GST Breaking : વેપારીઓને દિવાળી ભેટ, ₹10 હજારથી ઓછા ટેક્સ પર નોટિસ કે ધરપકડ નહીં, જાણો ક્યારથી બદલાશે GSTના નિયમો
57મી GST કાઉન્સિલની બેઠકમાં કરદાતાઓને મોટી રાહત આપવામાં આવી છે. ₹10 હજાર સુધી ડિમાન્ડ નોટિસ નહીં મોકલવા, ધરપકડની જોગવાઈ નાબૂદ કરવા અને પેનલ્ટી ઘટાડવા જેવા મહત્વના નિર્ણયો લેવાયા છે.

57મી GST કાઉન્સિલની બેઠકમાં કરદાતાઓને રાહત આપતા ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો પર સહમતિ બની છે. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બેઠક બાદ જણાવ્યું હતું કે GST હેઠળ 10 હજાર રૂપિયાથી ઓછી ટેક્સ રકમ માટે ડિમાન્ડ નોટિસ મોકલવામાં આવશે નહીં. આ ઉપરાંત GST હેઠળ ધરપકડની જોગવાઈ હટાવવા અને કાયદેસર કાર્યવાહી (પ્રોસિક્યુશન) માટેની લિમિટ વધારવાની ભલામણ કરવામાં આવી છે. જોકે, આ ફેરફારો 1 એપ્રિલ 2027થી લાગુ કરવાની પ્રક્રિયા શરૂ થશે.
વર્ષમાં માત્ર એક જ વાર બદલાશે GSTના દરો
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે હવે GST દરોમાં વાર્ષિક માત્ર એક જ વાર ફેરફાર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે દરોમાં ફેરફારનો નિર્ણય 1 એપ્રિલથી જ અમલમાં મૂકવામાં આવશે. આનાથી વેપારીઓ અને કરદાતાઓને ટેક્સ સિસ્ટમમાં વધુ સ્થિરતા મળશે તેવી આશા છે.
10 હજારથી ઓછા ટેક્સ પર ડિમાન્ડ નોટિસ નહીં મોકલાય
બેઠક બાદ નાણાં મંત્રીએ જણાવ્યું કે 10 હજાર રૂપિયાથી ઓછી રકમ માટે કોઈ GST ડિમાન્ડ નોટિસ મોકલવામાં આવશે નહીં. સરકારના આ પગલાનો હેતુ નાના કેસોમાં ટેક્સ વહીવટી પ્રક્રિયાને સરળ બનાવવાનો અને કરદાતાઓ પર બિનજરૂરી નિયમોનું પાલન કરવાનો બોજ ઘટાડવાનો છે.
ITC અંગે પેચ ફસાયો, અધિકારીઓની કમિટી કરશે સમીક્ષા
બેઠકમાં CGST એક્ટની કલમ 16(2)(c)માં સુધારા અંગે પણ ચર્ચા થઈ હતી. વર્તમાન નિયમ મુજબ જો સપ્લાય ચેઈનમાં કોઈ પણ સ્તરે સપ્લાયરે ટેક્સ જમા ન કરાવ્યો હોય અથવા બોગસ ITCનો મામલો સામે આવે, તો અંતિમ અને વાસ્તવિક કરદાતાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) પણ અટકી શકે છે.
#WATCH | Delhi | 57th GST Council meeting | Union Finance Minister Nirmala Sitharaman says, “The Council recommended removing arrest powers under GST. Council recommended raising the prosecution threshold from Rs 1 crore to Rs 5 crore. Anything below Rs 5 crore no prosecution and reducing the general penalty from Rs 25,000 to Rs 10,000”
— ANI (@ANI) October 8, 2026
GSTમાં ધરપકડ કરવાની સત્તા હટાવવાની ભલામણ
કાઉન્સિલે GST હેઠળ ધરપકડની જોગવાઈ નાબૂદ કરવાની ભલામણ કરી છે. આ સાથે કાયદેસર કાર્યવાહી માટે ટેક્સની મર્યાદા 1 કરોડ રૂપિયાથી વધારીને 5 કરોડ રૂપિયા કરવાની ભલામણ કરાઈ છે. એટલે કે 5 કરોડ રૂપિયાથી ઓછાના કેસોમાં સીધી કાર્યવાહી નહીં કરવાનો પ્રસ્તાવ છે.
25 હજારની સામાન્ય પેનલ્ટી ઘટીને 10 હજાર રૂપિયા થશે
GST સિસ્ટમમાં સામાન્ય પેનલ્ટી પણ ઘટાડવાની ભલામણ કરવામાં આવી છે. નાણાં મંત્રીના જણાવ્યા અનુસાર, હાલની સામાન્ય પેનલ્ટીની 25 હજાર રૂપિયાની મર્યાદા ઘટાડીને 10 હજાર રૂપિયા કરવાનો પ્રસ્તાવ છે. સરકારનું માનવું છે કે આનાથી નાના નિયમ-પાલન સંબંધિત કેસોમાં વેપારીઓને મોટી રાહત મળશે.
3 મહિનામાં રિપોર્ટ આપશે અધિકારીઓની કમિટી
અધિકારીઓની સમિતિને ત્રણ મહિનામાં રિપોર્ટ આપવા જણાવાયું છે. રિપોર્ટ આવ્યા બાદ GST કાઉન્સિલની બેઠક બોલાવીને આખરી નિર્ણય લેવાશે. નાણાં મંત્રીએ સ્પષ્ટ કર્યું કે આ મુદ્દે હજુ સુધી આખરી નિર્ણય લેવામાં આવ્યો નથી.
1 એપ્રિલ 2027થી લાગુ થશે પ્રક્રિયાગત સુધારાઓ
નિર્મલા સીતારમણે જણાવ્યું કે બેઠકના એજન્ડામાં સામેલ લગભગ તમામ મુદ્દાઓ પર સહમતિ બની છે. બે મુદ્દાઓની સમીક્ષા માટે અધિકારીઓની કમિટી રચવામાં આવી છે. આ તમામ પ્રક્રિયાગત સુધારાઓને 1 એપ્રિલ 2027થી લાગુ કરવાનો લક્ષ્યાંક રખાયો છે.
આ બેઠકમાં GSTના દરોમાં કોઈ ફેરફાર નહીં
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે એ પણ સ્પષ્ટ કર્યું કે 57મી GST કાઉન્સિલની બેઠકમાં GSTના દરોમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. દરો અંગેના નિર્ણયો વર્ષમાં એક જ વાર લેવા પર ભાર મુકાયો છે. અધિકારીઓની કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ બાકી બાબતો પર આખરી નિર્ણય લેવાશે.
