કાશ્મીરમાં સરકાર એકશનમાં, આતંકવાદીઓને આશરો આપનારની મિલકત જપ્ત, વર્ષ દરમિયાન 172 આતંકવાદીઓ ઠાર
વર્ષ 2022 દરમિયાન કાશ્મીરમાં સુરક્ષા દળો દ્વારા હાથ ધરવામાં આવેલા 93 જેટલા ઓપરેશન્સમાં, 42 વિદેશી આતંકવાદીઓ સહિત 172 આતંકવાદીઓ ઠાર થયા છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી 108 આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા (LeT) અથવા તો ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)ના હતા.
જમ્મુ અને કાશ્મીર પોલીસે, આતંકવાદીને આશરો આપનાર પુલવામાના રહેવાસીની સંપત્તિ જપ્ત કરી છે. સત્તાવાર પ્રવક્તાના જણાવ્યાનુંસાર આતંકવાદીને રાખનારાના પુત્રની બે આતંકવાદીઓને આશ્રય આપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે કાશ્મીરના ડિવિઝનલ કમિશનરે, 1 ડિસેમ્બરના રોજ આતંકવાદીઓને આશરો આપનારાની સંપત્તિ જપ્ત કરવા માટે મંજૂરી આપી હતી. પ્રવક્તાએ કહ્યું કે 2022ના 30 મેના રોજ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપોરા વિસ્તારમાં પોલીસને ચેક રાજપુરાના રહેવાસી જહાંગીર અહેમદ લોન અને ઉમર શફી લોનના ઘરમાં આતંકવાદીઓની છુપાયા હોવાની માહિતી મળી હતી.
તેમણે કહ્યું કે એન્કાઉન્ટર દરમિયાન, બે આતંકવાદીઓ – જૈશ-એ-મોહમ્મદના શાહિદ અહમદ રાથેર અને લશ્કર-એ-તૈયબાના ઉમર યુસુફ – ઠાર મરાયા હતા. પ્રવક્તાએ કહ્યું કે કેસની તપાસ દરમિયાન આતંકીઓને આશરો આપવામાં જહાંગીર અહેમદ અને ઉમર શફીની સંડોવણી સામે આવી હતી.
જમ્મુ કાશ્મીરમાં 172 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા
2022 માં કાશ્મીરમાં સુરક્ષા દળો દ્વારા હાથ ધરવામાં આવેલા 90 થી વધુ ઓપરેશન્સમાં 42 વિદેશીઓ સહિત કુલ 172 આતંકવાદીઓ માર્યા ગયા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ શનિવારે અહીં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આતંકવાદી સંગઠનોમાં જોડાનારા યુવાનોમાં 37 ટકાનો ઘટાડો થયો હોવાનું જાણવા મળે છે. કાશ્મીરના અધિક પોલીસ મહાનિર્દેશક (ADGP) વિજય કુમારે ટ્વિટર પર લખ્યું હતુ કે, વર્ષ 2022 દરમિયાન કાશ્મીરમાં કુલ 93 સફળ એન્કાઉન્ટર થયા, જેમાં 42 વિદેશી આતંકવાદીઓ સહિત 172 આતંકવાદીઓ ઠાર થયા છે.
સૌથી વધુ લશ્કર-એ-તૈયબાના આતંકીઓ ઠાર થયા
તેમણે કહ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી 108 આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા (LeT) અથવા તો ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)ના હતા. તો 35 આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદ (JeM)ના, 22 આતંકવાદી હિઝબુલ મુજાહિદ્દીન (HM) અને અલ-બદરના ચાર આતંકવાદીઓ હતા. અંસાર ગઝવત-ઉલ-હિંદના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. ટોચના પોલીસ અધિકારીએ કહ્યું કે જમ્મુ કાશ્મીર પોલીસ (JKP)ના 14 જવાનો સહિત 26 સુરક્ષાકર્મીઓ 2022માં આતંકવાદી હુમલા અને એન્કાઉન્ટરમાં શહીદ થયા હતા.
આતંકવાદી સંગઠનોમાં જોડાનારાની સંખ્યા ઘટી
કુમારે કહ્યું કે આ આતંકવાદી કૃત્યોમાં સામેલ મોટાભાગના આતંકવાદીઓ માર્યા ગયા છે. તેમણે કહ્યું કે આતંકવાદીઓએ ઘાટીમાં 29 નાગરિકોની હત્યા કરી હતી. એડીજીપીએ કહ્યું કે, બાસિત દાર અને આદિલ વાની સિવાય આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ તમામ આતંકવાદીઓ માર્યા ગયા છે. કુમારે કહ્યું કે આ વર્ષે 100 લોકો આતંકવાદી સંગઠનોમાં જોડાયા છે અને ગત વર્ષની સરખામણીમાં તેમાં 37 ટકાનો ઘટાડો થયો છે.
સૌથી વધુ (74) આતંકવાદીઓ લશ્કર એ તૈયબામાં જોડાયા હતા, એમ તેમણે જણાવ્યું હતું. આમાંથી 65 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા, 17 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી અને 18 આતંકવાદીઓ હજુ પણ જમ્મુ કાશ્મીરમાં સક્રિય છે. શસ્ત્રો અને દારૂગોળાની પુનઃપ્રાપ્તિનો ઉલ્લેખ કરતા, તેમણે કહ્યું કે 2022 માં, એન્કાઉન્ટર અને આતંકી મોડ્યુલનો પર્દાફાશ દરમિયાન 360 અત્યાધુનિક હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા.