કોમનવેલ્થ ગેમ્સ (CWG 2022) શરુ થવાને હવે ખૂબ ઓછો સમય રહ્યો છે. બર્મિંગહામમાં 28 જુલાઈથી આ ગેમ્સ શરૂ થશે. આ ટુર્નામેન્ટમાં ભારતની 215 સભ્યોની ટીમ ભાગ લઈ રહી છે. તેમાં 108 પુરુષ અને 107 મહિલા ખેલાડીઓનો સમાવેશ થાય છે. કોમનવેલ્થ ગેમ્સમાં પણ ભારતને નીરજ ચોપરા (Neeraj Chopra) પાસેથી ઘણી આશાઓ છે. નીરજે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે એથ્લેટ્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. નીરજ કુમારે ભાલા ફેંકમાં પોતાની બરછીની શક્તિથી તે સપનુ સાકાર કર્યુ, જેનું દેશ 121 વર્ષથી સપનું જોઈ રહ્યો હતો. ઓલિમ્પિકમાં જતા પહેલા પણ દેશને આ ખેલાડી પાસેથી મેડલની ઘણી આશા હતી, તેણે દેશને નિરાશ ન કર્યો અને ઓલિમ્પિક પૂર્ણ થવાના એક દિવસ પહેલા જ દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો. હવે કોમનવેલ્થમાં નીરજ પાસેથી ઘણી આશા છે.
ઓલિમ્પિક ચેમ્પિયન જેવેલિન થ્રોઅર નીરજનો જન્મ 24 ડિસેમ્બર 1997ના રોજ હરીયાણાના પાણીપત જિલ્લામાં એક નાનકડા ગામ ખંડરામાં એક ખેડૂતને ત્યાં થયો હતો. નીરજે પ્રાથમિક શિક્ષણ પાણીપતથી કર્યું હતું. પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી નીરજ ચોપરાએ ચંદીગઢની BBA કૉલેજમાં એડમિશન લીધું હતુ અને ત્યાંથી ગ્રેજ્યુએશન કર્યું.
નીરજ બાળપણમાં થોડો જાડો હતો. આ કારણે ગામના અન્ય બાળકો તેની મજાક ઉડાવતા હતા. તેના પરિવારને પણ તેની સ્થૂળતા પર નારાજગી હતી, તેથી તેના કાકા તેને 13 વર્ષની ઉંમરથી સ્ટેડિયમમાં દોડવા લઈ જવા લાગ્યા. પરંતુ આ પછી પણ તેનું મન દોડમાં નહોતું. સ્ટેડિયમમાં જતા સમયે, તેણે અન્ય એથ્લેટ્સને ત્યાં બરછી ફેંકતા જોયા અને પછી તે પણ તેમાં ઉતર્યો. તેણે ત્યાંથી શરૂ કરેલી ભાલા ફેંકવાની શરુઆત ઓલિમ્પિક ચેમ્પિયન સુધી પહોંચાડી ચુકી છે.
અભ્યાસની સાથે તેણે ભાલાની પ્રેક્ટિસ પણ ચાલુ રાખી હતી. આ દરમિયાન તેણે રાષ્ટ્રીય સ્તરે ઘણા મેડલ જીત્યા. નીરજે પોલેન્ડમાં 2016 IAAF વર્લ્ડ અંડર-20 ચેમ્પિયનશિપમાં 86.48 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યાર બાદ સેનાએ તેમને રાજપૂતાના રેજિમેન્ટમાં જુનિયર કમિશન્ડ ઓફિસર તરીકે નાયબ સુબેદાર નિયુક્ત કર્યા. એથ્લેટ્સને સેનામાં ઓફિસર તરીકે ભાગ્યે જ કમિશન આપવામાં આવે છે, પરંતુ નીરજને તેની આવડતને કારણે સીધો અધિકારી બનાવવામાં આવ્યો હતો.
સેનામાં નોકરી મળવાથી ખુશ થયેલા નીરજે એક ઈન્ટરવ્યુમાં જે તે વખતે કહ્યું હતુ કે, આજ સુધી મારા પરિવારમાં કોઈને સરકારી નોકરી મળી નથી, હું મારા આખા પરિવારનો પહેલો સભ્ય છું જે સરકારી નોકરી કરવા જઈ રહ્યો છું. અમારા પરિવાર માટે તે ખૂબ જ ખુશીની વાત છે. આના દ્વારા હું મારી તાલીમ ચાલુ રાખવાની સાથે સાથે મારા પરિવારને આર્થિક રીતે મદદ કરી શકું છું.
નીરજે ઇન્ડોનેશિયાના જકાર્તામાં આયોજિત 2018 એશિયન ગેમ્સમાં 88.06 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો હતો. એશિયન ગેમ્સના ઈતિહાસમાં ભારતે અત્યાર સુધી ભાલામાં માત્ર બે મેડલ જીત્યા છે. ગુરતેજ સિંહે નીરજ પહેલા 1982માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
2018માં, એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન બાદ નીરજ ખભાની ઈજાને કારણે આરામ પર રહ્યો હતો. આનાથી તે લાંબા સમય સુધી રમતથી દૂર રહ્યો, ત્યારબાદ કોરોનાને કારણે ઘણી ઇવેન્ટ્સ રદ થઈ, જેના કારણે તેની રમત પર ખૂબ અસર થઈ, પરંતુ તેણે માર્ચમાં પટિયાલામાં ઈન્ડિયન ગ્રાન્ડ પ્રિકસમાં જોરદાર વાપસી કરી. આ વર્ષે નીરજે પોતાનો જ રેકોર્ડ તોડ્યો અને 88.07 મીટરના થ્રો સાથે નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે.
Published On - 10:07 am, Fri, 22 July 22