ગુજરાતના મેળાઓ વિશ્વપ્રસિદ્ધ છે તેમાં કોઈ બેમત નથી. અહીંના દરેક મેળામાં કંઈક ને કંઈક અલગ બાબત છે જે લોકો માટે આકર્ષણના કેન્દ્ર સમાન છે. ત્યારે ગુજરાતના અમદાવાદ જિલ્લાના ધોળકાના વૌઠા ગામે યોજાતા મેળાની મુલાકાત લેવા દેશ-વિદેશથી લોકો અહીં પહોંચે છે. પૌરાણિક મહત્ત્વ ધરાવતા મેળામાં આકર્ષણ હોય છે સજી-ધજીને આવતા ગદર્ભ એટલે કે ગધેડાઓ.
ગુજરાતના કચ્છ-કાઠીયાવાડના વિવિધ ગામો અને રાજસ્થાનથી લોકો આ મેળામાં ભાગ લેવા આવે છે. અને આ મેળામાં પશુઓની લે-વેચ કરવામાં આવે છે. એક સમયે વૌઠાના મેળામાં પાંચ હજારથી છ હજાર ગધેડાઓના સોદા કરવામાં આવતા તો એક યુગમાં કિંમતી ગણાતાં ઊંટોની લે વેચ પણ આ મેળામાં કરવામાં આવતી. જોકે આ મેળામાં માત્ર ગધેડાનું ખરીદ-વેચાણ નહીં પરંતુ ઘોડા, ઊંટ, ઘેટા-બકરા જેવા ઘણાં પ્રાણીઓના વેચાણ માટે લોકો અહીં આવે છે. જોકે આ ગદર્ભમેળામાં ખરગધા અને ખચ્ચરગધા તરીકે ઓળખાતી ગધેડાની જાતો સૌથી વધારે કિંમતે વેચાય છે. ભાતીગળ એવા વૌઠાના મેળામાં ગુજરાતની ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન થાય છે જે નિહાળવા વિદેશીઓ પણ આવે છે.
વૌઠા ગામ પાસે સાબરમતી, હાથમતી, મેશ્વો, ખારી, વાત્રક, શેઢી અને માઝુમ એમ સાત નદીઓના પાણી એક સાથે વહે છે જેને સપ્તસંગમ કહેવામાં આવે છે. દર વર્ષે કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ સુધી પાંચ દિવસ માટે આ મેળો ભરાય છે. પુરાણકાળથી જાણીતા આ મેળાનું વિશેષ મહત્ત્વ છે. કહેવાય છે કે ભગવાન કાર્તિકેય, શિવ અને પાર્વતીએ અહીં મુલાકાત લધી હતી અને એટલે અહીંના શિવ મંદિર સિદ્ધનાથ મહાદેવનું વિશેષ મહાત્મ્ય છે. લોકોની પુરાણી માન્યતા પ્રમાણે સપ્ત નદીઓના સંગમ તટે પહેલા ઘીની નદી વહેતી હતી. આ ઉપરાંત, અહીં આવેલા એક ઝાડ પર કારતૂક સુદ પૂનમે સોનાના પાંદડાના દર્શન થતાં હતાં.
ઈતિહાસની દ્રષ્ટિએ જોઈએ તો મહાભારતના સમયે પાંડવોએ એક વર્ષનો ગુપ્તવાસ વિરાટનગરી ધોળકામાં વિતાવ્યો હતો. જે દરમિયાન કારતક સુદ અગિયારસથી પૂનમ સુધીના સમયગાળા દરમિયાન ત્રિકાળ જ્ઞાની સહદેવની સલાહથી સપ્ત નદીના સંગમસ્થાન ધરાવતાં વૌઠા ખાતે યુધિષ્ઠિરનું રાજતિલક કરવામાં આવ્યું હતું. જેથી હસ્તિનાપુરની ગાદી પ્રાપ્ત કરી શકાય. જેથી આ શુભ મુહૂર્તને સાચવી લેવા માટે પાંડવો દ્વારા આ સ્થાને રેતીનું સિંહાસન બનાવામાં આવ્યું હતું. જેની ઉપર મહારાજ યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક પણ કરવામાં આવ્યો હતો. અહીં પાંડવોએ શિવલિંગની સ્થાપના કરી હતી. જેથી આ સ્થાન પાંડવોની યાદી તરીકે પણ પ્રસિદ્ધ છે.
વૌઠાના મેળા દરમિયાન નદીના કાંઠે પાલ્લા વિસ્તારમાં અસંખ્ય લોકો તંબુ બાંધી પાંચ દિવસ સુધી રહે છે. અને સાથે ઘરવખરી પણ લઈને આવે છે. તેઓ પૂનમના દિવસે અહીં રેતીમાં ખાડો કરી દીવો મૂકે છે. જેને વાવ ગોળાવી તરીકે ઓળખવામાં આવે છે. એક માન્યતા પ્રમાણે જે લોકોએ માનતા માગી હોય તેઓ પૂનમના દિવસે તંબુની બહાર નદીની રેતીમાં ખાડો કરી દીવો મૂકે છે.
Published On - 9:49 am, Sat, 17 November 18