર 19 ક્રિકેટ વિશ્વ કપની સેમિ ફાઈનલ મેચમાં, ભારતે આજે 310 રનનો પહાડ જેવો લક્ષ્યાંક સરળતાથી પાર કરીને અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. અફઘાનિસ્તાનને હરાવીને ભારતે અન્ડર 19 ક્રિકેટ વિશ્વ કપની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.
-
ગુજરાતના લોક કલાકારોએ શિષ્ટ ભાષામાં વખોડ્યું લાલજી દેસાઈનુ વિવાદાસ્પદ નિવેદન
મોરબી ખાતે કોંગ્રેસના નેતા લાલજી દેસાઈએ, લોક કલાકારો માટે ઉચ્ચારેલા શબ્દો સામે લોકકલાકારો રોષ વ્યક્ત કરી રહ્યાં છે. ગત 2 ફેબ્રુઆરીના રોજ, ગુજરાત કિસાન સંધર્ષ સમિતિના નેજા હેઠળ ટંકારા ખાતે ખેડૂત સભા યોજાઈ હતી. એ દરમિયાન કોંગ્રેસના નેતા લાલજી દેસાઈએ વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. જેનો વીડિયો વાયરલ થયો હતો. જાહેરમંચ પરથી ગાયક કલાકારો વિશે વિવાદિત ટિપ્પણી કરવામાં આવતા ગુજરાતના લોક કલાકારો, ગાયકો શિષ્ટભાષામાં લાલજી દેસાઈના વિવાદાસ્પદ નિવેદનને વખોડી રહ્યાં છે.
-
સાંતલપુરના કોરડા ગામના સરપંચે તોડ્યું સમાજનું બંધારણ, દીકરી અને દીકરાના લગ્ન પ્રસંગમાં રાસ ગરબા, આતશબાજી કરી
ઠાકોર સમાજનું બંધારણ તોડ્યાંની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. સાંતલપુરના કોરડા ગામના સરપંચે સમાજનું બંધારણ તોડ્યું છે. કોરડા ગામના સરપંચ મગનજી ઠાકોરે, દીકરી અને દીકરાના લગ્ન પ્રસંગમાં રાસ ગરબા, આતશબાજી કરી ઠાકોર સમાજના નવા બંધારણનું ઉલંઘન કર્યું. ગઈકાલે બનાસકાંઠા બાદ આજે પાટણના સાંતલપુર વિસ્તારમાં ઠાકોર સમાજના બંધારણ તોડવાની બીજી ઘટના સામે આવી
-
-
રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2026-27નું 3595.70 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું, પાણીવેરો, ગાર્બેજ કલેકશન ચાર્જમા સુચવ્યો વધારો
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ, નાણાકીય વર્ષ 2026-2027 માટેનું ડ્રાફ્ટ બજેટ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરને સોંપ્યું હતું. મ્યુ. કમિશનરે ડ્રાફ્ટ બજેટમાં પાણીવેરો અને ગાર્બેજ કલેકશન વેરામાં વધારો સુચવ્યો છે. જેમાં પાણીવેરો ઘરદીઠ 1500 રૂપિયાથી વધારીને 2400 રૂપિયા અને ગાર્બેજ કલેક્શન 365 થી વધારીને 800 રૂપિયા સૂચવ્યો હતો.મ્યુનિસિપલ કમિશનરે આ બજેટમાં મોટાભાગની ગત બજેટની યોજનાને આગળ ધપાવવાની જાહેરાત કરી હતી. આ બજેટમાં રમત ગમત ક્ષેત્રે નવી દિશા સૂચવી હતી. રાજકોટ અને સૌરાષ્ટ્રમાંથી આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ પસંદગી પામે તે માટે પીપીપી ધોરણે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધા ઉભી કરવાની જાહેરાત કરી હતી. ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે કાલાવડ રોડ, જંકશન મેઇન રોડ સહિતના રસ્તાઓને પહોળા કરવાની જાહેરાત કરાઇ છે.
-
U19 World Cup 2026 IND vs AFG સેમિ ફાઇનલ : અફઘાનિસ્તાને 310 રન ફટકાર્યા
સેમિ ફાઇનલ મેચમાં અફઘાનિસ્તાને શાનદાર બેટિંગ કરતા 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 310 રન બનાવ્યા છે. ફૈઝલ શિનોઝાદા અને ઉઝૈરુલ્લાહ નિયાઝાઈએ સદી ફટકારી. ઉઝૈરુલ્લાહ નિયાઝાઈ 101 રન બનાવી અણનમ રહ્યો હતો. ફૈઝલ શિનોઝાદાએ 110 રનનું યોગદાન આપ્યું. ભારત તરફથી કનિષ્ક ચૌહાણ અને દીપેશ દેવેન્દ્રને 2-2 વિકેટ લીધી હતી.
-
લોકસભામાં ના બોલી શક્યા પીએમ મોદી, વિપક્ષના હોબાળો વચ્ચે ગૃહની કાર્યવાહી આવતીકાલ ગુરુવાર સુધી મુલતવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આજે લોકસભામાં રાષ્ટ્રપતિના પ્રવચન ઉપર આભાર પ્રસ્તાવમાં કરાયેલ ચર્ચાનો જવાબ આપવાના હતા. જો કે, વિપક્ષ દ્વારા ચીને ભારતમાં કરેલ પેશકદમી અને અમેરિકા સાથે કરેલા ટ્રેડ ડીલને લઈને હોબાળો મચાવ્યો હતો. જેને લઈને અધ્યક્ષે, લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી મુલતવી રાખી છે.
-
અસલાલી તળાવમાં ગેરકાયદે વસતા લોકોને મળેલી નોટિસ બાદ હાઇકોર્ટમાં હાથ ધરાઈ સુનાવણી
ચંડોળા, ઇસનપુર બાદ વધુ એક તળાવના વિવાદ મામલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ છે. અસલાલી તળાવમાં ગેરકાયદે વસતા લોકોને મળેલી નોટિસ બાદ હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ છે. AUDA એ સોગંદનામું કરી તળાવમાં અનેક પરિવારો દ્વારા દબાણ કરાયું હોવાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. 20 થી 40 વર્ષથી અનેક પરિવારો અહીંયા વસતા હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ કલેક્ટરને તાત્કાલિક કમિટીનું ગઠન કરવા આપ્યો આદેશ. 1 સપ્તાહમાં મામલતદાર , ડેપ્યુટી કલેક્ટર સાથે કમિટીનું ગઠન કરી સરવે કરવા આદેશ. પુનર્વસન યોગ્ય પરિવારોને સાંભળી યોગ્ય જવાબ રજૂ કરવા હાઇકોર્ટનો નિર્દેશ. તળાવમાં દબાણ થયું હોવાને કારણે નેશનલ હાઈવે અને તળાવ બંનેનો વિકાસ અટવાયો હોવાની રજૂઆત. એપ્રિલ માસમાં વધુ સુનાવણી હાથ ધરાશે.
-
વડાપ્રધાન મોદી, લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવની રજૂઆત કરી શકે છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આજે લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવની રજૂઆત કરી શકે છે. લોકસભાની કાર્યવાહી વિપક્ષના સતત હોબાળાને કારણે બે વાર મુલતવી રાખવી પડી હતી.
-
જમ્મુ અને કાશ્મીર: ઉધમપુરમાં જૈશના બે આતંકવાદીઓ ઠાર થયા
જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં ગઈકાલથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. ઉધમપુરના જાફર વિસ્તારમાં ગુફામાં છુપાયેલા જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યા.
-
રાજ્યમાં ઉતર-પૂર્વના પવન ફૂંકાતા બેવડી ઋતુની અસર રહેશે
રાજ્યમાં આગામી દિવસોમાં બેવડી ઋતુનો અનુભવ થવાની શક્યતા છે. રાજ્યના હવામાન વિભાગે મહત્વની આગાહી કરતા જણાવ્યું છે કે ઉતર-પૂર્વના પવન ફૂંકાતા હોવાથી રાજ્યમાં બેવડી ઋતુની અસર જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા ઠંડી સામાન્ય રહેશે, જ્યારે મહત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. નલિયામાં લઘુતમ તાપમાન 13.1 ડિગ્રી નોંધાયું છે, જે સામાન્ય કરતા 2 ડિગ્રી વધારે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ ફેબ્રુઆરી મહિને રાજ્યમાં લઘુતમ તેમજ મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેવાની શક્યતા છે.
-
રાજકોટ: રણછોડનગરમાં 140 કીલો ચાંદીના દાગીનાની ચોરી
રાજકોટ: રણછોડનગરમાં 140 કીલો ચાંદીના દાગીનાની ચોરી થઇ છે. શેરી નંબર 1 માં તસ્કરોએ વેપારીના ઘરમાં ઘૂસી ચોરીને અંજામ આપ્યો. વેપારીએ માતબર રકમના દાગીનાની ચોરી અંગે ધારાસભ્યને જાણ કરી. 140 કિલો ચાંદીના દાગીનાની ચોરી થતાં પોલીસ ટીમ તપાસમાં જોડાઈ.
-
અમદાવાદ કોર્પોરેશનનું રૂ. 17 હજાર 18 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 17 હજાર 18 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જે ગત વર્ષની તુલનામાં રૂ. 3 હજાર 17 કરોડનો વધારો દર્શાવે છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ આ ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં બેઝિક સર્વિસ, સસ્ટેનેબિલિટી, હેરિટેજ, ઈઝ ઓફ મૂવમેન્ટ, ઇન્ક્લુઝિવ સિટી, સિટી બ્યુટીફિકેશન અને સિટિઝન સેન્ટ્રીક ગવર્નન્સ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. AMC દ્વારા જાહેર પરિવહનને 100 ટકા ઇલેક્ટ્રિક બનાવવા આયોજન કરાયું છે. નહેરુનગરથી શિવરંજની અને શિવરંજનીથી રામદેવનગર થઈ ઇસ્કોન બ્રિજ સુધી એલિવેટેડ કોરિડોર માટે રૂ. 1000 કરોડની જોગવાઈ કરાઈ છે, તેમજ બોપલ એસપી રિંગ રોડથી ઘુમા સુધી પણ એલિવેટેડ કોરિડોર બનાવાશે. શહેરને ફાટક મુક્ત બનાવવા રૂ. 775 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં ગેરતપુર, વટવા, વિંઝોલ, મણિનગર અને સરખેજનો સમાવેશ થાય છે. મેમ્કો જંક્શન, કઠવાડા અને સિલ્વર સ્ટાર ચાંદલોડિયામાં ફ્લાયઓવર બ્રિજ માટે રૂ. 225 કરોડની જોગવાઈ રાખવામાં આવી છે. ઉપરાંત કોમનવેલ્થ ગેમ્સ 2030ને ધ્યાનમાં રાખીને ખાસ આયોજન સાથે શહેરમાં 6 નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, 5 મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે રૂ. 211 કરોડ અને 5 જીમ, 3 સ્વિમિંગ પૂલ તથા 35 પ્લેગ્રાઉન્ડ માટે રૂ. 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
-
સોશિયલ મીડિયાની મિત્રતા યુવતીને પડી ભારે, સુરતમાં સામૂહિક દુષ્કર્મની ઘટના
સુરતમાં સામૂહિક દુષ્કર્મની ઘટનાથી શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે. સોશિયલ મીડિયાથી થયેલી મિત્રતા યુવતી માટે ભારે સાબિત થઈ હોવાનું સામે આવ્યું છે. બર્થડે ઉજવવા માટે યુવતી કોટાથી સુરત આવી હતી, ત્યારબાદ આરોપીઓએ તેને સુરત બોલાવી 20 દિવસ સુધી બંધક બનાવી રાખી હતી. આ દરમિયાન નરાધમો યુવતીને સુરતની અલગ અલગ હોટલોમાં લઈ ગયા અને નશીલા ઈન્જેક્શન આપી વારંવાર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આરોપીઓએ પોતાની ઓળખ છુપાવી યુવતીનો વિશ્વાસ જીત્યો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. આખરે યુવતી ફરિયાદ કરવા આગળ આવતા રાંદેર પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
-
બનાસકાંઠા: આજે જાબડીયા ખાતે ઠાકોર સમાજની મોટી બેઠક
બનાસકાંઠા જિલ્લાના જાબડીયા ખાતે આજે ઠાકોર સમાજની મોટી બેઠક યોજાવાની છે. આ બેઠકમાં MLA અલ્પેશ ઠાકોર અને લવિંગજી ઠાકોર હાજર રહેશે. સાથે જ પૂર્વ MLA બળદેવજી ઠાકોર પણ બેઠકમાં જોડાશે. બેઠક દરમિયાન સાંસદ ગેનીબેન ઠાકોર વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સભાને સંબોધશે. બેઠકમાં સમાજના વિવિધ મુદ્દાઓ અને આગામી આયોજન અંગે ચર્ચા થવાની શક્યતા છે.
-
રાજકોટ: સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક હત્યા કેસ, મૃતક અને આરોપી બંને મિત્રો હોવાનો થયો ઘટસ્ફોટ
રાજકોટ: સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક હત્યા કેસમાં મૃતક અને આરોપી બંને મિત્રો હોવાનો ઘટસ્ફોટ થયો છે. મૃતક આરોપીની બહેનને પરેશાન કરતો હોવાની શંકાએ હત્યા કરી. હત્યા કર્યા બાદ આરોપી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન હાજર થયો હતો. આરોપીએ શંકાના લીધે હત્યા કરી હોવાની કબૂલાત કરી. 43 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકીને મિત્રએ જ હત્યા કરી હતી. પોલીસે ચકચારી હત્યા કેસમાં વધુ તપાસ હાથ ધરી.
-
રાજકોટઃ વર્ષ 2026-27નું કુલ 3595.70 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ
રાજકોટઃ વર્ષ 2026-27નું કુલ 3595.70 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યુ. મ્યુનિસિપલ કમિશનરે બજેટ સ્ટેન્ડિંગ કમિટીને સોંપ્યું. બજેટમાં 95 કરોડનો કરબોજ ઝીંકવામાં આવ્યો. જૂની યોજનાઓના અમલીકરણ પર ભાર મુકાશે. પાણી વેરો અને ગાર્બેજ ચાર્જમાં બમણો વધારો સૂચવવામાં આવ્યો. ઘર દીઠ પાણી વેરો 1500 થી વધારી 2400 રૂપિયા સૂચવવામાં આવ્યો. કોમર્શિયલ એકમનો પાણી વેરો 3 હજારને બદલે 4800 રૂપિયા સૂચવવામાં આવ્યો. ગાર્બેજ કલેક્શન ચાર્જ રૂપિયા 365થી વધારીને રૂપિયા 800 કરવાની દરખાસ્ત કરાઈ.
-
સુરત: મોતીવાલા પર્ફ્યુમ પર સેન્ટ્રલ GSTના દરોડા
સુરતમાં મોતીવાલા પર્ફ્યુમ પર સેન્ટ્રલ GSTની એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા દરોડો કરવામાં આવ્યો છે. તપાસમાં કરોડોની GST ચોરી ઝડપાઈ છે. 3.40 કરોડના પરફ્યુમનું વેચાણ ચોપડા પર દર્શાવ્યા વિના કરવામાં આવ્યું હતું. તપાસમાં ખુલાસો થયો કે પરફ્યુમનો મુદ્દામાલ 18 ટકા GST વગર વેચાયો હતો. નોંધનીય છે કે છ મહિના પહેલા પણ મોતીવાલા પરફ્યુમ પર GST તપાસ કરવામાં આવી હતી. હાલ GST વિભાગ દ્વારા 3.40 કરોડનો ટેક્સ વસૂલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
-
સુરત: હજીરામાં ટેન્કરમાંથી કેમિકલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ
સુરતમાં હજીરા વિસ્તારમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરીનો કૌભાંડ પર્દાફાશ થયો છે. આ ટેન્કર અદાણી પોર્ટથી દહેજ જઇ રહ્યો હતો ત્યારે પોલીસે તેને પકડી લીધું. તપાસમાં બહાર આવ્યું કે ચોરી કરેલું કેમિકલ આરોપીઓ મુંબઈના ભિવંડીમાં વેચતા હતા. હજીરા પોલીસે બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓ પાસેથી 7.63 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આ ઘટનામાં સંકળાયેલા પાંચ શખ્સોની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે.
-
સુરત : ગજેરા કંપનીમાં ITની તપાસમાં 1500 કરોડના બેનામી વ્યવહાર મળ્યા
સુરતમાં ગજેરા એન્ડ કંપની પર આવકવેરા વિભાગ દ્વારા દરોડો કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન 1,500 કરોડ રૂપિયાના બેનામી વ્યવહાર સામે આવ્યા છે, એમ સૂત્રોએ જણાવ્યું. લક્ષ્મી ડાયમંડ ગ્રુપના 30થી વધુ બેંક લોકર્સ પણ તપાસ દરમિયાન મળ્યાં છે. દરોડામાં લગભગ 30 કરોડ રૂપિયાનું રોકડ અને જ્વેલરી સીઝ કરાયું છે, તેમજ અનેક મહત્વના દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા છે. ગજેરા ગ્રુપના રહેણાક અને ઓફિસ સ્થળોથી થોકબંધ દસ્તાવેજો મળ્યાં છે, તેમજ ડિજિટલ ડેટા પણ કબ્જે કરવામાં આવ્યો છે, જેની ઉલટ તપાસ કરવામાં આવશે. લક્ષ્મી ડાયમંડના ગજેરા બહેનુ અને ગ્રુપ પર IT વિભાગે દરોડા કર્યા છે, અને બેનામી વ્યવહારો સામે આવ્યા બાદ ગજેરા એન્ડ કંપની સામે કાર્યવાહી માટે તૈયારી શરૂ કરી છે.
-
અમદાવાદઃ ધુમ્મસને કારણે હવાઈ સેવા પર પડી અસર
અમદાવાદમાં ઘન ધુમ્મસના કારણે હવાઈ સેવા પર ભારે અસર પડી છે. અમદાવાદ એરપોર્ટ પર કેટલીક ફ્લાઇટોના શિડ્યુલ ખોરવાયા છે. શહેરમાં આવતી અને જતી આશરે 25 ફ્લાઇટ મોડી પડી છે. આગ્રા, ચંદીગઢ, ભુવનેશ્વર, દિલ્લી અને મુંબઈની ફ્લાઇટો લેટ રહી છે. ફ્લાઇટોના શિડ્યુલ ખોરવાતા હજારો મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
-
અરવલ્લી: માલપુરના સુરજપુર નજીક સોલાર પ્લાન્ટમાં લાગી આગ
અરવલ્લી જિલ્લામાં માલપુરના સુરજપુર નજીક સોલાર પ્લાન્ટમાં આગ લાગવાની ઘટના બની છે. સોલાર પ્લેટો સહિત સમગ્ર પ્લાન્ટમાં આગ ભભૂકી જતા ફાયરફાઇટર્સ માટે અફરા-તફરી સર્જાઈ હતી. આ સોલાર પ્લાન્ટની નિર્માણ કામગીરી દરમિયાન આગ ભભૂકતી હોવાથી ભયનો માહોલ સર્જાયો હતો. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો. અજાણ્યા કારણોસર લાગેલી આ આગના કારણે પ્લાન્ટમાં ભારે નુક્સાન થયો હોવાનું આગેવાનોએ જણાવ્યું છે.
-
સુરત શહેરની જાણીતી મોતીવાલા પર્ફ્યુમ પર સેન્ટ્રલ જીએસટીની તપાસ
સુરત શહેરની જાણીતી મોતીવાલા પર્ફ્યુમ પર સેન્ટ્રલ જીએસટી વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જીએસટીની એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા કરાયેલા દરોડામાં 3.40 કરોડ રૂપિયાની જીએસટી ચોરી ઝડપાઈ છે. તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે કરોડો રૂપિયાનું પરફ્યુમ વેચાણ ખાતાબુકમાં દર્શાવ્યા વગર કરવામાં આવ્યું હતું. પરફ્યુમ પર 18 ટકા જીએસટી ભરવાની ફરજ હોવા છતાં સંચાલક દ્વારા બિલ વિના માલ વેચાણ કરવામાં આવતું હતું. નોંધનીય છે કે છ મહિના પહેલા પણ મોતીવાલા પર્ફ્યુમમાં તપાસ કરવામાં આવી હતી. હાલ જીએસટી એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા 3.40 કરોડ રૂપિયાનો ટેક્સ વસૂલાત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
-
ગાઝિયાબાદ: ત્રણ સગીર બહેનોએ આત્મહત્યા કરી
ગાઝિયાબાદમાં ત્રણ બહેનોએ આત્મહત્યા કરી છે. આ ઘટના ટીલા મોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી, જ્યાં ભારત સિટી સોસાયટીમાં શંકાસ્પદ સંજોગોમાં ત્રણ સગીર બહેનોનું મોત થયું હતું. સવારે લગભગ 2 વાગ્યે, ત્રણેય બહેનો શંકાસ્પદ સંજોગોમાં સોસાયટીના 9મા માળેથી પડી ગઈ હતી. એવું જાણવા મળ્યું છે કે ત્રણેય બહેનો કોરિયન લવર નામની ઓનલાઈન ટાસ્ક-આધારિત ગેમ રમતી હતી. તેમની સામૂહિક આત્મહત્યાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. છોકરીઓ 16, 14 અને 12 વર્ષની હતી.
-
Soverign Gold Bond માં જોવા મળી 8 ટકા સુધીની તેજી
સોવરિન ગોલ્ડ બોન્ડ્સ (SGB) આજે 2 થી 8 ટકા વધ્યા છે, ખાસ કરીને જે 2029 અને 2031 ની વચ્ચે મેચ્યોર થઇ રહ્યા છે.

-
Stock Market Live Update: અસ્થિરતા વચ્ચે સેન્સેક્સ-નિફ્ટી સ્થિર ટ્રેડ
નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે 4 ફેબ્રુઆરીએ ભારતીય સૂચકાંકો 25600 ની નીચે ખુલ્યા. સેન્સેક્સ 265.67 પોઈન્ટ અથવા 0.32 ટકા ઘટીને 83,473.46 પર અને નિફ્ટી 46.40 પોઈન્ટ અથવા 0.18 ટકા ઘટીને 25,681.15 પર બંધ રહ્યો. લગભગ 1,161 શેર વધ્યા, 1,148 ઘટ્યા અને 201 શેર યથાવત રહ્યા. પાવર ગ્રીડ કોર્પ, ટાટા સ્ટીલ, કોલ ઈન્ડિયા, ONGC અને NTPC નિફ્ટીમાં મુખ્ય વધનારાઓમાં સામેલ હતા, જ્યારે HCL ટેક, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, વિપ્રો અને TCS ઘટનારાઓમાં સામેલ હતા.
-
Stock Market : આજે નિફ્ટીની સંભવિત દિશા ઉપર રહેશે
આજે નિફ્ટીની સંભવિત દિશા ઉપર રહેશે.

-
મોરબી: વાંકાનેરમાં લકી ડ્રોના આયોજકો વિરુદ્ધ ગુનો નોંધાયો
મોરબી જિલ્લાના વાંકાનેરમાં લકી ડ્રોના આયોજકો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી છે. લાયસન્સ કે કોઈ યોગ્ય આધાર વગર ટિકિટોનું વેચાણ કરવામાં આવતું હોવાનું બહાર આવતાં આયોજકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે લાયસન્સ વગર લોભામણી જાહેરાતો કરીને લોકોમાં ભ્રમ ફેલાવવાના આરોપસર કાર્યવાહી કરી હતી. મંદિરના નામે લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. આ સમગ્ર મામલે કુલ આઠ જેટલા ઈસમો વિરુદ્ધ વાંકાનેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
-
સુરેન્દ્રનગર: યુટ્યુબરને દારૂનું સેવન કરતી રીલ બનાવવી ભારે પડી
સુરેન્દ્રનગર જિલ્લામાં યુટ્યુબરને દારૂનું સેવન કરતી રીલ બનાવવી ભારે પડી છે. ધાંગધ્રાના કંકાવટી ગામના એક યુટ્યુબરે દારૂ પીતો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, જેના પગલે પોલીસ હરકતમાં આવી હતી. તપાસ દરમિયાન યુટ્યુબરે વીડિયોમાં દારૂ તરીકે જીરા સોડાનો ઉપયોગ કર્યાની કબૂલાત કરી હતી. પાંચ લાખથી વધુ ફોલોવર્સ ધરાવતા આ યુટ્યુબરના વીડિયોથી નશાને પ્રોત્સાહન મળતું હોવાનું માની પોલીસે તેની પાસે જાહેરમાં માફી મંગાવી. સાથે જ, ભવિષ્યમાં નશાકારક કે નશાને પ્રોત્સાહન આપતા કોઈ પણ પ્રકારના વીડિયો ન બનાવે તે માટે યુટ્યુબર પાસેથી બાહેંધરી લેવાઈ હતી.
-
ઉત્તર ભારતમાં ધુમ્મસનો કહેર યથાવત્
ઉત્તર ભારતમાં ધુમ્મસનો કહેર યથાવત્ રહેતા જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. દિલ્લી સહિત અનેક રાજ્યોમાં ઘન ધુમ્મસને કારણે રેલવે વ્યવહાર ખોરવાયો છે. રાજધાની, દૂરંતો સહિતની મહત્વની એક્સપ્રેસ ટ્રેનો 6 થી 13 કલાક સુધી મોડી ચાલી રહી છે, જેમાં ખાસ કરીને દિલ્લી-હાવરા રૂટની ટ્રેનો પર વધુ અસર જોવા મળી રહી છે. ટ્રેનો મોડું ચાલવાના કારણે હજારો મુસાફરો સ્ટેશનો પર ફસાયા છે અને તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે. રેલવે વિભાગ દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રેનો ધીમી ગતિએ ચલાવવામાં આવી રહી છે, જેના કારણે વિલંબ વધ્યો છે.
-
આજે ટી20 વર્લ્ડ કપ વોર્મ-અપ મેચમાં ભારત દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે
ટીમ ઈન્ડિયા આજે મુંબઈમાં ટી20 વર્લ્ડ કપ વોર્મ-અપ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે.
-
CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠકમાં વિધાનસભાના આગામી બજેટ સત્રને લઈને વિસ્તૃત સમીક્ષા કરવામાં આવશે તેમજ સત્ર દરમિયાન રજૂ થનારા વિવિધ વિધેયકો પર ચર્ચા કરવામાં આવશે. સાથે સાથે રાજ્યના આગામી બજેટની તૈયારી અંગે પણ મહત્વપૂર્ણ વિચારણા થવાની છે. બેઠકમાં જૂનાગઢ ખાતે યોજાનારા મહાશિવરાત્રીના મેળાની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે અને ટેકાના ભાવે વિવિધ કૃષિ જણસોની ખરીદી અંગે પણ ચર્ચા થશે. આ ઉપરાંત રાજ્ય સરકારના આગામી આયોજનો તથા નીતિગત વિષયો પર પણ કેબિનેટમાં વિશદ ચર્ચા થવાની શક્યતા છે.
-
રાજ્યમાં આગામી 7 દિવસ તાપમાન રહેશે યથાવત્
રાજ્યમાં આગામી 7 દિવસ તાપમાન યથાવત્ રહેશે. હવામાનમાં કોઈ મોટો બદલાવ નહીં જોવા મળે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 19.2 ડિગ્રી નોંધાયું. સામાન્ય કરતા 6 ડિગ્રી ઊંચું લઘુત્તમ તાપમાન નોંધાયું. રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
Published On - Feb 04,2026 7:32 AM