Breaking News: બે વખતની ચેમ્પિયન ટીમ ODI વર્લ્ડ કપમાંથી થશે બહાર ? પાકિસ્તાનની હારથી સમીકરણ ખોરવાયું
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનની હાર બાદ બે વારની વર્લ્ડ ચેમ્પિયન ટીમની ચિંતા વધી ગઈ છે. આ ટીમની સીધા ક્વોલિફાય થવાની આશા ઠગારી નીવડી છે. દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં રમાનાર 2027ના ODI વર્લ્ડ કપમાંથી તેઓ બહાર થઈ શકે છે.
બાંગ્લાદેશે તાજેતરમાં જ ઘરઆંગણે પાકિસ્તાનને 2-1થી હરાવ્યું, જેનાથી 2027 ODI વર્લ્ડ કપ માટે ક્વોલિફિકેશનની રેસમાં મોટો ફેરફાર થયો છે. પાકિસ્તાન સામે બાંગ્લાદેશે 290 રનના લક્ષ્યનો બચાવ કર્યો અને 11 રનથી જીત મેળવી, જેનાથી બાંગ્લાદેશના રેન્કિંગમાં સુધારો થયો. તેઓ હાલમાં 10મા ક્રમે છે. પરંતુ બાંગ્લાદેશનું આ સારું પ્રદર્શન બે વખતની ચેમ્પિયન ટીમ માટે ચિંતાનો વિષય બની ગયું છે.
પાકિસ્તાનની હારથી વેસ્ટ ઈન્ડિઝનું વધ્યું ટેન્શન
પાકિસ્તાનની હારથી વેસ્ટ ઈન્ડિઝની સીધા ક્વોલિફાય થવાની આશા પર પાણી ફરી વળ્યું છે. હકીકતમાં, બાંગ્લાદેશ લેટેસ્ટ ICC રેન્કિંગમાં 10મા ક્રમેથી 9મા ક્રમે પહોંચી જશે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ 9મા ક્રમેથી 10મા ક્રમે આવી જશે. શ્રેણી હાર બાદ પાકિસ્તાનના પોઈન્ટમાં થોડો ઘટાડો થશે છતાં તે ચોથું સ્થાન જાળવી રાખશે. પરંતુ હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ICC રેન્કિંગ 2027 ODI વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થવા પર કેવી અસર કરશે?
ICC રેન્કિંગની ટોપ 8 ટીમો સીધી ક્વોલિફાય
2027નો ODI વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં રમાશે. કુલ 14 ટીમો ભાગ લેશે, જેમાં દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે પહેલાથી જ યજમાન દેશ હોવાથી ક્વોલિફાય થઈ ચૂક્યા છે. બાકીના આઠ સ્થાનો ICC ODI ટીમ રેન્કિંગમાં ટોચની આઠ ટીમોને આપવામાં આવશે.
નવમા ક્રમાંકિત ટીમ પણ થશે ક્વોલિફાય
નવમા ક્રમાંકિત ટીમ પણ સીધી ક્વોલિફાય થઈ શકે છે, કારણ કે દક્ષિણ આફ્રિકા ટોચના આઠમાં છે. આવા કિસ્સામાં, નવમા ક્રમાંકિત ટીમ તેના સ્થાને ક્વોલિફાય થશે. જો કે, દસમા કે તેથી નીચેના ક્રમાંકિત ટીમોએ ક્વોલિફાયરમાં રમવાનું રહેશે.
વેસ્ટ ઈન્ડિઝે રેન્કિંગમાં સુધારો કરવાની જરૂર
વેસ્ટ ઈન્ડિઝ એક પણ મેચ રમ્યા વિના રેન્કિંગમાં ભારે ઘટાડાનો સામનો કરી રહ્યું છે. તેમની આગામી ODI શ્રેણી સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ભારત સામે થવાની ધારણા છે, પરંતુ જો તેઓ પોઈન્ટ એકઠા કરવામાં નિષ્ફળ જાય, તો તેમને ક્વોલિફાયરમાં રમવાની ફરજ પડી શકે છે.
બાંગ્લાદેશે ક્વોલિફાય થવાનો દાવો મજબૂત કર્યો
બે વખતની વર્લ્ડ ચેમ્પિયન (1975 અને 1979) વેસ્ટ ઈન્ડિઝ પાછલી આવૃત્તિમાં ક્વોલિફાયરમાં નિષ્ફળ ગઈ હતી. તેઓ 2023 વર્લ્ડ કપ માટે ક્વોલિફાયરમાં પણ રમ્યા હતા, જ્યાં તેઓ હારી ગયા હતા. બીજી તરફ, બાંગ્લાદેશે આ જીત સાથે 2027ના વર્લ્ડ કપમાં સીધા સ્થાન મેળવવાનો પોતાની દાવો મજબૂત કરી દીધો છે. હવે તેમની પાસે ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકા સામે શ્રેણી છે, જ્યાં સારા પ્રદર્શનથી તેઓ આગળ વધી શકે છે.

