13 વર્ષીય બેટ્સમેનનો તરખાટ: 20 છગ્ગા અને 30 ચોગ્ગા ફટકારી બનાવ્યા 279 રન; પિતાના રિટાયરમેન્ટ પહેલાં સાથે રમવાની છે તમન્ના
ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમના કેપ્ટન સિકંદર રઝાના 13 વર્ષના પુત્ર ઈસા બટ્ટે અંડર-14 ક્રિકેટમાં ઈતિહાસ રચી દીધો છે. હેલેનિક એકેડેમી તરફથી કેપ્ટન ઇનિંગ્સ રમતા ઈસાએ માત્ર 146 બોલમાં 20 છગ્ગા અને 30 ચોગ્ગાની મદદથી અણનમ 279 રન ફટકાર્યા હતા. પિતાના સંન્યાસ પહેલાં તેમની સાથે આંતરરાષ્ટ્રીય મેચ રમવાનું સપનું જોતા આ યુવા બેટ્સમેનની તોફાની ઇનિંગ્સ વિશે વાંચો વિગતવાર.

કહેવત છે કે ‘પુત્રના લક્ષણ પારણામાંથી જ પરખાય છે’ અને ‘જેવા પિતા તેવો પુત્ર’. આ કહેવતને 13 વર્ષના ઈસા બટ્ટે ક્રિકેટના મેદાન પર સાચી સાબિત કરી બતાવી છે. પોતાના પિતાના પગલે ચાલીને ઈસા બટ્ટે પણ ક્રિકેટની પીચ પર પોતાનો પરચમ લહેરાવવાનું શરૂ કરી દીધું છે. ઈસા બટ્ટ ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમના કેપ્ટન સિકંદર રઝાના પુત્ર છે અને હાલમાં 20 ગગનચુંબી છગ્ગાની મદદથી રમેલી 279 રનની ઐતિહાસિક પારીને લઈને ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
146 બોલમાં 279 રન: 20 છગ્ગા અને 30 ચોગ્ગા
13 વર્ષીય ઈસા બટ્ટે અંડર-14 ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિરોધી બોલરોની લાઇન-લેન્થ વેરવિખેર કરી નાખી હતી. હેલેનિક એકેડેમી તરફથી રમતાં સીબીસી (CBC) સામે ઈસાએ માત્ર 146 બોલમાં 279 રનની આક્રમક પારી રમી હતી. 191.10 ના અસાધારણ સ્ટ્રાઇક રેટથી રમાયેલી આ ઇનિંગ્સમાં તેણે 20 છગ્ગા અને 30 ચોગ્ગા ફટકાર્યા હતા, એટલે કે માત્ર બાઉન્ડ્રીઝ દ્વારા જ તેણે 240 રન પોતાના નામે કર્યા હતા.
The son of Zimbabwe’s Sikandar Raza has just scored a mammoth 279 (146) including 30 fours and 20 sixes for Hellenic Academy U14 against CBC.
One of the finest ever Zimbabwe Schools batting displays https://t.co/7shIPzY8fB
— Adam Theo (@AdamTheofilatos) September 26, 2026
પિતાની જેમ જ ટીમનો કેપ્ટન અને વિકેટકીપર
જે રીતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સિકંદર રઝા ઝિમ્બાબ્વેની રાષ્ટ્રીય ટીમની કપ્તાની સંભાળે છે, તેવી જ રીતે ઈસા બટ્ટ પણ પોતાની ટીમ હેલેનિક એકેડેમીનો સુકાની છે. કપ્તાની ઉપરાંત તે વિકેટકીપિંગ પણ કરે છે. પોતાના ઓલરાઉન્ડર પિતાની જેમ તે પણ મેદાન પર મલ્ટી-સ્કિલ પ્લેયર તરીકે ઉભરી રહ્યો છે.
વિરાટ-ડિવિલિયર્સ આદર્શ, પિતા સાથે રમવાની છે ઇચ્છા
ઈસા બટ્ટ પોતાના પિતા સિકંદર રઝાને જ પોતાના રોલ મોડેલ માને છે, જ્યારે વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ અને બાબર આઝમ જેવા દિગ્ગજો તેના પ્રિય ક્રિકેટરો છે.
એક ઇન્ટરવ્યુ દરમિયાન ઈસા બટ્ટે પોતાની દિલની તમન્ના વ્યક્ત કરતાં કહ્યું હતું કે તે પોતાના પિતાના સંન્યાસ પહેલાં તેમની સાથે ઓછામાં ઓછી એક મેચ રમવા માંગે છે. ઈસાના જણાવ્યા મુજબ, તેના પિતાની ઉંમર વધી રહી છે અને તેઓ નિવૃત્તિની નજીક પહોંચી રહ્યા છે. તેને આશા છે કે જ્યાં સુધી તે 18 વર્ષનો થઈને પ્રોફેશનલ ટીમમાં સ્થાન મેળવે ત્યાં સુધી તેના પિતા ઓછામાં ઓછા કોઈ એક ફોર્મેટમાં રમતા રહે, જેથી બંને સાથે મેદાન પર ઉતરી શકે અને તે પછી તેના પિતા ક્રિકેટમાંથી આદરપૂર્વક નિવૃત્તિ લઈ શકે.
