દર વર્ષે ’26 ડિસેમ્બરે’ જ ‘Boxing Day’ ટેસ્ટ કેમ શરૂ થાય છે? આખરે આની પાછળનું કારણ શું છે?
'બોક્સિંગ ડે' ટેસ્ટ એ ઓસ્ટ્રેલિયામાં ક્રિસમસ પછીના દિવસે 26 ડિસેમ્બરે રમાતી ટેસ્ટ મેચ છે. ઘણા વર્ષોથી આ મેચ ઐતિહાસિક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાય છે.

ઓસ્ટ્રેલિયામાં દર વર્ષે 26 ડિસેમ્બરે રમાતી ટેસ્ટ મેચને ‘બોક્સિંગ ડે’ તરીકે ઓળખવામાં આવે છે. નાતાલ પછીના દિવસે એટલે કે 26 ડિસેમ્બરે શરૂ થતી આ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ પરંપરાનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને તેની પાછળનો ઇતિહાસ ખૂબ જ ખાસ છે.
શું છે ‘ઇતિહાસ’?
ક્રિસમસ દરમિયાન ઓસ્ટ્રેલિયામાં લોકો લાંબી રજા પર હોય છે. જો કે, એ દિવસ દરમિયાન ખ્રિસ્તી સમુદાયની પરંપરાઓ અનુસાર દરેક વ્યક્તિ એકબીજાને કોઈને કોઈ ભેટ આપે છે, જે બીજા દિવસે એટલે કે 26 ડિસેમ્બરે ખુલે છે, જેના કારણે તેને ‘બોક્સિંગ ડે’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
વધુમાં, ચર્ચમાં રાખેલા બોક્સ નાતાલ પછીના દિવસે ખોલવામાં આવે છે, તેથી તેનું નામ ‘બોક્સિંગ ડે’ રાખવામાં આવ્યું છે. આ સિવાય એવું પણ કહેવાઈ રહ્યું છે કે, જે લોકો નાતાલના દિવસે રજા વગર કામ કરે છે, તેમને બીજા દિવસે બોક્સના રૂપમાં ભેટ મળે છે અને તેઓને તેમના પરિવાર સાથે સમય વિતાવવા માટે રજા પણ આપવામાં આવે છે. આથી આને ‘બોક્સિંગ ડે’ નામ આપવામાં આવ્યું છે. ટૂંકમાં, ‘બોક્સિંગ ડે’ વિશે લોકોની અલગ અલગ ધારણા છે.
વર્ષ 1892 માં ઓસ્ટ્રેલિયન ડોમેસ્ટિક ક્રિકેટ સીઝન દરમિયાન ક્રિસમસ પછીના દિવસે મેચો રમાતી હતી. બસ આ જ પરથી ‘બોક્સિંગ ડે’ શબ્દની શરૂઆત થઈ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં, વર્ષ 1950 માં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ બોક્સિંગ ડે ટેસ્ટ મેચ રમાઈ હતી.
મેલબોર્નમાં જ કેમ રમાય છે ‘બોક્સિંગ ડે’ ટેસ્ટ?
વર્ષ 1974-75 માં રમાયેલી એશિઝ શ્રેણી સાથે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ‘બોક્સિંગ ડે’ ટેસ્ટ મેચ રમવાની પરંપરા શરૂ કરી, જેમાં પ્રથમ દિવસની રમત 26 ડિસેમ્બરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ હતી.
ત્યારથી, આ ઐતિહાસિક મેલબોર્ન ગ્રાઉન્ડ પર બોક્સિંગ ડે ટેસ્ટ રમાઈ રહી છે. આનું એક મુખ્ય કારણ સ્ટેડિયમની બેઠક ક્ષમતા છે, જે લગભગ 1,00,000 દર્શકોને સમાવી શકે છે.
‘બોક્સિંગ ડે’ ટેસ્ટમાં કાંગારૂનો રેકોર્ડ
‘બોક્સિંગ ડે’ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ ખૂબ જ જોરદાર છે. ઓસ્ટ્રેલિયાએ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર 117 મેચ રમી છે, જેમાંથી 68 જીતી છે અને 32 માં હાર મળી છે.
વધુમાં, વર્ષ 2000 થી MCG ખાતે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ દર્શાવે છે કે, તેઓએ 25 મેચ રમી છે, જેમાંથી 19 જીતી છે અને ફક્ત 4 માં હારનો સામનો કરવો પડ્યો છે.
