PM નરેન્દ્ર મોદી શુક્રવારે વિશ્વની સૌથી લાંબી રિવર ક્રૂઝ ‘ગંગા વિલાસ’ને આપશે લીલી ઝંડી, જાણો આ ક્રૂઝની ખાસિયત
વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર, વડાપ્રધાન આ કાર્યક્રમ દરમિયાન રૂ. 1,000 કરોડથી વધુના મૂલ્યની અનેક અન્ય આંતરદેશીય જળમાર્ગો પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.
વિશ્વની સૌથી લાંબી રિવર ક્રૂઝ ‘ગંગા વિલાસ‘ ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 જાન્યુઆરી (શુક્રવાર)ના રોજ વીડિયો કોન્ફરન્સ દ્વારા વારાણસીમાં ગંગા નદીના કિનારે ફ્લેગ ઓફ કરશે અને ‘ટેન્ટ સિટી’નું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર, વડાપ્રધાન આ કાર્યક્રમ દરમિયાન રૂ. 1,000 કરોડથી વધુના મૂલ્યની અનેક અન્ય આંતરદેશીય જળમાર્ગો પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.
ક્રૂઝ 51 દિવસમાં લગભગ 3,200 કિલોમીટરનું અંતર કાપશે
એમવી ગંગા વિલાસ વારાણસીથી તેની યાત્રા શરૂ કરશે અને 51 દિવસમાં લગભગ 3,200 કિલોમીટરનું અંતર કાપશે અને બાંગ્લાદેશ થઈને આસામના ડિબ્રુગઢ પહોંચશે. આ દરમિયાન ક્રૂઝ ભારત અને બાંગ્લાદેશમાંથી પસાર થતી 27 નદી પ્રણાલીઓ દ્વારા તેના ગંતવ્ય સ્થાન પર પહોંચશે. પીએમ મોદીએ કહ્યું કે આ પહેલ દેશના સાંસ્કૃતિક મૂળ સાથે જોડાવા અને તેની વિવિધતાના સુંદર પાસાઓને શોધવાની અનોખી તક છે. પીએમઓએ જણાવ્યું હતું કે ક્રુઝરમાં ત્રણ ડેક અને 18 સ્યુટ છે, જેમાં 36 પ્રવાસીઓને લઈ જવાની ક્ષમતા છે અને તમામ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે.
પ્રથમ પ્રવાસમાં સ્વિટ્ઝર્લેન્ડના 32 પ્રવાસીઓ
પીએમઓ અનુસાર, પ્રથમ યાત્રામાં સ્વિટ્ઝર્લેન્ડના 32 પ્રવાસીઓનો સમાવેશ થાય છે, જેઓ યાત્રાના સમગ્ર સમયગાળા દરમિયાન તેમાં રહેશે. પીએમઓએ કહ્યું કે ક્રૂઝને દેશની શ્રેષ્ઠ વસ્તુઓને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ ક્રૂઝ વિશ્વ ધરોહર સ્થળો, રાષ્ટ્રીય ઉદ્યાનો, નદીના ઘાટ અને બિહારના પટના, ઝારખંડના સાહિબગંજ, પશ્ચિમ બંગાળમાં કોલકાતા, બાંગ્લાદેશમાં ઢાકા અને આસામમાં ગુવાહાટી જેવા મોટા શહેરો સહિત 50 પર્યટન સ્થળોની મુલાકાત લેશે. આ પ્રવાસ પ્રવાસીઓને એક ભારત અને બાંગ્લાદેશની કલા, સંસ્કૃતિ, ઇતિહાસ અને આધ્યાત્મિકતાનો અનુભવ કરવાની તક પૂરી પાડશે.
વારાણસીમાં પ્રવાસીઓ માટે ‘ટેન્ટ સિટી’
રિવર ક્રુઝ પર્યટનને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાનના પ્રયત્નોને અનુરૂપ, આ સેવા ક્ષેત્રની વિશાળ અણુપયોગી સંભાવનાનો ફાયદો ઉઠાવવા અને ભારત માટે પ્રવાસનના નવા યુગની શરૂઆત કરવામાં મદદ કરશે, પીએમઓએ કહ્યું કે આ પ્રદેશમાં પર્યટનની સંભાવનાનો ઉપયોગ કરવા માટે ગંગા નદીના કિનારે વારાણસીમાં ‘ટેન્ટ સિટી’ની કલ્પના કરવામાં આવી છે.
આ પ્રોજેક્ટ શહેરના ઘાટોની સામે વિકસાવવામાં આવ્યો છે જે રહેઠાણની સુવિધા પૂરી પાડશે અને ખાસ કરીને કાશી વિશ્વનાથ ધામના ઉદ્ઘાટન પછી વારાણસીમાં પ્રવાસીઓના વધતા પ્રવાહને પૂરી કરશે. તેને વારાણસી ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા PPP મોડમાં વિકસાવવામાં આવ્યું છે. પ્રવાસીઓ નજીકમાં આવેલા વિવિધ ઘાટ પરથી બોટ દ્વારા ‘ટેન્ટ સિટી’ સુધી પહોંચશે. આ ‘ટેન્ટ સિટી’ દર વર્ષે ઑક્ટોબરથી જૂન સુધી કાર્યરત રહેશે અને નદીના જળસ્તરમાં વધારાને કારણે વરસાદની મોસમમાં ત્રણ મહિના માટે બંધ રહેશે.
હલ્દિયા મલ્ટી મોડલ ટર્મિનલનું ઉદ્ઘાટન
અન્ય પ્રોજેક્ટ્સમાં વડાપ્રધાન મોદી પશ્ચિમ બંગાળમાં હલ્દિયા મલ્ટી મોડલ ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે. જલ માર્ગ વિકાસ પ્રોજેક્ટ હેઠળ વિકસિત, તે વાર્ષિક આશરે ત્રણ મિલિયન મેટ્રિક ટન (MMTPA) ની કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા ધરાવે છે અને બર્થ લગભગ 3000 ડેડવેઇટ ટન (DWT) સુધીના જહાજોને હેન્ડલ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
વડાપ્રધાન મોદી ગાઝીપુર જિલ્લાના સૈયદપુર, ચોચકપુર, જામનિયા અને ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં કાંસપુર ખાતે ચાર ફ્લોટિંગ કમ્યુનિટી જેટીનું પણ ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત પીએમ મોદી બિહારમાં દિઘા, નકતા ડાયરા, બાધ, પટના જિલ્લાના પાનાપુર અને સમસ્તીપુર જિલ્લાના હસનપુર ખાતે પાંચ કમ્યુનિટી જેટીનો શિલાન્યાસ કરશે.
Hon PM Sh @narendramodi will flag off the #GangaVilas – World’s longest river cruise, which is set to sail from Holy City of Kashi to Dibrugarh on January 13th
Experience the journey through the ancient routes of India, with the extraordinary spirit of Ek Bharat, Shrestha Bharat pic.twitter.com/RTpJmmfcrD
— G Kishan Reddy (@kishanreddybjp) January 11, 2023
પીએમઓએ કહ્યું કે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ રાજ્યોમાં ગંગાના કિનારે 60 થી વધુ કમ્યુનિટી જેટીઓ બનાવવામાં આવી રહી છે જેથી આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળે અને પ્રદેશમાં સ્થાનિક સમુદાયોની આજીવિકામાં સુધારો થાય. પીએમ મોદી ગુવાહાટીમાં પૂર્વોત્તર માટે મેરીટાઇમ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરનું પણ ઉદ્ઘાટન કરશે. તે પૂર્વોત્તર ક્ષેત્રમાં રોજગારીની વધુ સારી તકો પૂરી પાડશે.
આ ઉપરાંત મોદી ગુવાહાટીમાં પાંડુ ટર્મિનલ ખાતે શિપ રિપેરિંગ સુવિધા અને એલિવેટેડ રોડનો શિલાન્યાસ પણ કરશે, એમ પીએમઓએ જણાવ્યું હતું. પાંડુ ટર્મિનલ પર શિપ રિપેરિંગ સુવિધા ઘણો મૂલ્યવાન સમય બચાવશે કારણ કે જહાજને કોલકાતા રિપેર ફેસિલિટી અને પાછા જવા માટે એક મહિના કરતાં વધુ સમય લાગે છે. આ ઉપરાંત, તેના કારણે નાણાંની દ્રષ્ટિએ પણ મોટી બચત થશે કારણ કે જહાજના પરિવહન ખર્ચમાં પણ બચત થશે.