ટેસ્ટ કારકિર્દીની પહેલી સદી જ યાદગાર બની, પડિક્કલે 150+ રન બનાવી દ્રવિડ-પુજારાની બરાબરી કરી
શ્રીલંકા સામેની ગાલે ટેસ્ટમાં દેવદત્ત પડિક્કલે શાનદાર પ્રદર્શન કરતા 167 રનની યાદગાર ઈનિંગ રમી છે. પોતાની આ ક્લાસી ઈનિંગના દમ પર તે રાહુલ દ્રવિડ અને ચેતેશ્વર પુજારા જેવા દિગ્ગજોના ખાસ ક્લબમાં પણ જોડાઈ ગયો છે.

શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે દેવદત્ત પડિક્કલે 131 રનથી આગળ રમવાનું શરૂ કર્યું. પડિક્કલને એક ખાસ ક્લબમાં જોડાવા માટે 19 રનની જરૂર હતી, જે કામ તેણે 86 મી ઓવરમાં કરી નાખ્યું હતું. વરસાદના કારણે પ્રથમ અને બીજા સત્રની રમત થઈ શકી નહોતી.
જણાવી દઈએ કે, રમત ચાર કલાક 30 મિનિટના વિલંબથી શરૂ થઈ હતી. ભારતે તેની પહેલી ઈનિંગ બે વિકેટે 288 રનથી આગળ રમવાનું શરૂ કર્યું. પડિક્કલે જેવા જ 150 રનનો આંકડો સ્પર્શ્યો કે, તરત જ એક ખાસ ક્લબમાં જોડાઈ ગયો. પડિક્કલે 86 મી ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને 150 રનનો આંકડો પાર કર્યો.
ત્રીજો ભારતીય બન્યો ‘પડિક્કલ’
આ સાથે જ પડિક્કલ રાહુલ દ્રવિડ અને ચેતેશ્વર પુજારાની ખાસ ક્લબમાં જોડાઈ ગયો. પડિક્કલ ત્રીજો ભારતીય બેટ્સમેન બની ગયો, જેણે નંબર 3 પર રમતા શ્રીલંકા સામે 150 પ્લસ રન બનાવ્યા. રાહુલ દ્રવિડે વર્ષ 2009 માં 177 રનની ઈનિંગ રમી હતી, જ્યારે વર્ષ 2017 માં આ જ મેદાન પર ચેતેશ્વર પુજારાએ 153 રન બનાવ્યા હતા.
પડિક્કલ પાસેથી આશા હતી કે, તે પ્રથમ વખત બેવડી સદી ફટકારશે પરંતુ પડિક્કલ 167(230) રન બનાવીને 5મી વિકેટ તરીકે આઉટ થયો. તેને પ્રભાત જયસૂર્યાએ પોતાનો શિકાર બનાવ્યો. પડિક્કલે 15 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો.
કારકિર્દીની પ્રથમ સદી ફટકારી
ગાલે ટેસ્ટના પ્રથમ દિવસે પડિક્કલે પોતાની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. તેણે 134 બોલમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી સદી પૂરી કરી હતી.
પડિક્કલની સદીની ઈનિંગના દમ પર ભારતે પ્રથમ દિવસે 2 વિકેટના નુકસાને 288 રન બનાવ્યા હતા. દેવદત્ત પડિક્કલે કેએલ રાહુલ સાથે બીજી વિકેટ માટે 150 રનની ભાગીદારી કરી અને ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાંથી ઉગારી લીધી. બીજા દિવસના રમતના અંતે ભારતીય ટીમનો સ્કોર 460 રન હતો. જણાવી દઈએ કે, ટીમની 9 વિકેટ પડી ચૂકી છે.
