શુભમન ગિલને પરેશાન કરનાર બોલરની 3 વર્ષ બાદ ટીમમાં થઈ વાપસી
માન્ચેસ્ટરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે શ્રીલંકાને 4 વિકેટે હરાવ્યું હતું, પરંતુ આ મેચમાં ઈંગ્લેન્ડને બીજા દાવમાં પરસેવો છૂટી ગયો હતો, કારણ કે ફાસ્ટ બોલર માર્ક વુડ ઈજાના કારણે મેચમાંથી બહાર થઈ ગયો હતો. જોકે હવે ઈંગ્લેન્ડની ટીમમાં માર્ક વૂડના સ્થાને વધુ એક ફાસ્ટ બોલરની એન્ટ્રી થઈ છે, જેણે શુભમન ગિલને ખૂબ પરેશાન કર્યો હતો.
પોતાની પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવાનો પ્રયાસ કરી રહેલી ઈંગ્લેન્ડની ટીમ અત્યારે થોડી મુશ્કેલીમાં છે. સૌપ્રથમ, ટીમનો અનુભવી કેપ્ટન બેન સ્ટોક્સ ઈજાના કારણે પહેલાથી જ શ્રીલંકા સામેની શ્રેણીમાંથી બહાર છે. તેના ઉપર શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર બોલિંગ કરનાર ઝડપી બોલર માર્ક વૂડ પણ બાકીની 2 મેચમાંથી બહાર થઈ ગયો છે. આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડે પોતાની ટીમમાં 6 ફૂટ 7 ઈંચ ઊંચા બોલરનો સમાવેશ કર્યો હતો, પરંતુ ઈંગ્લેન્ડે બીજી ટેસ્ટ મેચ માટે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં આ બોલરને તક આપી ન હતી. 3 વર્ષ બાદ ઈંગ્લિશ ટીમે ટીમ ઈન્ડિયા સામે પણ પોતાની તાકાત દેખાડનાર પેસરને તક આપી છે. નામ છે- ઓલી સ્ટોન.
માર્ક વુડ ઈજાગ્રસ્ત થયો
ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ સિરીઝની બીજી મેચ 29 ઓગસ્ટથી લોર્ડ્સમાં રમાશે. માન્ચેસ્ટરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં શ્રીલંકાએ યજમાન ટીમને જોરદાર ટક્કર આપી હતી, પરંતુ ચોથા દાવમાં જો રૂટની આક્રમક બેટિંગના આધારે ઈંગ્લેન્ડે 4 વિકેટે જીત મેળવીને શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી હતી. જો કે, શ્રીલંકાની બીજી ઈનિંગ દરમિયાન ઝડપી બોલર માર્ક વુડ ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે ઈંગ્લેન્ડની બોલિંગ પર અસર થઈ હતી. આ પછી, વુડના આખી શ્રેણીમાંથી બહાર હોવાના સમાચાર આવ્યા હતા.
આ ફાસ્ટ બોલર 3 વર્ષ બાદ પરત ફર્યો
માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડની જીત થઈ હતી પરંતુ લોર્ડ્સમાં જીતનો રસ્તો સરળ નથી. તેનું કારણ વુડની ગેરહાજરી પણ છે, જેણે પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકાના બેટ્સમેનો પર ઘણું દબાણ કર્યું હતું. હવે, વુડની અછતને પુરી કરવા માટે, ઈંગ્લેન્ડે ઓલી સ્ટોનને પ્લેઈંગ ઈલેવનમાં તક આપી છે. ઈંગ્લેન્ડે મંગળવારે 27 ઓગસ્ટે બીજી ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી હતી જેમાં માત્ર એક ફેરફાર કરવામાં આવ્યો હતો. વુડની જગ્યાએ જમણા હાથના ફાસ્ટ બોલર સ્ટોનને તક આપવામાં આવી છે. આ રીતે 30 વર્ષનો આ ઝડપી બોલર ત્રણ વર્ષ બાદ ટેસ્ટ મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. સ્ટોને 2019માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને તેણે અત્યાર સુધી માત્ર 3 ટેસ્ટ મેચ રમી છે.
સ્ટોને શુભમન ગિલને પરેશાન કર્યો હતો
સ્ટોને ટીમ ઈન્ડિયા સામે ચેન્નાઈમાં મેચ પણ રમી હતી. ઈંગ્લેન્ડના 2021ના ભારત પ્રવાસ દરમિયાન રમાયેલી આ ટેસ્ટમાં સ્ટોને બધાને પ્રભાવિત કર્યા હતા. તેણે પોતાની પહેલી જ ઓવરમાં ભારતીય ઓપનર શુભમન ગિલને પરેશાન કરી દીધો હતો. તેણે માત્ર 3 બોલમાં ગિલને ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત મોકલી દીધો હતો.
આ પણ વાંચો: 10 સિક્સર, 136 રન…ટીમ ઈન્ડિયાનો આ બેટ્સમેન બન્યો ‘સિક્સર મશીન’, રોહિતનું વધાર્યું ટેન્શન!