ભારતીય ટીમ એશિયા કપ 2023 માટે પાકિસ્તાનનો પ્રવાસ ખેડનાર નથી. એશિયા કપ માટેનુ આયોજન આ વખતે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની પાસે છે. આ દરમિયાન પાકિસ્તાનનો પ્રવાસ ભારતીય ટીમ નહીં ખેડે એવુ પહેલાથી જ બીસીસીઆઈના સચિવ જય શાહે એક નિવેદનમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ હતુ. ત્યારબાદથી પાકિસ્તાન દ્વારા અનેક પ્રકારે નિવેદનો કરવામાં આવે છે. ઠીક તો ઠીક પાકિસ્તાને વિશ્વકપનો બહિષ્કાર કરવાનુ કહી દીધુ હતુ. પરંતુ હવે તો પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન જાવેદ મીયાંદાદે હવે આ મામલે નિવેદન કર્યુ છે. મીયાદાંદે તો અજીબોગરીબ નિવેદન કરી દીધુ છે.
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન જાવેદ મીયાંદાદે ટીમ ઈન્ડિયાના પાકિસ્તાન પ્રવાસ નહીં ખેડવાને લઈ નિવેદન કરતા કહ્યુ હતુ કે, સુરક્ષાને ભૂલી જવુ જોઈએ. મીયાંદાદે આગળ કારણ બતાવતા કહ્યુ હતુ કે, જ્યારે મોત આવવાનુ છે, ત્યારે આવવાનુ જ છે. જિંદગી અને મોત તો ઉપર વાળાના હાથમાં છે.
ટીમ ઈન્ડિયા પાકિસ્તાન પ્રવાસે નહીં જવાને લઈ મીયાંદાદે કંઈક એવી આશા રાખી છે કે, ભારતીય ટીમ પાકિસ્તાનમાં ક્રિકેટ રમવા માટે આવે. મીયાંદાદનુ કહેવુ છે કે, પાકિસ્તાનની ટીમને આજે બોલાવશો તો, તે જશે. પરંતુ ભારતે પણ પાછુ આવવુ પડશે. અંતિમ વાર પાકિસ્તાને ભારતીય ધરતી પર કદમ રાખ્યા હતા, પરંતુ તેઓ નહોતા આવ્યા. જાવેદ મીયાંદાદે આગળ કહ્યુ કે, હવે ટીમ ઈન્ડિયાએ આવવાનો વારો છે.
મુંબઈમાં 2008 માં જ્યારે આંતકવાદી હુમલો થયો હતો. ત્યારથી ભારતે પાકિસ્તાનનો પ્રવાસ ખેડવાનુ બંધ કરી દીધુ હતુ. બંને વચ્ચે અંતિંમ દ્વીપક્ષીય સિરીઝ 2012-13 માં રમાઈ હતી. ત્યાર બાદ છેલ્લા દશ વર્ષથી બંને દેશની ટીમો વચ્ચે કોઈ જ સિરીઝ રમાઈ નથી. હવે માત્ર આઈસીસી ઈવેન્ટ અને એશિયા કપમાં જ બંને ટીમો એક બીજા સામે ટકરાય છે.
આગામી એશિયા કપ વનડે ફોર્મેટમાં રમાનાર છે. ટૂર્નામેન્ટનુ આયોજન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પાસે છે. પાકિસ્તાનમાં ટૂર્નામેન્ટનુ આયોજન કરવામાં આવશે તો, ભારતીય ટીમ પ્રવાસ નહીં ખેડે. આમ ટૂર્નામેન્ટમાં પોતાની ટીમ નહીં મોકલે. બીજી તરફ હવે એશિયા કપને પાકિસ્તાનને બદલે અન્ય તટસ્થ સ્થળે આયોજન કરવામાં આવી શકે છે.
આમ યુએઈ અને ઓમાનમાં એશિયા કપનુ આયોજન કરવામાં આવી શકે છે. આમ જ થશે તો, પાકિસ્તાનને મોટુ નુક્શાન થઈ શકે છે. તો વળી આ દરમિયાન ભારતીય ટીમની મેચોનુ આયોજન પાકિસ્તાન બહારના દેશમાં કરવામાં આવી શકે છે. આમ હવે એશિયા કપનુ આયોજન ક્યા થશે એ હજુ અનિશ્ચિત છે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…