ભારતના ચંદ્ર મિશન ચંદ્રયાન 3 ના ઉતરાણ માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 23 ઓગસ્ટના રોજ 6.04 મિનિટે સફળ લેન્ડિંગ થવાની ગણતરી છે, ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર તેનું વાહન લેન્ડ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બનશે. સૌથી મોટી વાત એ છે કે, જ્યારે ઈસરો ઈતિહાસ રચશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે દિવસે દેશમાં નહીં હોય. PM મોદી આવતીકાલે એટલે કે 22 ઓગસ્ટે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે.
પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ પીએમ મોદી મંગળવારે વહેલી સવારે દક્ષિણ આફ્રિકા જવા રવાના થશે. PM મંગળવારે સાંજે 5 થી 6 વચ્ચે દક્ષિણ આફ્રિકા પહોંચશે. આ પછી તેઓ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેશે. પીએમ મોદી, બીજા દિવસે એટલે કે બુધવારે બ્રિક્સ સંમેલનમાં ભાગ લેશે. એવું જાણવા મળ્યું છે કે વડા પ્રધાનની મુલાકાત પર, વિદેશ સચિવ દ્વારા બુધવારે બપોરે 2 વાગ્યે એક બ્રીફિંગ આપવામાં આવશે. પીએમ મોદી 24 ઓગસ્ટ સુધી દક્ષિણ આફ્રિકામાં રહેશે અને ત્યારબાદ તેઓ ઇજિપ્ત જવા રવાના થશે.
જણાવી દઈએ કે ઈસરોએ, 14 જુલાઈના રોજ ચંદ્રયાન-3 લોન્ચ કર્યું હતું. આ પછી, 5 ઓગસ્ટે ચંદ્રયાન સફળતાપૂર્વક ચંદ્રની કક્ષામાં પ્રવેશ્યું. PM મોદી 14મી જુલાઈએ લોન્ચિંગના દિવસે ભારતમાં ન હતા. તેઓ 13 જુલાઈના રોજ બે દિવસીય પ્રવાસ પર ફ્રાન્સ ગયા હતા. પીએમ મોદીએ 14 જુલાઈએ ફ્રાન્સની બેસ્ટિલ ડે પરેડમાં ભાગ લીધો હતો.
નોંધપાત્ર રીતે, 6 સપ્ટેમ્બર 2019 ના રોજ, પીએમ મોદી ચંદ્રયાન 2 મિશન દરમિયાન ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે બેંગલુરુમાં ISRO મુખ્યાલય પહોંચ્યા હતા. પરંતુ 7 સપ્ટેમ્બરે, ચંદ્રયાન 2 ની અંતિમ ક્ષણોમાં, ISROનો લેન્ડર વિક્રમ સાથેનો સંપર્ક તૂટી ગયો અને મિશન નિષ્ફળ ગયું. આ પછી પીએમ મોદીએ ઈસરોના વૈજ્ઞાનિકોને સંબોધિત કરતા તેમને પ્રોત્સાહિત કર્યા હતા અને કહ્યું હતું કે આપણે નિરાશ થવાની જરૂર નથી. આખો દેશ આજે તેના વૈજ્ઞાનિકો સાથે ઉભો છે.
ચંદ્રયાન-3ને લગતા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો