PM મોદીનો ઉદ્યોગ જગતને સીધો સવાલ: કોર્પોરેટ ટેક્સ ઘટ્યો અને નફો પણ રેકોર્ડ સ્તરે વધ્યો, છતાં કર્મચારીઓના પગાર વધારવામાં કંપનીઓ કેમ પાછળ?
કોર્પોરેટ ટેક્સ 30% થી ઘટીને 22% થવા અને રેકોર્ડ નફા બાદ પણ પગારની રફ્તાર સુસ્ત રહી. FY26 માં 4,046 કંપનીઓનો નફો 19% ઉછળ્યો, પરંતુ સેલેરી બિલ 9% વધ્યું. આ જ મુદ્દે પીએમ મોદીએ ઉદ્યોગ જગતને ઘેર્યું.

દેશની મોટી ખાનગી કંપનીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કડક સંદેશ આપ્યો છે. ગુરુવારે નવી દિલ્હીમાં ફિક્કી (FICCI) ની વાર્ષિક સામાન્ય સભા (AGM) ને સંબોધિત કરતા PM મોદીએ ઉદ્યોગ જગતની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે સીધો સવાલ પૂછ્યો કે, “કોર્પોરેટ ટેક્સ 30 ટકાથી ઘટાડીને 22 ટકા કરવામાં આવ્યો છે, પરંતુ શું ઉદ્યોગોએ નવી ભરતીઓ વધારી છે કે કર્મચારીઓના પગારમાં વધારો કર્યો છે?”
અહેવાલો મુજબ, વડાપ્રધાનની આ નારાજગી પાછળ નક્કર સરકારી આંકડા જવાબદાર છે. નાણાકીય વર્ષ 2026 (FY26) માં દેશની 4,046 કંપનીઓનો ચોખ્ખો નફો 19 ટકા ઉછળ્યો છે, પરંતુ તેની સામે કર્મચારીઓનું કુલ સેલેરી બિલ માત્ર 9 ટકા જ વધ્યું છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં ભારતીય કંપનીઓ પાસે 12.8 લાખ કરોડ રૂપિયાનું રેકોર્ડ કેશ બેલેન્સ જમા થયું છે, જે પાંચ વર્ષની ટોચે છે. આ ઉપરાંત, દેશની GDP માં કોર્પોરેટ નફાનો હિસ્સો પણ 2 ટકાથી વધીને 5 ટકાને પાર પહોંચી ગયો છે.
એક તરફ કંપનીઓની તિજોરી છલકાઈ રહી છે, તો બીજી તરફ ફેક્ટરી કામદારોની વાસ્તવિક કમાણી છેલ્લા ત્રણ વર્ષથી લગભગ સ્થિર છે. એન્યુઅલ સર્વે ઓફ ઇન્ડસ્ટ્રીઝ (ASI) ના આંકડા મુજબ, 2024-25 માં કામદારોના પગારમાં 5.3 ટકાનો વધારો થયો, પરંતુ 4.6 ટકા મોંઘવારી બાદ કરતા તેમની વાસ્તવિક આવકમાં માત્ર 0.7 ટકાનો જ નજીવો સુધારો થયો છે. કંપનીઓમાં મેનેજરો અને સામાન્ય કામદારોના પગાર વચ્ચેની અસમાનતા પણ વધી છે.
આ ઉપરાંત, મોટી કંપનીઓ અને બેંકોમાં નવી ભરતીની રફ્તાર પણ ધીમી પડી છે. કેરએજ (CareEdge) ના રિપોર્ટ મુજબ, કુલ રોજગારમાં સર્વિસ સેક્ટરનો હિસ્સો 31.8 ટકા થયો છે, જ્યારે મેન્યુફેક્ચરિંગ સેક્ટર હજુ પણ 10 થી 12 ટકા પર અટકેલું છે. ચાર વર્ષ પહેલાં નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ આ જ મુદ્દે કોર્પોરેટ જગતને સવાલ કર્યા હતા. હવે ખુદ વડાપ્રધાનના કડક વલણ બાદ ખાનગી ક્ષેત્રમાં પગાર વધારો, ઇનોવેશન અને ગુણવત્તા અંગે ફરી ચર્ચા તેજ બની છે.
