Breaking News : પશ્ચિમ બંગાળના રાજભવને સાંસદ કલ્યાણ બેનર્જી સામે નોંધાવી FIR !
પશ્ચિમ બંગાળમાં રાજભવન અને TMC સરકાર વચ્ચે સંઘર્ષ વધી ગયો છે. રાજભવને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જોકે, સાંસદ કલ્યાણ બેનર્જીનો દાવો છે કે, રાજભવન દ્વારા પત્ર મોકલવાથી કોઈ FIR થતી નથી.

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોસે, તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ કલ્યાણ બેનર્જી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજભવન દ્વારા હેર સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કલ્યાણ બેનર્જીએ તાજેતરમાં દાવો કર્યો હતો કે, રાજભવનની અંદર બોમ્બ અને બંદૂકોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ પછી, ગઈકાલે સોમવાર, 17 નવેમ્બરના રોજ રાજભવનની તપાસ કરવામાં આવી હતી.
મીડિયા અહેવાલો અનુસાર, રાજ્યપાલ સીવી આનંદ બોસે, કોલકાતા પોલીસ, રાજભવન પોલીસ, CRPF, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને રાજભવનમાં બોલાવ્યા હતા અને આખા રાજભવનની તપાસ કરાવી હતી. જોકે, કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી ના હતી. આ પછી, રાજ્યપાલે TMC સાંસદ સામે કાનૂની કાર્યવાહી કરવાની વાત ઉચ્ચારી હતી.
‘પત્ર મોકલવાથી FIR નથી થતી’
એવું અહેવાલ છે કે આજે મંગળવાર 18 નવેમ્બર ના રોજ, રાજભવને હેર સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં તૃણમૂલ સાંસદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જોકે, સાંસદ કલ્યાણ બેનર્જીએ TV9 બાંગ્લાને જણાવ્યું હતું કે, પત્ર મોકલવાથી કોઈ FIR નથી થતી
કલ્યાણ બેનર્જી સામે FIR દાખલ
રાજભવનના સૂત્રોના જણાવ્યા અનુસાર, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જી વિરુદ્ધ સશસ્ત્ર બળવો ઉશ્કેરવા બદલ ભારતીય દંડ સંહિતાની કલમ 151 અને 152 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. રાજ્યના બંધારણીય વડા વિરુદ્ધ ખોટા આરોપો લગાવવા બદલ ભારતીય દંડ સંહિતાની કલમ 197 પણ લાગુ કરવામાં આવી છે. સામાજિક સમરસતાને ખલેલ પહોંચાડવા માટે ભારતીય દંડ સંહિતાની કલમ 196(1) પણ લાગુ કરવામાં આવી છે. ભારતીય દંડ સંહિતાની કલમ 153(1)(b), 153(1)(c), અને 153(2) પણ જાહેર અભિપ્રાય ઉશ્કેરવા માટે લાગુ કરવામાં આવી છે.
‘હું બોસ કરતાં કાયદાને વધુ સારી રીતે સમજું છું’
આ દરમિયાન, સેરામપુરથી તૃણમૂલ સાંસદ કલ્યાણ બેનર્જીનું કહેવું છે કે, રાજભવનમાંથી પોલીસ સ્ટેશને પત્ર મોકલવાથી FIR નથી થતી. તેમણે કહ્યું, “હું રાજ્યપાલ સીવી આનંદ બોસ કરતાં કાયદાને વધુ સારી રીતે સમજું છું, જાણુ છું. તેમને જેમ કરવું છે તેમ કરવા દો. મને આવા હજારો સીવી આનંદ બોસ દેખાય છે. તે એક નકામા વ્યક્તિ છે, તેમણે ભડકાઉ નિવેદનો આપ્યા છે. બોસે જે કલમોનો ઉપયોગ કર્યો છે તે તેમની સામેના કેસમાં લાગુ થવી જોઈએ.”
કલ્યાણ બેનર્જીએ શું કહ્યું
હકીકતમાં, સાંસદ કલ્યાણ બેનર્જીએ શનિવારે હુગલી જિલ્લાના ચુંચુરામાં તૃણમૂલ કાનૂની સેલની બેઠકમાં હાજરી આપી હતી. બેઠક દરમિયાન તેમણે શ્રેણીબદ્ધ વાકપ્રહારો કર્યા હતા. પહેલા તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક પ્રહાર કર્યો. પછી, મતદાન અંગે રાજ્યપાલના ભાષણનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, “પહેલા, રાજ્યપાલને કહો કે રાજભવનમાં ભાજપના ગુનેગારોને આશ્રય આપવાનું બંધ કરે. તેઓ રાજભવનમાંથી ગુનેગારોને રક્ષણ આપી રહ્યા છે, દરેકને બંદૂકો અને બોમ્બ આપી રહ્યા છે. તેઓ તેમને તૃણમૂલને મારવા માટે કહી રહ્યા છે. આપણે પહેલા આ બાબતો બંધ કરવી જોઈએ.”
રાજભવનમાં તપાસ
આ ઘટના બાદ, રાજભવન દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે, સોમવાર 17મી નવેમ્બરના સવારે 5 વાગ્યાથી રાજભવન મર્યાદિત સંખ્યામાં સાંસદો, નાગરિક સમાજના પ્રતિનિધિઓ અને પત્રકારો માટે ખુલ્લું રહેશે, જેમાં મહત્તમ 100 લોકોનો સમાવેશ થશે. તેઓ કોઈપણ શસ્ત્રો અથવા દારૂગોળાનું નિરીક્ષણ કરવા માટે સ્થળની મુલાકાત લઈ શકશે. જો કલ્યાણ બેનર્જીનો દાવો ખોટો સાબિત થશે, તો તેમણે બંગાળના લોકો પાસે માફી માંગવી પડશે.
ગઈકાલ સોમવારે, બોમ્બ શોધવા માટે બોમ્બ સ્ક્વોડ બોલાવવામાં આવી હતી. શોધખોળ પછી, સીવી આનંદ બોઝે કહ્યું, “બંગાળમાં રાજ્યપાલ વિરુદ્ધ કંઈપણ કહેવાનો અને આરોપો લગાવવાનો ટ્રેન્ડ છે. કેટલાક લોકો માને છે કે, રાજ્યપાલ વિરુદ્ધ કંઈપણ કહેવા અને પાયાવિહોણા આરોપો લગાવનારાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે. પરંતુ મેં નક્કી કર્યું છે કે જો કોઈ ખોટી ફરિયાદ કે આરોપ લગાવશે તો તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.”
આ પણ વાંચોઃ Breaking News : બાબા સિદ્દીકી-મુસેવાલા હત્યા કેસમાં મોસ્ટ વોન્ટેડ અનમોલ બિશ્નોઈને અમેરિકાથી ભારત લવાશે