Weather Alert: હોળી પહેલા જ ગરમીમાં અસહ્ય વધારો, હવામાન વિભાગે દેશના 8 રાજ્યો માટે જાહેર કર્યું હીટ વેવ એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 17 માર્ચથી ગુજરાત, જમ્મુ, હિમાચલ પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ મધ્ય પ્રદેશ, વિદર્ભ અને તેલંગાણામાં ગરમીની સ્થિતિ વધુ ગંભીર બનવા જઈ રહી છે.
હોળી પહેલા જે રીતે હવામાન (Weather) બદલાય છે તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે આ વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમી લોકોને પરેશાન કરશે. હવામાનમાં આવેલા બદલાવને જોતા હવામાન વિભાગે (IMD) આગામી દિવસોમાં હીટ વેવનું (Heat Wave) એલર્ટ જાહેર કર્યું છે. ભારતીય હવામાન વિભાગે તેના અપડેટમાં જણાવ્યું છે કે ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં વધારો થયો છે, જેના કારણે 8 રાજ્યોમાં હીટ વેવની શક્યતાઓ દેખાઈ રહી છે. તેમણે કહ્યું કે તાપમાન ઝડપથી વધી રહ્યું છે. આ સાથે જ હવામાન વિભાગે પશ્ચિમ અને પૂર્વ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં હીટ વેવની ચેતવણી જાહેર કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 17 માર્ચથી ગુજરાત, જમ્મુ, હિમાચલ પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ મધ્ય પ્રદેશ, વિદર્ભ અને તેલંગાણામાં ગરમીની સ્થિતિ વધુ ગંભીર બનવા જઈ રહી છે. આ સાથે ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં.
રાષ્ટ્રીય રાજધાનીમાં ગુરુવારે દિવસની શરૂઆત ગરમી સાથે થઈ હતી અને શહેરમાં મહિનાનું સૌથી વધુ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, લઘુત્તમ તાપમાન 20.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સિઝનની સરેરાશ કરતાં પાંચ ડિગ્રી વધુ છે.
રાજસ્થાનમાં તાપમાન 42 ડિગ્રીની આસપાસ પહોંચ્યું
રાજસ્થાનમાં ઉનાળો પોતાનો રંગ બતાવવા લાગ્યો છે. અહીં ઘણી જગ્યાએ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચી ગયું છે અને હવામાન વિભાગે હીટ વેવની ચેતવણી જાહેર કરી છે. જયપુર હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, રાજ્યના સરહદી શહેર બાડમેરમાં છેલ્લા 24 કલાકમાં મહત્તમ 42.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે સરેરાશ કરતા 7.5 ડિગ્રી વધારે છે.
આ સિવાય બાંસવાડામાં 42.4 ડિગ્રી, ડુંગરપુરમાં 42.3 ડિગ્રી, જેસલમેરમાં 42.0 ડિગ્રી, ફલોદીમાં 41.9 ડિગ્રી, નાગૌરમાં 41.3 ડિગ્રી અને બિકાનેરમાં 41.2 ડિગ્રી તાપમાન હતું. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં દિવસનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે.
હવામાન વિભાગે ઘણા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટની ચેતવણી જાહેર કરી
હવામાન વિભાગે ગુરુવારે સરહદી બાડમેર અને જેસલમેર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે શુક્રવારે બાડમેર, જેસલમેર, જોધપુર, જાલોર અને પાલી જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વિભાગના જણાવ્યા અનુસાર, 19 માર્ચથી તાપમાનમાં નજીવા ઘટાડાને કારણે મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી નીચે નોંધાય તેવી શક્યતા છે અને રાજ્યમાં ગરમીના મોજામાંથી રાહત મળવાની સંભાવના છે.
આ પણ વાંચો : West Bengal: મમતા બેનર્જીનો દાવો, ચાર-પાંચ વર્ષ પહેલા મને પણ 25 કરોડમાં પેગાસસ ખરીદવાની ઓફર મળી હતી
આ પણ વાંચો : હરિયાણાના પૂર્વ સીએમ ભૂપિન્દર સિંહ હુડ્ડા રાહુલ ગાંધીને મળ્યા, ત્યારબાદ ગુલામ નબી આઝાદને મળવા તેમના ઘરે ગયા