U19 વર્લ્ડ કપ 2026 : ભારતીય કેપ્ટન સાથે હાથ ના મેળવવા બદલ બાંગ્લાદેશે સ્પષ્ટતા કરી, ખેલાડીઓને આપી સૂચના
IND vs BAN, U19 World Cup 2026: બાંગ્લાદેશના ક્રિકેટ કેપ્ટને. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન સાથે હાથ ન મિલાવવા બદલ, બાગ્લાદેશ ક્રિકેટ બોર્ડને આખરે સ્પષ્ટતા કરવાની ફરજ પડી છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે, જે બન્યું તે અજાણતા બન્યું હતું અને આ ઘટનાને બાગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ગંભીરતાથી લીધી છે.

IND U19 vs BAN U19: બાંગ્લાદેશ સામે અંડર-19 વર્લ્ડ કપ 2026 મેચનું પરિણામ ભારતના પક્ષમાં ગયું. જોકે, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને મેચ શરૂ થતા પહેલા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન સાથે હાથ ના મિલાવવાના વિવાદ અંગે સ્પષ્ટતા કરવાની ફરજ પડી છે. ભારત-બાંગ્લાદેશ મેચમાં ટોસ દરમિયાન બનેલી ઘટનાએ વિવાદ સર્જ્યો હતો. જોકે, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે, પાછળથી દુ:ખ વ્યક્ત કર્યું અને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું. બોર્ડનું કહેવું છે કે જે બન્યું તે અજાણતામાં થયુ હતું. તેમણે તેમના ખેલાડીઓને સાવચેતી રાખવા સૂચના આપી છે.
ટોસ દરમિયાન ભારત-બાંગ્લાદેશના કેપ્ટનોએ હાથ ના મેળવતા વિવાદ
આ સમગ્ર વિવાદ ભારત-બાંગ્લાદેશ મેચ દરમિયાન ટોસ દરમિયાન બનેલી એક ઘટના અંગે છે. ભારતના કેપ્ટન આયુષ મ્હાત્રે ભારત તરફથી ટોસ કરવા મેદાનમાં આવ્યા હતા. જોકે, બાંગ્લાદેશના ઉપ-કેપ્ટન જવાદ અબરાર, બાગ્લાંદેશના કેપ્ટન અઝીઝુલ હકીમને બદલે ટોસ કરવા આવ્યા હતા. આ તો ઠીક હતું. પરંતુ જ્યારે, ટોસ પૂરો થયા પછી, બંને ટીમના કેપ્ટનોએ એકબીજા સાથે હાથ મિલાવ્યો ના હતો. બાંગ્લાદેશના ઉપ-કેપ્ટન જવાદ અબરાર અને ભારતીય કેપ્ટન આયુષ મ્હાત્રે હાથ મિલાવતા જોવા મળ્યા ના હતા. પરિણામે, વિવાદ વધ્યો હતો.
બીસીબીએ હાથ ના મિલાવવાની ઘટનાની લીધી નોંધ
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે હવે આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે, અને સ્પષ્ટતા કરી છે. બીસીબીએ (બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે) શરૂઆતમાં તેના કેપ્ટનની ટોસમાંથી ગેરહાજરીનું કારણ સમજાવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે નિયમિત કેપ્ટન અઝીઝુલ હકીમ બીમારીને કારણે ટોસ ઉછાળવાની કાર્યવાહીમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા, અને ઉપ-કેપ્ટન જવાદ અબરાર ટીમનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. તેથી તે ટોસની કાર્યવાહી કરવા માટે મેદાનમાં ઉતર્યો હતો. જો કે ટોસ ઉછાળ્યા બાદ તેણે હાથ ન મિલાવવાની ઘટના પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.
આ ઘટના અજાણતા બની, કોઈ અનાદરનો ઈરાદો નહોતો – બાંગ્લાદેશ
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન સાથે હાથ ના મિલાવવાની ઘટના સંપૂર્ણપણે અજાણતા બની હતી. અમારા કેપ્ટનના મગજમાંથી નીકળી ગયું હતું. આમ કરવાથી ભારતીય કેપ્ટનનો અનાદર કે અપમાન કરવાનો અમારો કોઈ ઈરાદો નહોતો.
BCB Statement on Toss-Related Incident in U19 World Cup Opener
The Bangladesh Cricket Board (BCB) has taken note of an inadvertent and unwarranted action that occurred at the toss prior to the opening match of the ICC Under 19 World Cup 2026, Zimbabwe & Namibia, between… pic.twitter.com/st9HbTDcGH
— Bangladesh Cricket (@BCBtigers) January 17, 2026
બીસીબીએ વધુમાં જણાવ્યું હતું કે, બોર્ડે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લીધી છે, કારણ કે ક્રિકેટની ભાવના જાળવી રાખવી અને વિરોધી ટીમનો આદર કરવો એ કોઈપણ સ્તરે બાંગ્લાદેશનું પ્રતિનિધિત્વ કરવા માટે મૂળભૂત શરત છે. ટીમ મેનેજમેન્ટને તાત્કાલિક જાણ કરવામાં આવી છે.
બીસીબીએ ખેલાડીઓને સૂચનાઓ આપી
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે, તેણે ખેલાડીઓને કડક સૂચનાઓ પણ આપી છે કે વિરોધી ટીમો સાથેની બધી ક્રિયા પ્રતિક્રિયાઓમાં રમતગમત, સૌહાર્દ અને પરસ્પર આદરના ઉચ્ચતમ ધોરણો જાળવવાની જવાબદારી તેમની છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ મેદાન પર અને બહાર ક્રિકેટના મૂલ્યો પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
મેચ પછી હાથ મિલાવ્યા
જોકે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ સમાપ્ત થયા પછી, બંને ટીમોના ખેલાડીઓ મેદાનમાં હાથ મિલાવતા જોવા મળ્યા હતા, જે રમતગમત ભાવનાનું એક નોંધપાત્ર ઉદાહરણ છે. ભારતે ગઈકાલ શનિવારને 17 જાન્યુઆરીએ બાંગ્લાદેશ સામે અંડર-19 વર્લ્ડ કપ 2026 ની મેચ ડકવર્થ-લુઇસ પદ્ધતિનો ઉપયોગ કરીને 18 રનથી જીતી હતી.