IND vs PAK : ભારત-પાકિસ્તાન મેચ માટે અમ્પાયરોની જાહેરાત, એશિયા કપમાં આ 2 ભારતીયોને પણ કરશે અમ્પાયરિંગ
એશિયા કપ 2025ના ગ્રુપ સ્ટેજની તમામ મેચો માટે અમ્પાયરો અને મેચ રેફરીઓની જાહેરાત કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટમાં કુલ 10 અમ્પાયરો આ જવાબદારી સંભાળશે, જ્યારે 2 મેચ રેફરી આ ટુર્નામેન્ટની દરેક મેચ પર નજર રાખશે. ભારતના પણ 2 અમ્પાયરો આ ટુર્નામેન્ટમાં અમ્પાયરિંગ કરશે.

એશિયા કપ 9 સપ્ટેમ્બર મંગળવારથી UAEમાં શરૂ થશે, જે 28 સપ્ટેમ્બર સુધી ચાલશે. ટુર્નામેન્ટમાં ભાગ લેનારી તમામ 8 ટીમોની જાહેરાત થઈ ચૂકી છે અને બધી ટીમો UAE પહોંચી પણ ગઈ છે. ટીમોની સાથે, આ ટુર્નામેન્ટની દરેક મેચનું નિરીક્ષણ કરનારા અમ્પાયરો અને મેચ રેફરીઓની પણ જાહેરાત કરવામાં આવી છે.
એશિયા કપ માટે અમ્પાયરોની જાહેરાત
ફાઈનલ પહેલા, ટુર્નામેન્ટની સૌથી મહત્વપૂર્ણ ભારત-પાકિસ્તાન મેચની કમાન શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના 3 અમ્પાયરોને સોંપવામાં આવી છે. ભારતના 2 અમ્પાયર પણ આ ટુર્નામેન્ટનો ભાગ બનશે. પરંતુ બંને ભારતીય અમ્પાયર ભારત-પાકિસ્તાન મહામુકાબલામાં અમ્પાયરિંગ નહીં કરે.
5 દેશના અમ્પાયર સામેલ
એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) એ ટુર્નામેન્ટ માટે મેચ ઓફિશિયલ્સની જાહેરાત કરી છે. હાલમાં, ફક્ત ગ્રુપ સ્ટેજ મેચો માટે અમ્પાયરો અને મેચ રેફરીની જાહેરાત કરવામાં આવી છે. તેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના અમ્પાયરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વેસ્ટ ઈન્ડિઝના રિચી રિચાર્ડસન અને ઝિમ્બાબ્વેના એન્ડી પાયક્રોફ્ટને સમગ્ર ટુર્નામેન્ટ માટે મેચ રેફરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ બંને સમગ્ર ટુર્નામેન્ટમાં દરેક મેચ પર નજર રાખશે.
ભારત-પાકિસ્તાન મેચના અમ્પાયર
આ ટુર્નામેન્ટમાં મોટાભાગની નજર ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર રહેશે, જે 14 સપ્ટેમ્બરે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ACC એ શ્રીલંકાના રુચિરા પલ્લીયાગુરુગે અને બાંગ્લાદેશના મસુદુર રહેમાનને ઓન-ફિલ્ડ અમ્પાયર તરીકે નિયુક્ત કર્યા છે. અફઘાનિસ્તાનના અહેમદ પક્તીન ટીવી અમ્પાયરની ભૂમિકામાં રહેશે, જ્યારે અફઘાનિસ્તાનના ઈઝતુલ્લાહ સફી ચોથા અમ્પાયર હશે, જે ઓન-ફિલ્ડ અમ્પાયરને સહાય કરશે. એન્ડી પાયક્રોફ્ટ આ મેચમાં મેચ રેફરી હશે.
ટુર્નામેન્ટમાં ભારતના 2 અમ્પાયર
બધા અમ્પાયરોની વાત કરીએ તો, ટુર્નામેન્ટ માટે કુલ 10 અમ્પાયરોની પસંદગી કરવામાં આવી છે. ભારત તરફથી વીરેન્દ્ર શર્મા અને રોહન પંડિત આ જવાબદારી નિભાવશે.જ્યારે પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને અફઘાનિસ્તાનના 2-2 અમ્પાયરો પણ આ ટુર્નામેન્ટનું નિરીક્ષણ કરશે.
10 અમ્પાયરો કરશે અમ્પાયરિંગ
આ 10 અમ્પાયરો એશિયા કપની મેચોનું નિરીક્ષણ કરશે – વીરેન્દ્ર શર્મા અને રોહન પંડિત (ભારત), અહેમદ પક્તીન અને ઈઝતુલ્લાહ સફી (અફઘાનિસ્તાન), રુચિરા પલ્લીયાગુરુગે અને રવિન્દ્ર વિમાલાસિરી (શ્રીલંકા), આસિફ યાકુબ અને ફૈઝલ આફ્રિદી (પાકિસ્તાન), ગાઝી સોહેલ અને મસુદુર રહેમાન (બાંગ્લાદેશ).
આ પણ વાંચો: Asia Cup 2025 : ભારત-પાકિસ્તાનના ખેલાડીઓએ હાથ ન મિલાવ્યા, બંને ટીમોએ એક જ મેદાન પર પ્રેક્ટિસ કરી
