Breaking News: ગુવાહાટી ટેસ્ટ પહેલા મોટા સમાચાર, શુભમન ગિલ પછી વધુ બે ખેલાડીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ 22 નવેમ્બરથી ગુવાહાટીમાં રમાશે, પરંતુ તે પહેલા મોટા સમાચાર એ છે કે બે સ્ટાર ખેલાડીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોલકાતા ટેસ્ટમાં કેપ્ટન શુભમન ગિલ ઈજાના કારણે બહાર થયો હતો અને હવે વધુ બે ખેલાડીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા ટીમ મેનેજમેન્ટની ચિંતા વધી છે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલને ઈજા થઈ હતી, જેના કારણે તે રીટાયર્ડ હર્ટ થયો હતો. હવે, સમાચાર સામે આવ્યા છે કે ગુવાહાટી ટેસ્ટ પહેલા વધુ બે ખેલાડીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિમ હાર્મર અને માર્કો યાન્સનને કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. કોલકાતા ટેસ્ટમાં ચમકેલા આ બે દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓને હવે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
યાન્સન-હાર્મર હોસ્પિટલમાં દાખલ
એક રિપોર્ટ અનુસાર, દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર માર્કો જેન્સન અને સિમોન હાર્મરને કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં ચેકિંગ માટે લઈ જવામાં આવ્યા હતા. જોકે, હજુ સુધી સ્પષ્ટ નથી કે તેમને શું થયું છે. ઈજાના કોઈ અહેવાલો બહાર આવ્યા નથી, પરંતુ શક્ય છે કે હાર્મર અને જેન્સનને ફૂડ પોઈઝનિંગ થયું હોય શકે. પરંતુ, જો બંને ખેલાડીઓ ઘાયલ થાય છે, તો તે દક્ષિણ આફ્રિકા માટે એક મોટો ફટકો હશે, કારણ કે બંને ખેલાડીઓએ કોલકાતા ટેસ્ટમાં ટીમની જીતમાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
હાર્મરે 8 અને યાન્સને 5 વિકેટ લીધી હતી
ભારત સામેની કોલકાતા ટેસ્ટમાં સિમોન હાર્મરને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે બંને ઈનિંગમાં ચાર-ચાર વિકેટ મળી મેચમાં કુલ આઠ વિકેટ લીધી હતી. જોકે, હાર્મરનું માનવું હતું કે આ એવોર્ડ ટેમ્બા બાવુમાને મળવો જોઈએ, જેની બીજી ઈનિંગમાં અડધી સદીએ ટીમની જીતનો પાયો નાખ્યો હતો. માર્કો યાન્સને પણ મેચમાં પાંચ વિકેટ લીધી હતી, જેમાં બીજી ઈનિંગમાં કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલને આઉટ કરી છેલ્લી ઈનિંગમાં આફ્રિકાને જોરદાર શરૂઆત અપાવી હતી અને ટીમમાં જુસ્સો વધારી દીધો હતો.
શુભમન ગિલનું રમવું નિશ્ચિત નથી
ભારતીય કેપ્ટન શુભમન ગિલની વાત કરીએ તો, ગુવાહાટી ટેસ્ટમાં રમી શકશે તેવી શક્યતા ઓછી છે. કોલકાતા ટેસ્ટ દરમિયાન તેને ગરદનમાં ઈજા થઈ હતી. તેને ફ્લાઈટમાં ન બેસવાની પણ સલાહ આપવામાં આવી છે. ગિલ ODI શ્રેણી માટે ફિટ થશે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે, અને આ પ્રશ્નનો જવાબ આગામી 24 કલાકમાં મળી શકે છે.
આ પણ વાંચો: Ravichandran Smaran : ભારતનું નવું રન મશીન, ફટકારી ત્રીજી બેવડી સદી, સરેરાશ 147 થી વધુ
