નફરતભર્યા ભાષણો આપતા લોકો સામે સખત વાંધો વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો છે કે લોકો પોતાના પર નિયંત્રણ કેમ નથી રાખતા. જે ક્ષણે રાજકારણ અને ધર્મ અલગ થઈ જશે અને નેતાઓ રાજકારણમાં ધર્મનો ઉપયોગ કરવાનું બંધ કરશે, ત્યારે આવા ભાષણો બંધ થઈ જશે.
પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને અટલ બિહારી વાજપેયીના ભાષણોનો ઉલ્લેખ કરતા કોર્ટે કહ્યું કે, તેમના ભાષણો સાંભળવા લોકો દૂર-દૂરના વિસ્તારોમાંથી એકઠા થતા હતા.
જસ્ટિસ કે. એમ. જોસેફ અને જસ્ટિસ બી. વી. નાગરત્નની ખંડપીઠે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, અદાલતો કેટલા લોકો સામે તિરસ્કારની કાર્યવાહી શરૂ કરી શકે છે અને શા માટે ભારતના લોકો અન્ય નાગરિકો અથવા સમુદાયોને અપમાનિત ન કરવાની પ્રતિજ્ઞા લઈ શકતા નથી.
નફરતના ભાષણ કરનારાઓ સામે એફઆઈઆર નોંધવામાં નિષ્ફળ રહેવા બદલ વિવિધ રાજ્યના સત્તાવાળાઓ સામેની અવમાનનાની અરજીઓની સુનાવણી કરતી વખતે બેન્ચે કહ્યું કે, “દરરોજ નાના તત્વો ટીવી પર અને જાહેર મંચો પર અન્યોને બદનામ કરવા ભાષણો કરી રહ્યા છે.’
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ કેરળમાં એક વ્યક્તિ દ્વારા ચોક્કસ સમુદાય વિરુદ્ધ આપવામાં આવેલા અપમાનજનક ભાષણ પર બેંચનું ધ્યાન દોર્યું હતું. તેમણે કહ્યું કે, અરજદાર શાહીન અબ્દુલ્લાએ દેશમાં દ્વેષપૂર્ણ ભાષણોની ઘટનાઓનો પસંદગીપૂર્વક ઉલ્લેખ કર્યો છે.
આ પહેલા મંગળવારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દ જાળવવા માટે નફરત ભર્યા ભાષણ છોડવા એ મૂળભૂત જરૂરિયાત છે. બેન્ચે સોલિસિટર જનરલ તુષાર મહેતાને પૂછ્યું હતું કે, એફઆઈઆર મુજબ આવા કેસમાં શું પગલાં લેવામાં આવ્યા છે, કારણ કે માત્ર ફરિયાદ દાખલ કરવાથી સમસ્યાનું નિરાકરણ નહીં આવે.
સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે 21 ઓક્ટોબરે કહ્યું હતું કે, બંધારણ મુજબ ભારત ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે. આ સાથે કોર્ટે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની સરકારોને નફરતભર્યા ભાષણોના મામલામાં કડક પગલાં લેવા અને ફરિયાદની રાહ જોયા વિના ગુનેગારો સામે ફોજદારી કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો હતો.