ફાઈનલમાં હાર બાદ શુભમન ગિલે લીધા શપથ, કહ્યું- ‘જ્યાં સુધી વર્લ્ડ કપ નહીં જીતું ત્યાં સુધી હાર નહીં માનું’
શુભમન ગિલ પહેલીવાર વનડે વર્લ્ડ કપ રમ્યો હતો અને આમાં તેણે પોતાના બેટથી જોરદાર ધમાલ મચાવી હતી. તેણે એક પણ સદી ફટકારી ન હતી પરંતુ ચાર અડધી સદી ફટકારી હતી. જોકે, ફાઈનલમાં તેનું બેટ ન ચાલ્યું અને ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો, જે બાદ શુભમન ગિલે ઈમોશનલ પોસ્ટ કરી હતી.
ભારતીય ક્રિકેટ ટીમ વનડે વર્લ્ડ કપ 2023નો ખિતાબ જીતી શકી નથી. રોહિત શર્માની કપ્તાનીવાળી આ ટીમને ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ છ વિકેટે હરાવ્યું હતું. ભારત પાસે 12 વર્ષ બાદ ટાઈટલ જીતવાની તક હતી પરંતુ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ટાઈટલ મેચમાં ટીમ ઈન્ડિયા નિષ્ફળ રહી હતી. આ હાર બાદ ટીમનો દરેક ખેલાડી નિરાશ છે.
હાર બાદ શુભમનનું છલકાયું દર્દ
20 વર્ષ બાદ ફરી એકવાર ઓસ્ટ્રેલિયાએ ભારતને ઝટકો આપ્યો હતો. 2003માં ભારતીય ટીમને વનડે વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ઓપનર શુભમન ગિલ 2023ની હાર બાદ ખૂબ જ દુઃખી થયો છે, પરંતુ આ બેટ્સમેને હવે વર્લ્ડ કપ જીતના શપથ લીધા છે.
વર્લ્ડ કપ ફાઈનલમાં શુભમન ફ્લોપ રહ્યો
ગિલનો આ પહેલો વનડે વર્લ્ડ કપ હતો. ગિલે આ ટૂર્નામેન્ટમાં પોતાની બેટિંગથી ઘણો પ્રભાવિત કર્યો હતો. જોકે ફાઈનલમાં તેનું બેટ કામ નહોતું કર્યું. ટાઈટલ મેચમાં ગિલ ચાર રન બનાવીને આઉટ થયો હતો. તેને મિચેલ સ્ટાર્કે આઉટ કર્યો હતો.
View this post on Instagram
શુભમન ગિલની ઈમોશનલ પોસ્ટ
ગિલ માટે ફાઈનલની હાર પચાવવી મુશ્કેલ છે પરંતુ તેની અંદર એક આગ સળગી રહી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી છે અને આ પોસ્ટમાં તેણે લખ્યું, ’16 કલાક થઈ ગયા છે અને હજુ પણ ગઈ રાતની હાર મને ખૂબ જ દુઃખી કરી રહી છે. કેટલીકવાર બધું આપવું પણ પૂરતું નથી. આ મારી સફરમાં એક સીમાચિહ્નરૂપ હતું. પ્રશંસકોના સમર્થન માટે આભાર. આ અંત નથી અને જ્યાં સુધી વર્લ્ડ કપ નહીં જીતું ત્યાં સુધી હાર નહીં માનું’
વર્લ્ડ કપમાં ગિલનું પ્રદર્શન
પોતાના પહેલા વનડે વર્લ્ડ કપમાં ગિલ કુલ નવ મેચ રમ્યો જેમાં તેણે 44.25ની એવરેજથી 354 રન બનાવ્યા. આ દરમિયાન તેના બેટમાંથી ચાર અડધી સદી આવી. ગિલ સેમિ ફાઈનલ મેચમાં સદી ફટકારવાની નજીક આવ્યો હતો, પરંતુ પછી તેને ખેંચ આવી અને તેણે મેદાન છોડવું પડ્યું. બાદમાં તે પાછો ફર્યો પરંતુ તેને સદી ફટકારવાની તક મળી ન હતી કારણ કે ભારતીય ઈનિંગ્સ અંત તરફ હતી.