AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WITT Summit 2026 : યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ભારતની રણનીતિથી દુનિયા આશ્ચર્યચકિત: WITT ના મંચ પરથી બોલ્યા PM મોદી

'વોટ ઇન્ડિયા થિંક્સ ટુડે' સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક સંઘર્ષો અંગે ભારતની વ્યૂહરચના રજૂ કરી. વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે વિશ્વ હાલમાં જે ગંભીર પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યું છે તે ખૂબ જ ચિંતાજનક છે.

WITT Summit 2026 : યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ભારતની રણનીતિથી દુનિયા આશ્ચર્યચકિત: WITT ના મંચ પરથી બોલ્યા PM મોદી
| Updated on: Mar 23, 2026 | 9:42 PM
Share

‘વોટ ઇન્ડિયા થિંક્સ ટુડે’ સમિટ (WITT 2026)માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક સંઘર્ષોની વચ્ચે ભારતની વ્યૂહરચના અને દૃષ્ટિકોણને સ્પષ્ટ રીતે રજૂ કર્યો. તેમણે જણાવ્યું કે હાલ વિશ્વ ખૂબ જ ગંભીર અને ચિંતાજનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. વિશ્વના અનેક ભાગોમાં ચાલતા સંઘર્ષોનો પ્રભાવ સમગ્ર માનવજાત પર પડી રહ્યો છે, અને આવી પરિસ્થિતિમાં ‘ભારત અને વિશ્વ’ વચ્ચેના સંબંધો પર ચર્ચા કરવી અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે.

સમિટ દરમિયાન મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષનો ઉલ્લેખ કરતા વડા પ્રધાન મોદીએ કહ્યું કે 28 ફેબ્રુઆરીથી વૈશ્વિક સ્તરે અસ્થિરતા વધી છે. છતાં પણ, ભારત મજબૂત સંકલ્પ સાથે વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે. ભારતે સંકટો સામે નિર્ણાયકતા અને સક્ષમતા દર્શાવી છે. જ્યારે વિશ્વ અલગ-અલગ ગઠબંધનોમાં વિભાજિત થઈ રહ્યું છે, ત્યારે ભારતે દેશો વચ્ચે સંવાદ અને સહકારના પુલો બનાવ્યા છે. ગ્લોબલ સાઉથથી લઈને પડોશી દેશો સુધી, ભારત વિશ્વસનીય ભાગીદાર તરીકે ઉભરી આવ્યું છે.

વડા પ્રધાન મોદીએ સ્પષ્ટ કર્યું કે જ્યારે કેટલાક લોકો પૂછે છે કે ભારત કોના પક્ષમાં છે, ત્યારે ભારતનો અભિગમ સરળ અને સ્પષ્ટ છે — “અમે ભારત સાથે છીએ, અમે ભારતના હિતો સાથે છીએ, અને અમે શાંતિ તથા સંવાદના માર્ગને સમર્થન આપીએ છીએ.”

તેમણે વધુમાં કહ્યું કે આજના સમયમાં ચર્ચાનું કેન્દ્ર ‘ભારત અને વિશ્વ’ પર જ રહેવું જોઈએ. 2014 પહેલાંની પરિસ્થિતિઓને પાછળ મૂકી, ભારત આજે નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે. ભારત પડકારોથી ભાગતું નથી, પરંતુ તેનું સામનો કરીને વધુ મજબૂત બને છે.

કોવિડ-19 પછી વિશ્વમાં સતત પડકારો વધતા ગયા છે. એકપણ વર્ષ એવું નથી ગયું જેમાં ભારત અને તેના નાગરિકોની કસોટી ન થઈ હોય. છતાં, 1.4 અબજ ભારતીયોના સંયુક્ત પ્રયાસોથી દેશ દરેક પડકારને પાર કરીને વિકાસના માર્ગે આગળ વધ્યો છે. આજે, વૈશ્વિક અશાંતિ વચ્ચે પણ ભારતની નીતિઓ અને વ્યૂહરચનાઓને જોઈને વિશ્વના અનેક દેશો આશ્ચર્યચકિત થઈ રહ્યા છે.

વડા પ્રધાન મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે આજના પરસ્પર જોડાયેલા યુગમાં વિશ્વના કોઈપણ ખૂણે થતા યુદ્ધોના પ્રતિકૂળ પ્રભાવથી કોઈ દેશ બચી શકતો નથી. ઘણી જગ્યાએ પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે. આવા સમયમાં કેટલાક રાજકીય તત્વો પોતાના સ્વાર્થ માટે પરિસ્થિતિનો લાભ લેવાનો પ્રયાસ કરે છે, જે યોગ્ય નથી. આ સમય સંયમ અને સંવેદનશીલતાથી કામ લેવાનો છે.

તેમણે ઉમેર્યું કે કોવિડ-19 દરમિયાન આપણે જોયું કે જ્યારે દેશના નાગરિકો સંયમ રાખે છે અને એકતા દર્શાવે છે, ત્યારે સકારાત્મક પરિણામો પ્રાપ્ત થાય છે. તમામ વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતે વિકાસની ગતિ જાળવી રાખી છે, જે દેશની આંતરિક શક્તિ અને સંકલ્પનું પ્રતિક છે.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">