રાજ્યસભા સાંસદ મલ્લિકાર્જુન ખડગે થયા કોરોના સંક્રમિત,પાર્ટીની પદયાત્રામાં આપી હતી હાજરી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ મલ્લિકાર્જુન ખડગે કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યુ છે. હાલ તેઓ ઘરે જ આઈસોલેટ થયા છે.

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) પણ કોરોના સંક્રમિત થયા હોવાનુ જાણવા મળ્યુ છે. મલ્લિકાર્જુનનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ (Corona Report) આવ્યા બાદ તેઓ આઈસોલેટ થયા છે. મલ્લિકાર્જુન ખડગેના કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, રાજ્યસભા સાંસદ મલ્લિકાર્જુન ખડગે કોરોના સંક્રમિત થયા છે.
મલ્લિકાર્જુને કર્ણાટક કોંગ્રેસની પદયાત્રામાં હાજરી આપી હતી
તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા દિલ્હી ઓફિસમાં તેમના 5 કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યુ હતુ. મલ્લિકાર્જુન ખડગેએ કોરોના ટેસ્ટ કરાવ્યો તે પહેલા તેણે કર્ણાટક કોંગ્રેસની પદયાત્રામાં હાજરી આપી હતી. આ દરમિયાન કાવેરી નદી પર મેકેદાટુ પ્રોજેક્ટને અમલમાં મૂકવાની માગ કરવામાં આવી હતી. આ પદયાત્રામાં કોવિડ ગાઈડલાઈનનું ઉલ્લંઘન થયું હતું. જે બાદ ખડગે અને રાજ્ય પાર્ટી એકમના પ્રમુખ ડીકે શિવકુમાર, કર્ણાટક વિધાનસભામાં એલઓપી સિદ્ધારમૈયા સામે કોવિડ-19 પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવા બદલ FIR નોંધવામાં આવી હતી.
BJP એ કોંગ્રેસની પદયાત્રાને નકલી ગણાવી
ભાજપની આગેવાની હેઠળની કર્ણાટક સરકારે કોંગ્રેસની પદયાત્રાને નિશાન બનાવી હતી. 9 જાન્યુઆરીએ એક વીડિયો પણ શેર કર્યો હતો. જેમાં કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમાર માસ્ક વગર જોવા મળ્યા હતા. BJPએ ટ્વીટ કરીને લખ્યું કે ‘કોંગ્રેસ કાવેરી ડેમના પ્રોજેક્ટ માટે નકલી વિરોધ પ્રદર્શન કરી રહી છે. કર્ણાટક સરકારે (Karnataka Government) બુધવારે કોંગ્રેસની મુલાકાત પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો હતો. રાજ્યમાં હાલ કોરોના સંક્રમિતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.
મેકેદાતુ પદયાત્રા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો
કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ રામનગરમાં એક બેઠક યોજી હતી. જેમાં હાઈકોર્ટના (Karnataka High Court) આદેશને ધ્યાનમાં રાખીને બેંગલુરુમાં પદયાત્રાના અંતિમ કાર્યક્રમ અને મેકેદાતુ પદયાત્રાઅંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં મેકેદાતુ પદયાત્રા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સંસદના 700 કર્મચારીઓ કોરોના સંક્રમિત
તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ સંસદના 700થી વધુ અધિકારીઓ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. કોરોના સંક્રમણનો પ્રકોપ રોકવા માટે, રાજ્યસભા અને લોકસભા દ્વારા તેમના એક તૃતીયાંશ કર્મચારીઓને જાન્યુઆરીના અંત સુધી ઘરેથી કામ કરવાનો આદેશ આપ્યો છે.
આ પણ વાંચો : દેશમાં કોરોના વિસ્ફોટ : ત્રીજી લહેરની આશંકા વચ્ચે છેલ્લા 24 કલાકમાં 2.47 લાખથી વધુ કેસ નોંધાતા ખળભળાટ