હુલ્લડબાજ તત્ત્વોની હિંસા? બેંગલુરુમાં એરફોર્સના પાઇલટ પર કર્યો હુમલો, જુઓ Video
બેંગલુરુમાં ભારતીય વાયુસેનાના ફાઇટર પાઇલટ પર હુમલો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, અસામાજિક તત્ત્વોએ ફાઇટર પાઇલટની પત્ની સાથે પણ ગેરવર્તન કર્યું છે.

દેશનું આઈટી હબ ગણાતું બેંગલુરુ હવે સુરક્ષિત હાથોમાં નથી તેવું કહી શકાય. બેંગલુરુમાં એક એવી શરમજનક ઘટના બની છે કે જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. ઘટના એમ છે કે, બેંગલુરુમાં ભારતીય વાયુસેનાના ફાઇટર પાઇલટ પર હુમલો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, અસામાજિક તત્ત્વોએ ફાઇટર પાઇલટની પત્ની સાથે પણ ગેરવર્તન કર્યું છે.
આ સમગ્ર ઘટનામાં ફાઇટર પાઇલટ ગંભીર રીતે ઘાયલ થયો છે અને લોહીથી લથપથ હાલતમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવાઈ રહ્યું છે કે, બાઇક સવાર ગુનેગારોએ પાછળથી ફાઇટર પાઇલટ પર હુમલો કર્યો હતો. તદુપરાંત, ચાવીઓના ગુચ્છાથી તેમના પર હુમલો કર્યો હતો. ફાઇટર પાઇલટે આ ઘટનાનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો હતો. હવે પોલીસે ગુનેગારોની શોધ શરૂ કરી દીધી છે. પોલીસના મતે, આ રોડ રેજનો મામલો છે. વીડિયોમાં ફાઇટર પાઇલટ વિંગ કમાન્ડર આદિત્ય બોઝે જણાવ્યું કે, રવિવારે સાંજે તે તેની પત્ની મધુમિતા સીવી રમન સાથે એરપોર્ટ જઈ રહ્યો હતો. આ દરમિયાન કેટલાક લોકોએ તેની કારનો પીછો કર્યો અને તેને રોકીને તેના પર હુમલો કરી દીધો.
View this post on Instagram
કન્નડ ભાષામાં અપશબ્દો બોલીને માર મારવામાં આવ્યો
પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલા એક વીડિયોમાં વિંગ કમાન્ડર બોઝે જણાવ્યું કે, એક બાઇકસવારે તેમની કારનો પીછો કરવાનું શરૂ કર્યું તેમજ કન્નડમાં ગાળો આપીને અમારી ગાડી ઓવરટેક કરી નાખી અને ગાડી રોકાવી દીધી. તેમણે વધુમાં જણાવ્યું કે, તેમના વાહન પર DRDO સ્ટીકર લાગેલું છે. આ જોઈને હુમલાખોરો વધુ આક્રમક થઈ ગયા અને તેમની સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યા. આરોપીઓએ તેમની પત્ની સાથે પણ ખરાબ વર્તન કર્યું.
ભીડમાંથી કોઈ આગળ ન આવ્યું
કમાન્ડર બોઝે કહ્યું કે, જ્યારે તેમણે આરોપીઓનો વિરોધ કરવાનો શરૂ કર્યો ત્યારે તેમના ચહેરા પર અને કપાળ પર ચાવી વડે હુમલો કરવામાં આવ્યો. આ દરમિયાન ઘટનાસ્થળ પર હાજર રહેલા લોકોની ભીડ એકઠી થઈ ગઈ. તમને જાણીને નવાઈ લાગશે કે, ભીડમાંથી કોઈએ કમાન્ડરને બચાવવાનો પ્રયાસ ન કર્યો. છેવટે બદમાશો ઘટનાસ્થળેથી ભાગી ગયા અને તેમની કાર તેમજ તેમના પર પથ્થરમારો કર્યો. બેંગલુરુ પોલીસે કહ્યું કે, પાઇલટના વીડિયોને ધ્યાનમાં લઈને બદમાશો વિરુદ્ધ કેસ નોંધવામાં આવી રહ્યો છે.
દેશભરના મહત્વના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.
