ભારતના બહાદુર RAW એજન્ટ જેણે પોતાની માતૃભૂમિ માટે પોતાનો દેશ છોડી દીધો. પાકિસ્તાની ગુપ્તચર એજન્સીની નજરથી બચવા તેણે ધર્મ છોડી દીધો અને સુન્નત પણ કરાવી. અંતે તેમણે દેશ માટે પોતાનો જીવ પણ આપી દીધો અને તે બીજુ કોઈ નહીં પણ ભારતના એ શૂરવીર RAW એજન્ટ રવિન્દ્ર કૌશિક હતા.
રવિન્દ્ર કૌશિકને ભારતના તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ 'બ્લેક ટાઈગર'નું બિરુદ આપ્યું હતું. ત્યારે ચાલો જાણીએ ભારતના એ ખુફીયા RAW એજન્ટ રવિન્દ્ર કૌશિક પાકિસ્તાનમાં મેજર બની કેવી રીતે ત્યાંની જાણકારી ભારત પહોંચાડતા હતા.
રવિન્દ્ર તે સમયે રાજસ્થાનના 23 વર્ષના યુવાન થિયેટર કલાકાર હતા. રવીન્દ્ર કૌશિક થિયેટર કરી રહ્યા હતા, ત્યારે તેઓ ભારતીય આર્મી ઓફિસરની ભૂમિકા ભજવી રહ્યા હતા, જે ચીની સેના દ્વારા પકડાયા બાદ ભારત સંબંધિત મહત્વપૂર્ણ માહિતી આપવાનો ઇનકાર કરે છે. તેનું પ્રદર્શન જોઈને એક RAW ઓફિસર એટલા ખુશ થયો કે તેણે તેને RAWમાં આવવાની ઓફર કરી. RAW માં આવ્યા પછી, રવિન્દ્ર કૌશિકને 2 વર્ષ સુધી સખત તાલીમ આપવામાં આવી. 1975 તેમને મિશન X હેઠળ પ્રથમ વખત પાકિસ્તાન મોકલવામાં આવ્યા હતા.
ભારતમાં તેના તમામ રેકોર્ડનો નાશ કરી દેવામાં આવ્યો. બાદમાં તેમણે કરાચી યુનિવર્સિટીમાંથી એલએલબી કર્યું. આ પછી તે પાકિસ્તાની સેનામાં જોડાયા અને કમિશન્ડ ઓફિસર બન્યા. પાકિસ્તાન આર્મીમાં પ્રમોશન મળ્યા બાદ તેઓ મેજરના પદ સુધી પહોંચ્યા. તેમણે પાકિસ્તાની છોકરી અમાનત સાથે લગ્ન પણ કર્યા, જેનાથી તેમને એક બાળક પણ હતું.
1979 થી 1983 સુધી, તેમણે ભારતીય સંરક્ષણ દળોને મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી. ભારતીય સંરક્ષણ દળોને આ માહિતીનો ઘણો ફાયદો થયો. નબી અહેમદ એટલે કે રવિન્દ્ર ભારતને ખૂબ જ મહત્વપૂર્ણ ગુપ્ત માહિતી મોકલતા હોવાથી, તે ભારતીય સંરક્ષણ દળોમાં 'બ્લેક ટાઈગર' તરીકે પ્રખ્યાત બન્યા હતા. આ બિરુદ તેમને દેશના તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ આપ્યું હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વર્ષ 1983 નબી અહેમદ માટે ખરાબ સમાચાર લઈને આવ્યું છે. RAW એ ઇનાયત મસીહને પાકિસ્તાન મોકલ્યો. ઇનાયત મસીહને કૌશિકનો સંપર્ક કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. તેને પાકિસ્તાનની જાસૂસી સંસ્થાએ પકડી લીધો છે. અને અહીં મસીહે કૌશિકની વાસ્તવિકતા પાકિસ્તાની જાસૂસી સંસ્થાને જણાવી દીધી. જે બાદ પાકિસ્તાની સૈન્ય એ રવિન્દ્ર કૌશિકની ધરપકડ કરી અને તેમને સિયાલકોટ જેલમાં બંધ કરી દીધા. ત્યાં તેને બે વર્ષ સુધી ટોર્ચર કરવામાં આવ્યા. જે બાદ મિયાંવાલી જેલમાં બંધ કરી દેવામાં આવતા હતા. જ્યાં તેઓનું હૃદયરોગ અને ક્ષય રોગના કારણે મૃત્યુ થયુ હતુ.
આ દરમિયાન રવિન્દ્ર કૌશિકને લાલચ આપવામાં આવી હતી કે જો તે ભારત સરકારને સંબંધિત ગુપ્ત માહિતી આપશે તો તેને છોડી દેવામાં આવશે. પણ કૌશિકે મોઢું ખોલ્યું ન હતુ. પાકિસ્તાનમાં, કૌશિકને 1985માં મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી, જે બાદમાં આજીવન કેદમાં ફેરવાઈ હતી. પાકિસ્તાનની અદાલતે તેને મૃત્યુદંડની સજા સંભળાવી હતી, પરંતુ બાદમાં સુપ્રીમ કોર્ટે તેની સજા ઘટાડીને આજીવન કેદ કરી હતી. રવીન્દ્રનું 2001માં મિયાંવાલી જેલમાં હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું.