Maharashtra: બુલઢાણાની સરકારી હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાની સોનોગ્રાફી ચર્ચામાં છે. તબીબે સોનોગ્રાફી બારીકાઈથી તપાસી તો તેઓ પણ ચોંકી ગયા કારણ કે સગર્ભા મહિલાના પેટમાં એક બાળક દેખાતું હતું. આ ઉપરાંત આ બાળકના પેટમાં પણ એક બાળક દેખાતું હતું.
ઘટના બે દિવસ પહેલાની છે, જિલ્લાના મોતાલા તાલુકાના એક ગામની 9 મહિનાની ગર્ભવતી મહિલા (32 વર્ષ) સરકારી મહિલા હોસ્પિટલ પહોંચી હતી. ત્યાં ડો.પ્રસાદ અગ્રવાલે ગર્ભવતી મહિલાની સોનોગ્રાફી કરી હતી. સોનોગ્રાફી કરતી વખતે તેઓએ મહિલાના પેટમાં એક બાળક તો જોયું જ, પરંતુ તે જ બાળકના પેટમાં બીજું કંઈક પણ જોયું. ડોક્ટર અગ્રવાલે વધુ ત્રણ વખત મહિલાની સોનોગ્રાફી કરી અને તેણે જોયું કે તેના પેટમાં પણ એક બાળક છે.
ડૉક્ટર અગ્રવાલે આ વાત તેમના ઉપરી અધિકારીઓને જણાવી. વરિષ્ઠોએ સગર્ભા મહિલાને સંભાજીનગર મોકલી હતી જેથી તે ડિલિવરી અને કોઈપણ પ્રકારની સમસ્યાથી બચી શકે.
ગાયનેકોલોજિસ્ટ ડૉ.પ્રસાદ અગ્રવાલને પૂછવામાં આવ્યું કે શું મહિલા અને તેના ગર્ભમાં રહેલા બાળકને કોઈ નુકસાન થવાની શક્યતા છે? તેના પર ડોક્ટરે કહ્યું કે મહિલાને કોઈ સમસ્યા નહીં થાય. પરંતુ જો ડિલિવરી પછી જન્મેલા બાળકને તાત્કાલિક સારવાર આપવામાં ન આવે તો તેની વૃદ્ધિમાં અવરોધ આવી શકે છે.
સિવિલ સર્જન ડો.ભગવત ભુસારીએ જણાવ્યું કે, મેડિકલ ભાષામાં તેને fetus in feto કહેવાય છે. દુનિયામાં આવા 200 જેટલા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાંથી ભારતમાં અત્યાર સુધીમાં આવા 15 થી 20 કેસ બન્યા છે.(નોંધ- અહિં રજુ કરેલી તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
Published On - 12:49 pm, Wed, 29 January 25