કરોડનો પગાર છોડીને ભારત પરત ફરી રહ્યા છે ટેક પ્રોફેસનલ્સ, જાણો શું છે કારણો
એક સમયે ઉત્તમ કરિયર અને ઊંચા પગાર માટે અમેરિકા જતા ભારતીય ટેક પ્રોફેસનલ્સ હવે મોટી સંખ્યામાં ભારત પરત ફરી રહ્યા છે. H-1B વીઝાની અનિશ્ચિતતા અને પરિવારનો સંગાથ આ બદલાવનું મોટું કારણ છે.

એક સમય હતો જ્યારે અમેરિકામાં નોકરી કરવી એ દરેક ભારતીય આઈટી (IT) પ્રોફેસનલનું સ્વપ્ન ગણાતું હતું. ઊંચો પગાર, બહેતર કરિયર અને ગ્લોબલ કંપનીઓમાં કામ કરવાની તક લોકોને અમેરિકા તરફ ખેંચી જતી હતી. પરંતુ હવે ચિત્ર ધીમે ધીમે બદલાતું દેખાઈ રહ્યું છે. તાજેતરના મહિનાઓમાં મોટી સંખ્યામાં ભારતીય ટેક પ્રોફેસનલ્સ અમેરિકા છોડીને ભારત પરત ફરી રહ્યા છે. જેને હવે ‘રિવર્સ માઇગ્રેશન’ (Reverse Migration) નો નવો દોર માનવામાં આવી રહ્યો છે.
તાજેતરમાં એડોબી (Adobe) ના ડિરેક્ટર ઓફ એન્જિનિયરિંગ ગૌરીશંકર રવિન્દ્રને લગભગ 10 વર્ષ કેલિફોર્નિયાના બે એરિયા (Bay Area) માં વિતાવ્યા બાદ પોતાના પરિવાર સાથે બેંગલુરુ પરત ફરવાનો નિર્ણય લીધો છે. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે પરિવારની નજીક રહેવાની ઈચ્છા આ નિર્ણયનું સૌથી મોટું કારણ રહી. તેમણે એ પણ કહ્યું કે હવે તેઓ ભારતમાં રહીને જ એડોબી માટે પહેલાની જેમ જ કામ કરતા રહેશે.
અનેક મોટા ટેક લીડર્સ પણ પરત ફર્યા
ગૌરી શંકર એકલા નથી. આ પહેલા મેટા (Meta) ના સીનિયર એન્જિનિયરિંગ લીડર બાલાજી ગુરુરાજન પણ લગભગ 18 વર્ષ અમેરિકામાં વિતાવ્યા બાદ બેંગલુરુ પરત આવી ગયા છે. તેમનું કહેવું હતું કે પરિવારથી દૂર રહેવાને બદલે હવે તેઓ પોતાના સ્વજનો સાથે સમય વિતાવવા માગે છે. આવી જ રીતે ઓપનએઆઈ (OpenAI) ના B2B એપ્લિકેશનના ચીફ ટેકનોલોજી ઓફિસર (CTO) શ્રીનિવાસ નારાયણને પણ પોતાના વૃદ્ધ માતા-પિતા સાથે સમય વિતાવવા માટે પદ છોડવાનો નિર્ણય લીધો હતો.
આંકડા પણ આપી રહ્યા છે બદલાતા ચિત્રની જુબાની
બેંગલુરુની ટેક ટેલેન્ટ કંપની ‘એક્સફેનો’ (Xpheno) ના રિપોર્ટ અનુસાર, વર્ષ 2026 માં અત્યાર સુધીમાં લગભગ 7,300 ભારતીય ટેક પ્રોફેસનલ્સ ભારત પરત ફરી ચૂક્યા છે. 2025 માં આ સંખ્યા 15,100 હતી, જ્યારે 2024 માં 9,800 લોકો પાછા આવ્યા હતા.
બીજી તરફ અમેરિકા જનારાઓની સંખ્યા સતત ઘટી રહી છે. 2026 માં અત્યાર સુધીમાં માત્ર 9,100 પ્રોફેસનલ્સ અમેરિકા ગયા છે, જ્યારે 2025 માં આ આંકડો 21,200 અને 2024 માં 17,600 હતો. આના પરથી સ્પષ્ટ થાય છે કે હવે ભારત પરત ફરનારાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે.
H-1B વીઝા બન્યા ચિંતાનું મોટું કારણ
- આ ફેરફારનું સૌથી મોટું કારણ H-1B વીઝાને લઈને વધતી અનિશ્ચિતતા બતાવવામાં આવી રહી છે. એક્સફેનોના સરવેમાં સામેલ 1,276 લોકોમાંથી 53 ટકા લોકોએ કહ્યું કે વીઝા સંબંધિત સમસ્યાઓ ભારત પરત ફરવાનું મોટું કારણ છે.
- અમેરિકામાં છેલ્લા કેટલાક વર્ષોમાં H-1B નિયમોને લઈને અનેક પ્રસ્તાવો સામે આવ્યા છે. વીઝા ફી વધારવાથી લઈને આ વ્યવસ્થામાં ફેરફારની ચર્ચાએ પણ ભારતીય પ્રોફેસનલ્સની ચિંતા વધારી છે. આવા માહોલમાં ઘણા લોકો પોતાના ભવિષ્યને લઈને પહેલા કરતા વધુ સાવચેત થઈ ગયા છે.
AI અને બદલાતું જોબ માર્કેટ પણ જવાબદાર
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના વધતા ઉપયોગના કારણે અમેરિકામાં ટેક સેક્ટરમાં ભરતીની સ્પીડ પહેલા જેવી રહી નથી. ઘણી કંપનીઓ કર્મચારીઓની સંખ્યા ઘટાડી રહી છે, જ્યારે સ્થાનિક કર્મચારીઓને વધુ પ્રાથમિકતા આપવાની વાત પણ સામે આવી રહી છે. આનાથી વિદેશી કર્મચારીઓમાં નોકરીને લઈને અસુરક્ષા વધી છે.
ભારતમાં ઝડપથી વધી રહી છે નવી તકો
બીજી તરફ ભારતનું ટેક ઈકોસિસ્ટમ પહેલા કરતાં ઘણું મજબૂત થયું છે. સ્ટાર્ટઅપ્સ, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCCs), AI પ્રોજેક્ટ્સ અને મલ્ટીનેશનલ કંપનીઓના રિસર્ચ સેન્ટરો ઝડપથી વધી રહ્યા છે. જેને લીધે હવે ભારતમાં પણ સારો પગાર અને બહેતર કરિયરની તકો મળવા લાગી છે.
કેટલાક ભારતીય મૂળના પ્રોફેસનલ્સનું કહેવું છે કે અમેરિકામાં તેમના પ્રત્યે નકારાત્મક માહોલ પણ વધ્યો છે. સોશિયલ મીડિયા પર તેમને ‘જોબ સ્ટીલર’ અને ‘વીઝા સ્કેમર’ જેવા શબ્દોથી નિશાન બનાવવામાં આવ્યા હતા. આવા અનુભવોએ પણ ઘણા લોકોને પોતાના દેશ પરત ફરવાના નિર્ણય પર વિચારવા માટે મજબૂર કર્યા છે.
