એક એવો પાકિસ્તાની કેપ્ટન… જે ભારત અને પાકિસ્તાન બંને દેશ માટે રમ્યો છે ક્રિકેટ, જાણો કોણ છે આ દિગ્ગજ
ક્રિકેટના મેદાનમાં ભારત-પાકિસ્તાનની મેચ વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ મેચ છે. બંને દેશો વચ્ચે યોજાતી મેચને 'ક્રિકેટની સૌથી મોટી ટક્કર' માનવામાં આવે છે. ભારત-પાકિસ્તાન મેચની લોકપ્રિયતા પાછળ બંને દેશોના દિગ્ગજોનો મોટો હાથ છે, જેમણે દમદાર પ્રદર્શન કરી તેમના દેશ માટે જીત મેળવી છે. પરંતુ શું તમે જાણો છો કે આ દિગ્ગજોમાં કેટલાક એવા પણ મહારથીઓ છે, જેઓ બંને દેશ માટે રમ્યા છે, અને તેમનામાંથી એક તો પાકિસ્તાનના સૌથી પહેલા કેપ્ટન હતા.
1 / 7
ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચના ઈતિહાસમાં કપિલ દેવ-ઈમરાન ખાન, સચિન તેંડુલકર-શોએબ અખ્તર, સૌરવ ગાંગુલી-વસીમ અકરમ સહિત અનેક દિગ્ગજોએ વાહવાહી લૂંટી છે, પરંતુ કેટલાક એવા ક્રિકેટરો પણ છે જે ભારત-પાકિસ્તાન બંને દેશ તરફથી રમ્યા છે અને તેમાંથી એક દિગ્ગજનો આજે (17 જાન્યુઆરી)એ જન્મદિવસ છે. તેમનું નામ છે - અબ્દુલ હફીઝ કારદાર.
2 / 7
ભારત અને પાકિસ્તાન વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની શરૂઆત વર્ષ 1952માં દિલ્હીમાં રમાયેલી ટેસ્ટ મેચથી થઈ હતી. ત્યારપછી બંને દેશો વચ્ચે ઘણી મેચો યોજાઈ. જ્યારે પાકિસ્તાની ટીમ પહેલીવાર ભારત સામે ટેસ્ટ રમવા આવી હતી ત્યારે તે મેચમાં પાકિસ્તાનની કેપ્ટનશીપ અબ્દુલ હફીઝ કારદારે કરી હતી.
3 / 7
ખાસ વાત એ છે કે અબ્દુલ હફીઝ ભારત માટે પણ ટેસ્ટ ક્રિકેટ રમ્યા હતા, જોકે 1947માં ભારતના ભાગલા બાદ તેઓ પાકિસ્તાનમાં સ્થાયી થયા હતા. આજે (17 જાન્યુઆરી) અબ્દુલ હફીઝ કારદારની 101મી જન્મજયંતિ છે. લાહોરમાં 17 જાન્યુઆરી 1925ના રોજ જન્મેલા અબ્દુલ હફીઝ કારદારે ભાગલા પહેલા ભારત માટે 3 ટેસ્ટ મેચ રમી હતી.
4 / 7
અબ્દુલ હફીઝે 1946ના ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન આ ત્રણ મેચ રમી હતી. ઈંગ્લેન્ડ પ્રવાસ પછી તેમણે પોતાના નામ સાથે 'કારદાર' નામ પણ ઉમેર્યું હતું. વિભાજન પછી પાકિસ્તાની ટીમની રચના થઈ અને કારદાર તે ટીમના કેપ્ટન બન્યા હતા. કારદારે પાકિસ્તાન માટે 23 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેમણે ટીમનું નેતૃત્વ પણ કર્યું હતું. કારદારે તેમની છેલ્લી ટેસ્ટ મેચ 1958માં વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી.
5 / 7
ખાસ વાત એ હતી કે તેની કેપ્ટનશિપમાં તેમણે દક્ષિણ આફ્રિકા સિવાય તે સમયે ટેસ્ટ રમી રહેલી દરેક ટીમ સામે પાકિસ્તાનને જીત અપાવી હતી. એકંદરે, અબ્દુલ હફીઝ કારદારે 26 ટેસ્ટ મેચોમાં 23.76ની એવરેજથી 927 રન બનાવ્યા અને 21 વિકેટ લીધી. જેમાં તેમણે ભારત માટે 80 રન બનાવ્યા હતા. જ્યારે પાકિસ્તાન માટે તેમણે 24.91ની એવરેજથી 847 રન બનાવ્યા હતા, જેમાં પાંચ અડધી સદી સામેલ છે. કારદારે પાકિસ્તાન તરફથી રમતા 21 વિકેટ પણ લીધી હતી.
6 / 7
અબ્દુલ હફીઝ કારદારને પાકિસ્તાન ક્રિકેટના પિતા માનવામાં આવે છે. પાકિસ્તાની લોકોમાં આ રમતને લોકપ્રિય બનાવવાનો શ્રેય પણ તેમને જ આપવામાં આવે છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી, કારદાર પાકિસ્તાની ટીમના મુખ્ય પસંદગીકાર બન્યા હતા. ત્યારબાદ તેઓ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ પણ હતા.
7 / 7
અબ્દુલ હફીઝ કારદારનું 21 એપ્રિલ 1996ના રોજ 71 વર્ષની વયે અવસાન થયું હતું. તમને જણાવી દઈએ કે કારદાર સિવાય ગુલ મોહમ્મદ અને આમિર ઈલાહી પણ એવા ખેલાડીઓ હતા જેમણે ભારત અને પાકિસ્તાન બંને માટે ટેસ્ટ મેચ રમી હતી. (All Photo Credit : X / INSTAGRAM)
Published On - 4:51 pm, Fri, 17 January 25