GT vs CSK Weather and Pitch Report : શું આજે કમોસમી વરસાદ વિલન બનશે ? જાણો હવામાન અને પિચનો રિપોર્ટ
આજે રવિવારે ગુજરાત ટાઈટન્સ હોમ ગ્રાઉન્ડ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે. ગુજરાત ટાઇટન્સ આજની મેચ જીતીને ટોપના સ્થાને રહેવાનો પ્રયાસ કરશે. આરસીબીની હાર બાદ ગુજરાત મજબૂત સ્થિતિમાં છે અને સીએસકે સામેની જીત તેને આઈપીએલની ફાઇનલમાં પહોંચવાની બે તક આપશે.

આજે 25મી મે રવિવારે જ્યારે ગુજરાત ટાઇટન્સ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે ટકરાશે, ત્યારે તેમની નજર પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાન પર રહેવા પર હશે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હારી ગયા બાદ ગુજરાત ટાઇટન્સ પ્લેઓફ ટેબલ પર ટોચના સ્થાને છે. જો આજની CSK સામેની મેચમાં જીત મેળવે છે તો ગુજરાત ટાઈટન્સના 20 પોઈન્ટ થશે, જેનાથી ટોપ-2 માં સ્થાન મેળવશે અને ફાઇનલમાં પહોંચવાની બે તકો સુનિશ્ચિત થશે.
પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ચૂકેલી સીએસકે આ સિઝનમાં ખરાબ પ્રદર્શન બાદ ભવિષ્યની યોજનાઓ પર કામ કરશે અને યુવા ખેલાડીઓ અને અન્ય ખેલાડીઓને અજમાવવાનો પ્રયાસ કરશે. ગુજરાત ટાઇટન્સ માટે, બેટિંગની સફળતા ટોચના ત્રણ ખેલાડીઓ શુભમન ગિલ, સાઇ સુદર્શન અને જોસ બટલર પર આધારિત છે. રવિવારે ટીમની છેલ્લી લીગ મેચ પછી બટલર તેની પોતાના દેશની ટીમમાં જોડાવા માટે ઈગ્લેન્ડ જવા રવાના થશે.
બટલર પ્લેઓફ માટે ઉપલબ્ધ ના હોવાથી, ટીમ માટે એ મહત્વનું રહેશે કે મિડલ ઓર્ડરને વધુ સમય મળે. શાહરૂખ ખાન અને શેરફેન રધરફોર્ડે લખનૌ સુપર જાયન્ટ્સ સામે ઘણા રન બનાવ્યા હતા અને તેઓ મિડલ ઓર્ડરમાં ફરીથી પ્રભાવ પાડવા માટે ઉત્સુક હશે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પિચ રિપોર્ટ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ બેટ્સમેન માટે સારી માનવામાં આવે છે અને આ પિચ પર ઘણા રન બને છે. આવી સ્થિતિમાં, આજે પણ એક હાઇ સ્કોરિંગ મેચની અપેક્ષા છે. જેમ જેમ મેચ આગળ વધશે તેમ તેમ સ્પિન બોલરોને પીચમાંથી મદદ મળશે. ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે, કારણ કે આ એક 20-20 ઓવરની મેચ છે અને પછી બેટિંગ કરવી વધુ સરળ બની શકે છે. 200 થી ઉપરનો સ્કોર જીતવા માટે સારો ગણાશે. જ્યારે, સ્પિનરો દિવસની રમતમાં મોટી ભૂમિકા ભજવી શકે છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ 41 મેચ રમાઈ છે, જેમાંથી પહેલા બેટિંગ કરનારી ટીમે 20 મેચ જીતી છે અને બીજા બેટિંગ કરનારી ટીમે 21 મેચ જીતી છે. આ મેદાન પર પ્રથમ ઇનિંગ્સનો સરેરાશ સ્કોર લગભગ 175 રહ્યો છે. ટીમનો સૌથી વધુ સ્કોર 243 છે અને સૌથી ઓછો 89 રન છે.
કેવુ રહેશે અમદાવાદનુ હવામાન
હવામાન અંગે ઓસ્ટ્રેલિયાની ખાનગી સંસ્થા AccuWeather ના મતે, મેચની શરૂઆતમાં અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે અને મેચના અંત સુધીમાં તે ઘટીને 36 ડિગ્રી સેલ્સિયસ થઈ જશે. મેચ દરમિયાન ભેજનું પ્રમાણ 28 % થી 37 % ની વચ્ચે રહેશે. આકાશ વાદળછાયું રહેવાની અને વરસાદની શક્યતા ખૂબ જ ઓછી રહેવાની ધારણા છે.
ગુજરાત અને ચેન્નાઈનો હેડ ટુ હેડ રેકોર્ડ
IPLમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે કુલ 7 મેચ રમાઈ છે, જેમાંથી ગુજરાતે 4 અને ચેન્નાઈએ 3 મેચ જીતી છે. IPLમાં ગુજરાતે CSK પર પ્રભુત્વ મેળવ્યું છે.
મેચ માટે બંને ટીમોના 11 ખેલાડીઓ
ગુજરાત ટાઇટન્સ- શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), શરફાન રધરફોર્ડ, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અરશદ ખાન, આર સાઈ કિશોર, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ. ઇમ્પેક્ટ પ્લેયર – પ્રસિદ્ધ કૃષ્ણ
ચેન્નાઈ સુપર કિંગ્સ- આયુષ મ્હાત્રે, ડેવોન કોનવે, ઉર્વીલ પટેલ, રવિન્દ્ર જાડેજા, ડીવાલ્ડ બ્રેવિસ, એમએસ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), અંશુલ કંબોજ, રવિચંદ્રન અશ્વિન, નૂર અહેમદ, ખલીલ અહેમદ, મથિશા પથિરાના. ઇમ્પેક્ટ પ્લેયર – શિવમ દુબે